Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

શ્રીલંકા સીરિયલ બ્લાસ્ટમાં 'નેશનલ તૌહિદ જમાલ'ના હાથની આશંકા, ૧૩ લોકોની ધરપકડ

તૌહિદ એક ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન છેઃ તામિલનાડુમાં તેનું એક જૂથ સક્રિય છે, બ્લાસ્ટમાં પાંચ ભારતીયોના મોત થયા છે, ૧૦ દિવસ પહેલા જ આ સંદર્ભે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું

કોલંબો, તા.૨૨: શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રવિવારે ઇસ્ટર તહેવાર નિમિત્તે થયેલા શ્રેણીબદ્ઘ વિસ્ફોટે આખી દુનિયાને ધ્રુજાવી દીધી છે. સોમવાર સુધી ૨૧૮ લોકોએ બ્લાસ્ટને કારણે જીવ ગુમાવ્યો છે. બ્લાસ્ટમાં આશરે ૫૦૦ લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ પાછળ 'નેશનલ તૌહિદ જમાત' આતંકી સંગઠનનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તૌહિદ એક ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન છે. તામિલનાડુમાં તેનું એક જૂથ સક્રિય છે. જોકે, હજુ સુધી આ આતંકી સંગઠને બ્લાસ્ટમાં પોતાની જવાબારીનો સ્વીકાર નથી કર્યો. શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટમાં પાંચ ભારતીયોના મોત થયા છે. આ સંદર્ભે ૧૩ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ સંદર્ભે ટ્વિટ કરતા જણાવ્યું કે, 'કોલંબો ખાતે આવેલા ઇન્ડિયન હાઇ કમિશન તરફથી એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે ધ નેશનલ હોસ્પિટલ ખાતે ત્રણ ભારતીયોનાં મોત થયા છે. આ ત્રણેયના નામ લક્ષ્મી, નારાયણ ચંદ્રશેખર અને રમેશ છે. અન્ય બે મૃતકોમાં કે.જી. હનુમંનથપ્પા અને એમ રંગપ્પાનો સમાવેશ થાય છે.

બ્લાસ્ટમાં મૂળ કેરળની પીએસ રઝીના નામની ૫૮ વર્ષની મહિલાનું પણ મોત થયું છે, રઝીમા દુબઈમાં રહે છે. શ્રીલંકામાં રવિવારે થયેલા બ્લાસ્ટ સંદર્ભે પોલીસે કહ્યું છે કે, ૧૦ દિવસ પહેલા જ આ સંદર્ભે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે મુખ્ય ચર્ચોમાં બ્લાસ્ટ થઈ શકે છે. શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંદ્યે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

સુરક્ષા એજન્સીના જણાવ્યા પ્રમાણે 'નેશનલ તૌહિદ જમાત'ના જહરાન હાસિમ અને તેના સાથીઓએ આત્મઘાતિ હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આ બ્લાસ્ટને અંજામ આપતા પહેલા તેમણે રિહર્સલ પણ કર્યું હતું. સાથે જ ૧૬મી એપ્રિલના રોજ વિસ્ફોટકો ભરેલી એક બાઇક કતાંનકુડી પાસે મૂકી દીધી હતી.

કટ્ટરપંથી સંદેશ માટે જાણીતું છે તૌહિત જમાત પ્રાપ્ત વિગત પ્રમાણે શ્રીલંકા તૌહિદ જમાત (SLTJ) આક્રમક પ્રચાર અને પ્રસાર માટે જાણીતું છે. દેશના પૂર્વ વિસ્તારોમાં તેમનો પ્રભાવ વધારે જોવા મળ્યો છે. કટ્ટરવાદી સંદેશ ઉપરાંત મહિલાઓને બુરખો પહેરવો, મસ્જિદોનું નિર્માણ કરવું તેમજ શરિયા કાયદાનો ફેલાવો કરવાનું કામ તેમની પ્રાથમિકતા છે.(૨૩.૬)

(12:00 am IST)