Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

એર ઇન્ડિયાને દર મહિને ૨૫૦ કરોડનું નુકસાન છે

વિમાનોની જાળવણી માટે ફંડ નથી : રિપોર્ટ :સ્પેર પાર્ટ્સ મેળવવા માટે ફંડની તકલીફ આવી : રિપોર્ટ

નવીદિલ્હી,તા.૨૩ : સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયા પોતાના વિમાનો માટે જરૂરી સ્પેરપાર્ટસ  ખરીદી લેવાની સ્થિતીમાં નથી. કંપનીને ફંડની કમીના કારણે પોતાના વિમાનોની જાળવણીમાં પણ હવે તકલીફ આવી રહી  છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા સંસદની પબ્લિક એકાઉન્ટસ કમિટીને આ અંગેની માહિતી આપી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે એર ઇન્ડિયાને દર મહિને ૨૦૦-૨૫૦ કરોડ રૂપિયાનુ નુકસાન થઇ રહ્યુ છે. મંત્રાલય દ્વારા સંસદીય સમિતીને માહિતી આપવામાં આવી છે કે દર મહિને ૨૦૦-૨૫૦ કરોડ રૂપિયાની કેશ ડેફિસિટના કારણે સ્પેયર પાર્ટસ માટે ફંડમાં કમી આવી રહી છે. અલબત્ત મંત્રાલયનુ કહેવુ છે કે સ્પેર પાર્ટસ ઉપલબ્ધ કરાવવા માટે દરેક પગલા લેવામાં આવી રરહ્યા છે. સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટિની તપાસ હાલના સમયમાં ખુબ મહત્વ રાખે છે. એર ઇન્ડિયામાં ૭૬ ટકા હિસ્સેદારી વેચવા માટેની તૈયારી ચાલી રહી છે. પરિવહન, ટ્યુરિઝમ અને કલ્ચર સાથે સંબંધિત આ સમિતિનું નેતૃત્વ ડેરેક ઓબ્રાયન કરી રહ્યા છે. બ્રાયને એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટનો વિરોધ કર્યો છે. અલબત્ત તેમના ડ્રાફ્ટને પેનલમાં રહેલા એનડીએના સભ્યોએ અસ્વિકાર કરી દીધો છે. મંત્રાલય દ્વારા સંસદીય સમિતિને કહેવામાં આવ્યું છે કે, પહેલા એર ઇન્ડિયાના વિમાનોના એન્જિનોની જાળવણી અને રિપેર માટે વિદેશ મોકલવામાં આવતા હતા પરંતુ હવે આ કામ સ્થાનિક સ્તર ઉપર કરવામાં આવી રહ્યું છે. એર ઇન્ડિયાના વિમાનોના એન્જિનનું રિપેરિંગ કામ પણ ભારતમાં થઇ રહ્યું છે. એર ઇન્ડિયા ક્રેડિટ ઉપર મોકલવામાં આવેલી રોકને લઇને પણ વાતચીતમાં વ્યસ્ત છે.

આ રોક ઉઠી જવાની સ્થિતિમાં મેઇન્ટેનન્સ આડેની તકલીફ દૂર થઇ શકે છે. મંત્રાલય દ્વારા સમિતિને કહેવામાં આવ્યું છે કે, લીડ ઉપર લેવામાં આવેલા વિમાનોને શરતો પુરી ન થવાની સ્થિતિમાં બે મહિના સુધી ઉંડાણ ભરવાની મંજુરી આપવામાં આવી નથી. અત્રે નોંધનીય છે કે, એર ઇન્ડિયા પર હાલમાં કુલ ૪૮૭૭૬ કરોડ રૂપિયાનું દેવું છે.

(7:40 pm IST)