Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

એક્સાઇઝ ડ્યુટી હાલ નહીં ઘટે : ઉંચી કિંમતથી પરેશાની

પેટ્રોલ અને ડિઝલની ઉંચી કિંમતોને લઇને લોકો ભારે મુશ્કેલીમાં :રાજ્ય સરકારો સેલ્સટેક્સ અથવા તો વેટ ઘટાડીને પ્રજાને રાહત આપે તેવી કેન્દ્ર સરકારની ઇચ્છા : પેટ્રોલ ડીઝલના ભાવ ૫૫ મહિનાની ઉંચી સપાટીએ

નવી દિલ્હી,તા. ૨૩ : આસમાન પર પહોંચેલા ડિઝલ અને પેટ્રોલના ભાવથી હાલમાં સામાન્ય લોકોને કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. નાણામંત્રાલય પેટ્રોલ અને ડિઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની તરફેણમાં નથી. નામ જાહેર નહીં કરવાની શરતે એક અધિકારીએ કહ્યું છે કે, મંત્રાલય ઇચ્છે છે કે, રાજ્ય સરકાર સેલ્સ ટેક્સ અથવા તો વેટ ઘટાડીને સામાન્ય લોકોને રાહત આપો. આજે સોમવારના દિવસે પેટ્રોલ અને ડિઝલની કિંમતો છેલ્લા ૫૫ મહિનામાં સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગઈ હતી. પેટ્રોલનો ભાવ ૭૪.૫૦ રૂપિયા અને ડીઝલનો ભાવ ૬૫.૭૫ રૂપિયા સુધી પહોંચી ગયો છે. નાણામંત્રાલયના એક અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, મહેસુલી ખાધને ઘટાડવાના હેતુથી સરકાર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા માટે ઇચ્છુક નથી. તેલના રિટેલ ભાવમાં ચોથા હિસ્સાને એક્સાઇઝ ડ્યુટી તરીકે ગણવામાં આવે છે. લોકોનું કહેવું છે કે, એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની બાબત રાજકીય પગલા તરીકે રહેશે. સરકારનો હેતુ આ નાણાંકીય વર્ષમાં રાજકોષીય ખાધને જીડીપીના ૩.૩ ટકા સુધી કરવાનો છે જે ગયા વર્ષે ૩.૫ ટકા હતો. અધિકારીઓનું કહેવું છે કે, તેલની કિંમતોમાં દરેક એક રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા પર સરકારને ૧૨૦૦૦ કરોડનું નુકસાન થઇ શકે છે. આવી સ્થિતિમાં પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા કોઇ તૈયારી કરાઈ નથી. પેટ્રોલિયમ મંત્રાલય હાલમાં સત્તાવારરીતે ઓઇલ ઉપર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાને લઇને ઇચ્છુક નથી. પ્રજા ઉપર તેલની કિંમતોના બોજને ઘટાડવા માટે રાજ્યોએ વેટમાં ઘટાડો કરવો જોઇએ. કેન્દ્ર સરકાર પેટ્રોલ ઉપર ૧૯.૪૮ રૂપિયા પ્રતિલીટર અને ડીઝલ પર ૧૫.૩૩ રૂપિયા પ્રતિલીડર એક્સાઇઝ ડ્યુટી લાગૂ કરે છે. તેલ ઉપર રાજ્ય સેલ્સ ટેક્સ અથવા વેટ અલગ અલગ દરોથી લાગૂ કરે છે. દિલ્હીમાં પેટ્રોલ ઉપર વેટ ૧૫.૮૪ રૂપિયા પ્રતિલીટર છે જ્યારે ડીઝલ પર ૯.૬૮ રૂપિયા પ્રતિલીટર છે. હાલમાં એવા અહેવાલ આવી રહ્યા હતા કે, પેટ્રોલિયમ પેદાશો ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં બીજી વખત ઘટાડો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સક્રિયરીતે વિચારી રહી છે. મોદીના શાસન હેઠળ પેટ્રોલ અને ડિઝલની કિંમતો સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. પેટ્રોલ અને ડિઝલની રિટેલ કિંમતોને હળવી કરવા માટે ફ્યુઅલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં એક રૂપિયાથી લઇને ૧.૫૦ સુધીનો ઘટાડો કરવામાં આવી શકે છે તેવા અહેવાલ આવી રહ્યા હતા. જો કે, આજે રદિયો આપવામાં આવ્યો હતો. એક્સાઇઝ ડ્યુટીના સંદર્ભમાં નાણામંત્રાલય સાથે પેટ્રોલિયમ મંત્રાલયની વાતચીત ચાલી રહી છે. જો અમલી કરવામાં આવશે તો બંને પદાશોની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે. પેટ્રોલની કિંમત હાલમાં ચાર વર્ષની ઉંચી સપાટી ઉપર છે. બજેટમાં સરકારે પેટ્રોલ અને ડિઝલ ઉપર બેઝિક એક્સાઇઝ ડ્યુટીમાં બે રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો. સરકારે ફ્યુઅલ ઉપર વધારાની એક્સાઇઝ ડ્યુટીને પણ નાબૂદ કરી દીધી હતી પરંતુ ફિસ્કલ મોરચા ઉપર આ હિલચાલના પરિણામ સ્વરૂપે રોડ સેસમાં લીટરદીઢ ૮ રૂપિયા સુધી કરી દેવામાં આવતા તેની અસર જોવા મળી હતી. અગાઉ પણ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મુકવા માટે નાણામંત્રાલયને કહ્યું હતું પરંતુ આ દિશામાં કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા.

(7:45 pm IST)