Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કોંગ્રેસ આક્રમકઃ દિપક મિશ્રાનો બહિષ્કાર કરતા કપિલ સિબ્બલ

દિપક મિશ્રા CJI પદ પર રહેશે તો તેઓ નિવૃત્ત થશે ત્યાં સુધી તેમની કોર્ટમાં નહીં જાઉં

નવી દિલ્હી તા. ૨૩ : સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) દીપક મિશ્રા વિરુદ્ઘ મહાભિયોગ લાવવા માટે ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂને નોટિસ આપ્યા બાદ કોંગ્રેસ હવે વધારે આક્રમક થઈ ગઈ છે. આજે રાહુલ ગાંધી સંવિધાન બચાવો અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. તો કોંગ્રેસના સીનિયર નેતા તેમજ એડ્વોકેટ કપિલ સિબ્બલે જાહેરાત કરી છે જો જસ્ટિસ દીપક મિશ્રા તેમના પદ પરથી નહી હટે તો તેઓ ભવિષ્યમાં કયારેય તેમની કોર્ટમાં નહીં જાય.

'ઇન્ડિયન એકસપ્રેસ'માં છપાયેલા સમાચાર પ્રમાણે, કપિલ સિબ્બલે આજે સીજેઆઇની કોર્ટમાં હાજર નહીં રહેવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે જયાં સુધી દીપક મિશ્રા નિવૃત્ત્। નહીં થાય ત્યાં સુધી તેઓ તેમની કોર્ટમાં હાજર નહીં રહે. વ્યવસાયના સિદ્ઘાંતોનો હવાલો આપીને સિબ્બલે આવી જાહેરાત કરી હતી.

'ઇન્ડિયન એકસપ્રેસ'ના સમાચાર પ્રમાણે સિબ્બલે કહ્યું કે, 'મહાભિયોગ — ડ્રાફટ પર અલગ અલગ રાજકીય પાર્ટીના ૭૧ સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. મારા ઉપરાંત અનેક લોકોએ સીજેઆઇને હટાવવાની માંગણી કરી છે. હું આજથી તેમની કોર્ટ નહીં જાઉં.' નોંધનીય છે કે કોંગ્રેસના નેતા તેમજ સીનિયર એડ્વોકેટ કપિલ સિબ્બલ છેલ્લા ઘણા સમયથી સુપ્રીમ કોર્ટમાં પ્રેકિટસ કરી રહ્યા છે.

શુક્રવારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ (CJI) વિરુદ્ઘ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે જરૂરી ડ્રાફટ તૈયાર કર્યો હતો. આ પ્રક્રિયા બાદ વિપક્ષી દળોએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી હતી અને તેમને આ મહાભિયોગનો ડ્રાફટ સોંપ્યો હતો. જે શ્રી નાયડુએ આજે ફગાવી દીધો છે.

ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડૂએ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને પદ ઉપરથી હટાવવાને લઇને કોંગ્રેસ અને બીજા પક્ષો તરફથી આપવામાં આવેલી નોટિસ ઉપર આજે ચુકાદો આપતા પૂર્વે બંધારણવિદો અને કાયદા વિશેષજ્ઞોથી વિચાર-વિમર્શ કર્યો હતો. રાજયસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાયડૂએ અરજીને મંજૂર અથવા નકારવા એ અંગે વિશેષજ્ઞ સુભાષ કશ્યપ, પૂર્વ કાયદા સચિવ પીકે મલ્હોત્રા સહિતના અન્ય વિશેષજ્ઞોની કાયદાકીય સલાહ લીધી હતી.(૨૧.૧૭)

 

(11:53 am IST)