Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સુપ્રીમના ચીફ જસ્ટીસ તેમની સામેના આક્ષેપોમાંથી હેમખેમ બહાર આવે ત્યાં સુધી અદાલતી - વહીવટી કામકાજથી દૂર રહેઃ કોંગ્રેસ

નવી દિલ્હી તા. ૨૩ : કોંગ્રેસ અને અન્ય વિપક્ષો દ્વારા આપવામાં આવેલી સર્વોચ્ચ ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ઘની મહાભિયોગની નોટિસને જો રાજયસભા દ્વારા નકારવામાં આવશે તો કોંગ્રેસ એ મામલે કોર્ટમાં જાય તેવી શકયતા હોવાનું પક્ષના નેતાઓએ કહ્યું હતું.

મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ઘ સાત વિપક્ષે મહાભિયોગની નોટિસ આપ્યાના દિવસો બાદ કોંગ્રેસે રવિવારે કહ્યું હતું કે જયાં સુધી આક્ષેપોમાંથી તેઓ નિર્દોષ બહાર ન આવે ત્યાં સુધી તેમણે કોઇપણ વહીવટી કે અદાલતી કામ કરવાથી દૂર રહેવું જોઈએ.

દરમિયાન, મુખ્ય ન્યાયાધીશના બચાવમાં ઉતરેલા ભાજપ પર કોંગ્રેસે એમ કહીને આક્રમક પ્રહાર કર્યા હતા કે આમ કરીને ભાજપ તટસ્થ લવાદ તરીકેના મુખ્ય ન્યાયાધીશના હોદ્દા સાથે સમાધાન કરી રહ્યો હોવા ઉપરાંત ન્યાયતંત્રની સ્વતંત્રતાની કુસેવા કરી રહ્યો છે.

મુખ્ય ન્યાયાધીશે જ સામે ચાલીને ભાજપને આ મુદ્દાને રાજકીય સ્વરૂપ ન આપવા કહેવું જોઈએ, એમ કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

મહાભિયોગ નોટિસને મામલે કોંગ્રેસ અને વિપક્ષો હાલ રાજયસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે જો રાજયસભાના અધ્યક્ષને મહાભિયોગની આ નોટિસ ધ્યાન પર લેવા યોગ્ય નહીં જણાય તો તેમના નિર્ણયની સમીક્ષા કરવા માટે કોર્ટનો આશરો લેવામાં આવશે.

અધ્યક્ષના નિર્ણયને પડકારી શકાય એમ હોવા ઉપરાંત તેની સમીક્ષા કરવા કોર્ટનો આશરો લેવામાં આવે એવી શકયતા છે, એમ તેમણે કહ્યું હતું.

કોંગ્રેસ એ આશાએ મુખ્ય ન્યાયાધીશ પર નૈતિક દબાણ આણવાનો પ્રયાસ કરી રહી છે કે તેમની વિરુદ્ઘ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે તો તેઓ હોદ્દા પરથી ખસી જશે.

અગાઉ જે ન્યાયાધીશો વિરુદ્ઘ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો તેમણે તેમના હોદ્દા છોડી દીધા હતા અને એ જ ધોરણે મુખ્ય ન્યાયાધીશે પણ તેમનો હોદ્દો છોડી દેવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

કોંગ્રેસને આશા છે કે મહાભિયોગના પ્રસ્તાવને મામલે જલદી જ નિર્ણય લેવામાં આવશે.

બંધારણમાં આ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા મુકરર કરવામાં ન આવી હોવા છતાં રાજયસભાના અધ્યક્ષ આ નિર્ણય માટે અચોક્કસ મુદતનો સમય ન લઈ શકે, એમ એક કાયદાકીય નિષ્ણાતે કહ્યું હતું.  પક્ષપલટાવિરોધી કેસને ટાંકતા તેમણે કહ્યું હતું કે એ મામલે પણ કોર્ટે યોગ્ય સમયમર્યાદામાં નિર્ણય લેવા જણાવ્યું હતું.(૨૧.૪)

(12:01 pm IST)