Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

૨ મહિનામાં નરેન્દ્રભાઇ ૨ વખત ચીન જશે

૨૭-૨૮ એપ્રિલ અને ૯-૧૦ જૂને ચીનની મુલાકાત લેશે અને સંબંધો મુદ્દે જિનપીંગ સાથે મંત્રણા કરશેઃ ચીનનો ૪થો પ્રવાસ

બીજિંગ તા. ૨૩ : વડા પ્રધાન ૨૭મી અને ૨૮મી એપ્રિલે ચીનના વુહાન શહેરની મુલાકાત લેશે અને ત્યાં ચીનના પ્રમુખ શી જિન્પિંગની સાથે દ્વિપક્ષી અને આંતરરાષ્ટ્રીય બાબતમાં મંત્રણા કરશે. બાદમાં, મોદી નવમી અને દસમી જૂને પાછા ચીન જવાના છે.

ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ અહીં રવિવારે ભારતનાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાથેની સંયુકત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પ્રમુખ શીના આમંત્રણને પગલે મોદી મધ્ય ચીનના આ શહેરની મુલાકાત લેવાના છે. બન્ને નેતા લાંબા-ગાળાના દ્વિપક્ષી સંબંધ વધારવા પર ભાર આપી રહ્યા છે.

સુષ્મા સ્વરાજ આજે સોમવારથી શરૂ થયેલ. શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય આઠ દેશના વિદેશપ્રધાનોની બે દિવસની બેઠકમાં ભાગ લેવા ચીન આવ્યા છે.

નરેન્દ્રભાઇ મોદી ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી તેઓ આ ચોથી વખત ચીન જઇ રહ્યા છે.

શ્રી મોદી આ મુલાકાત પછી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય રાષ્ટ્રોની ચીનના કિવગ્ંડાઓ શહેરમાં નવમી અને દસમી જૂને યોજાનારી બેઠકમાં પણ ભાગ લેવા જશે.

ભારત અને ચીન વચ્ચે ડોકલામને મુદ્દે મડાગાંઠ ઊભી થઇ તે પછી ચીનના વિદેશપ્રધાન વાંગયી ડિસેમ્બરમાં ભારત આવ્યા હતા. બાદમાં, બન્ને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (ભારતના અજિત ડોવલ અને ચીનના યાંગ જિચી) વચ્ચે ચાલુ વર્ષના પ્રારંભમાં બેઠક યોજાઇ હતી અને તે પછી બન્ને દેશના સંયુકત આર્થિક જૂથની ૧૧મી બેઠક મળી હતી. ભારત અને ચીનની વચ્ચે પાંચમો સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગ તાજેતરમાં યોજાયો હતો. ભારતના વિદેશસચિવ વિજય ગોખલેએ ચાલુ વર્ષની શરૂઆતમાં બીજિંગની મુલાકાત લીધી હતી.

બન્ને દેશના વિદેશપ્રધાનો વચ્ચે સરહદ પાર વહેતી નદીઓ, અણુ સામગ્રી અને ટેકનોલોજી પૂરા પાડતા દેશના સંગઠન ન્યુકિલયર સપ્લાયર્સ ગ્રુપમાંના ભારતના સમાવેશ, સરહદ પરની મડાગાંઠ સહિતના મુદ્દે ચર્ચા યોજાઇ હતી.(૨૧.૪)

(9:54 am IST)