Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

હવે જીએસટી નંબર આવ્‍યા પછી જ કંપનીનું બેંક એકાઉન્‍ટ ખોલવા નિર્ણય

પહેલા જીએસટી નંબર વિના પણ કંપનીના નામે બેંક ખાતું ખોલવામાં આવતું હતું

મુંબઇ,તા. ૨૩ : બોગસ બિલિંગના કેસ સૌથી વધુ ગુજરાતમાં મળી આવવાના કારણે હવે નવો જીએસટી નંબરની ફાળવણી કરવામાં આવ્‍યા પછી જ તે કંપનીના નામે બેંકમાં ખાતુ ખોલવામાં આવશે. તેના કારણે અધિકારીઓનુ માનવુ છે કે બોગસ બિલિંગના કિસ્‍સામાં ઘટાડો થવાનો છે.

જીએસટી નંબરની ફાળવણી કરવામાં આવે તે પહેલા જ બેંકમાં કંપનીના નામે કે ફર્મના નામે ખાતુ ખોલી દેવામાં આવતુ હતુ. તેના કારણે બોગસ બિલિંગ કરનારા કૌભાંડીઓને મોકળુ મેદાન મળી જતુ હતુ. આ ઉપરાંત જીએસટી નંબર લીધા બાદ બેંક ખાતાનો નંબર પણ આપવાનો રહેતો હતો. પરંતુ મોટાભાગના કૌભાંડીઓ બેંક ખાતાનો નંબર જ આપતા નહોતા. આ કારણોસર ખોટી રીતે આઇટીસી લીધા પછી અનેક કિસ્‍સામાં બેંક ખાતા નંબર પણ ખોટો દર્શાવવામાં આવ્‍યો હોવાનુ બહાર આવ્‍યુ છે. આવા કિસ્‍સાઓ અટકાવવા માટે જ નવો જીએસટી નંબર લીધા પછી જ બેંક ખાતા ખોલવા માટેની તાકીદ કરવામાં આવી છે. તેના કારણે જીએસટી પોર્ટલ પર જે કંપનીના નામે જીએસટી નંબર હશે તે જ કંપનીના જવાબદારોના પુરાવાના આધારે બેંક ખાતુ ખુલશે. આ કારણોસર જયારે બોગસ બિલિંગના કિસ્‍સામાં જે ખાતામાંથી નાણાકીય વ્‍યવહાર થયો હોય તેને ઝડપથી પકડીને નાંણાની પણ વસુલાત કરી શકાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્‍યો હોવાનુ જાણકારી કહી રહ્યા છે. (૨૨.૩)

બેંક અધિકારીની મિલીભગત પણ અટકશે

બોગસ બિલિંગના કિસ્‍સામાં મોટાભાગે બેંક અધિકારીઓની મિલીભગત હોવાનુ પણ કહેવાય છે. કારણ કે જે ખાતામાં ખોટી રીતે આઇટીસી આવતી હોય તેની જાણકારી અધિકારીઓને હોય જ છે. આવા બેંક ખાતામાંથી દર મહિને લાખ્‍ખોની રકમ રોકડમાં ઉપાડવામાં આવતી હોય છે. જયારે તે ખાતામાં રકમ જમા કરવામાં આવતી નથી. આવી સામાન્‍ય બાબત પર પણ ધ્‍યાન દોરવામાં આવે તો બોગસ બિલિંગના કિસ્‍સા અટકી શકે તેમ છે. પરંતુ બેંક અધિકારીઓ દ્વારા પણ આવી બાબતો પર પુરતુ ધ્‍યાન આપતા નહીં હોવાના લીધે બોગસ બિલિંગના કિસ્‍સામાં વધારો થતો હોય છે. પરંતુ આ નિયમ લાગુ કરવામાં આવતા હવે બેંક અધિકારીઓની પણ મિલીભગત અટકવાની શકયતા જાણકારોએ વ્‍યકત કરી છે.

(10:44 am IST)