Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

સિંગર સોનુ નિગમના પિતાના ઘરે ૭૨ લાખની ચોરી

પૂર્વ ડ્રાઈવરની ધરપકડ

મુંબઇ,તા. ૨૩: બોલિવૂડના પ્રખ્‍યાત ગાયક સોનુ નિગમના પિતા અગમ કુમાર નિગમ સાથે લૂંટની ઘટના બની હોવાના  સમાચાર સામે આવ્‍યા છે. કહેવામાં આવ્‍યું છે કે તેમના ઘરેથી ૭૨ લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. પૂર્વ ડ્રાઈવર પર આનો આરોપ છે, જેની ધરપકડ કરવામાં આવી છે. સોનુની બહેન નિકિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, જે બાદ મામલો પ્રકાશમાં આવ્‍યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, એક અધિકારીએ બુધવારે જણાવ્‍યું કે ગાયક સોનુ નિગમના ૭૬ વર્ષીય પિતાના પૂર્વ ડ્રાઈવર પર કથિત રીતે ઘરમાંથી ૭૨ લાખ રૂપિયાની ચોરીનો કેસ દાખલ કરવામાં આવ્‍યો છે. ગાયકના પિતા અગમ કુમાર નિગમ અંધેરીમાં ઓશિવારા વિસ્‍તારમાં રહે છે. કથિત ચોરી ૧૯ માર્ચથી ૨૦ માર્ચની વચ્‍ચે થઈ હતી, એમ તેમણે જણાવ્‍યું હતું.

સોનુ નિગમની નાની બહેન નિકિતાએ ઓશિવરા પોલીસ સ્‍ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, અગમ કુમાર નિગમ પાસે રેહાન નામનો ડ્રાઈવર લગભગ ૮ મહિનાથી હતો, પરંતુ તેની કામગીરી સંતોષકારક ન હતી. આ કારણોસર તેને તાજેતરમાં જ કામ પરથી હટાવી દેવામાં આવ્‍યો હતો.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, અગમ કુમાર નિગમ રવિવારે વર્સોવા વિસ્‍તારમાં નિકિતાના ઘરે લંચ કરવા ગયા હતા અને થોડા સમય પછી પરત ફર્યા. તે જ દિવસે સાંજે, તેમણે ફોન પર તેની પુત્રીને કહ્યું કે લાકડાના અલમિરાહમાં રાખવામાં આવેલા ડિજિટલ લોકરમાંથી ૪૦ લાખ રૂપિયા ગાયબ છે.

બીજા દિવસે, આગમ કુમાર નિગમ વિઝા સંબંધિત કોઈ કામ માટે ૭ બંગલા ખાતે પુત્રના ઘરે ગયા હતા અને સાંજે પરત ફર્યા હતા. અધિકારીએ કહ્યું કે તેમને લોકરમાંથી ૩૨ લાખ રૂપિયા ગાયબ જણાયા અને લોકરને પણ નુકસાન થયું નથી. આ પછી, તે અને નિકિતા તેમની સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસે છે, જેમાં ભૂતપૂર્વ ડ્રાઈવર રેહાન બંને દિવસે બેગ લઈને ફલેટ તરફ જતો જોવા મળે છે. ફરિયાદ મુજબ, અગમ કુમારને શંકા છે કે રેહાન ડુપ્‍લિકેટ ચાવીની મદદથી તેના ફલેટમાં પ્રવેશ્‍યો હતો અને બેડરૂમમાંના ડિજિટલ લોકરમાંથી ૭૨ લાખ રૂપિયાની ચોરી કરી હતી.

(10:36 am IST)