Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

મલ્લિકાર્જુન ખડગેને હરાવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર કર્ણાટક ભાજપના દિગજ્જ નેતાએ કોંગ્રેસનો પંજો પકડ્યો

ભાજપના પૂર્વ MLC બાબુરાવ ચિંચનસુર બેંગલુરુમાં કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

નવી દિલ્હી :ભાજપના ભૂતપૂર્વ MLC બાબુરાવ ચિંચનસુર બેંગલુરુમાં કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. તે પહેલા સોમવારે બાબુરાવ ચિંચનસૂરે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાનું રાજીનામું વિધાન પરિષદના અધ્યક્ષ બસવરાજ હોરાટ્ટીને સોંપ્યું હતું.  

બાબુરાવ ચિંચનસુર ભાજપ તરફથી ટિકિટના દાવેદાર હતા પરંતુ પાર્ટી દ્વારા તેમને ધારાસભ્યની ટિકિટ નકારી દેવામાં આવી હતી કારણ કે તેઓ હાલમાં MLC છે. બાબુરાવ ચિંચનસુરને 2019ની લોકસભા ચૂંટણીમાં AICC પ્રમુખ એમ મલ્લિકાર્જુન ખડગેને હરાવવાના મુખ્ય ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે. ચિંચનસુર કલ્યાણ કર્ણાટક પ્રદેશમાં કોળી-કબાલિગા સમુદાયના અગ્રણી નેતા છે.

બાબુરાવ ચિંચનસુરે 2008થી 2018 સુધી કલાબુર્ગી જિલ્લામાં ગુરમિતકલ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અગાઉ તેઓ સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા. જો કે, તેઓ 2018માં કોંગ્રેસ છોડીને વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ ભાજપમાં જોડાયા હતા. ભાજપના નેતા તરીકે તેઓ ગુલબર્ગા (કાલાબુર્ગી) લોકસભા મતવિસ્તારમાં મલ્લિકાર્જુન ખડગેને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા નેતાના રૂપમાં જોવા મળે છે. ખડગેનો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા ઉમેશ જાધવ સામે પરાજય થયો હતો.

આ પહેલા બીજેપીના અન્ય એમએલસી પુટ્ટન્નાએ માર્ચ 2023 ની શરૂઆતમાં વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસમાં જોડાયા. જ્યારે આ મામલે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે ચિંચનસુર કોંગ્રેસમાંથી આવ્યા હતા અને તે જ પાર્ટીમાં પાછા જઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપ રાજ્યમાં મજબૂત સ્થિતિમાં છે અને બાબુરાવ ચિંચનસુરે પક્ષ છોડવાથી તેના પર કોઈ અસર થશે નહીં.

(12:24 am IST)