Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

સમજુ શહેરીજનો સહકાર આપો... ઘરમાં જ રહો

કોરોનાના કહેર સામે આપણે પોતે જાગૃત થઇએ એ જરૂરીઃ પોલીસ-કલેકટર અને મ્યુનિસિપલ તંત્રો સતત ઝઝૂમે છે, આપણે પણ જાગૃત બનીએ

રાજકોટ તા. ૨૩: વિશ્વ આજે કોરોના વાયરસના કહેર સામે ખળભળી ગયું છે. રોજબરોજ કાળમુખો કોરોના માનવજીવને ઓહીયા કરી રહ્યો છે, રોજબરોજ અલગ-અલગ રાજ્યોમાં કોરોનાના પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે. પરિસ્થિતિ સતત ગંભીર બની રહી છે. ડરનો માહોલ તો છે જ પણ આ માહોલમાંથી આપણે જાતે જ રસ્તો કાઢી શકીએ તેમ છીએ. રાજકોટ શહેરમાં પણ એક પોઝિટીવ કેસ જાહેર થયો છે અને બીજા શંકાસ્પદ કેસોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. અનેક લોકોને મ્યુનિસિપલ આરોગ્ય તંત્રોની ટીમોએ કવોરન્ટાઇન કર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તમામ રાજ્યોને લોકડાઉનનો કડક અમલ કરાવવા આદેશ કર્યો છે. એ સાથે જ રાજ્ય સરકારોએ પોલીસ તંત્રને આદેશનું કડક પાલન કરાવવા સુચના આપી છે. આ આદેશો એ લોકના હિત માટેના પગલાના ભાગ રૂપે જ છે. પોલીસ અને બીજા તંત્રો પરાણે કાયદાનું પાલન કરાવે એ કેટલુ યોગ્ય ગણાય?...રંગીલા રાજકોટની જનતાએ અનેક કુદરતી આફતો વચ્ચે પોતાની ખમીરતા અને ધૈર્યતાના દર્શન કરાવ્યા છે અને તંત્રો સાથે ખભેખભા મિલાવીને સહકાર આપ્યો છે. આ વખતે પણ તંત્ર આવુ જ ઇચ્છે છે, પણ રીત થોડી જુદી છે. આ વખતે બહાર નીકળીને નહિ પણ ઘરમાં રહીને સહકાર આપવાનો છે. સમજુ રાજકોટવાસીઓને આ એક અપિલ-અનુરોધ કે આજીજી જે સમજો એ છે કે તંત્રોને સહકાર આપો, ઘરમાં જ રહો.

મ્યુનિસિપલ કમિશનર તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર કોરોના સામેની લડતમાં સતત રાતદિવસ દોડધામ કરી રહ્યું છે. લાખોની સંખ્યામાં રાજ્યભરમાં આ તંત્રો સાથે જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ પોતાની કે પોતાના સ્વજનોની પણ ચિંતા કર્યા વગર સતત સરકાર નિર્દેશીત કામગીરીમાં વ્યસ્ત છે અને કોરોનાના કહેર સામેની ચેઇન તોડવા રિતસર ઝઝૂમી રહ્યા છે. રાજ્ય સરકારે ૨૫મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરતાં આ તંત્રોની કામગીરીમાં વધુને વધુ વધારો થઇ ગયો છે. સતત દોડધામ કરતાં તંત્રવાહકો માટે ભલે આપણે બીજુ કઇ ન કરી શકીએ પરંતુ તેઓની કામગીરીમાં વધારો થાય એવું તો ન જ કરીએ. રાજકોટના પ્રજાજનો આ બાબતને ખુબ સારી રીતે સમજી શકે તેમ છે. રાજકોટવાસીઓએ હાલના સંજોગોમાં બહાર નીકળીને નહિ પણ ઘરમાં રહીને સહકાર આપવાનો છે. આ ખુબ જ જરૂરી છે. કેમ કે વધુ લોકો-ભીડ ભેગી થાય ત્યાં કોરોનાનો ચેપ લાગવાનો ખતરો વધુને વધુ છે. જરૂર ન હોય તો બહાર ન જ નીકળો.

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે  ઘરની એકાદ વ્યકિત જ નીકળે અને તુરત જ પરત ઘરે પહોંચે એ જરૂરી છે. મહત્વના અને તદ્દન જરૂરી કામ વગર બહાર ન જ નીકળવું એ આજે આપતી સોૈની ફરજ બની રહે છે.  પોલીસ તો લોકડાઉનનો અમલ કરાવવા પહેલા વિનંતી કરશે પણ પછી કડક રસ્તો પણ અપનાવશે. કાયદાનું પાલન કરાવવા પોલીસ બંધાયેલી છે. રાજકોટવાસીઓ એટલા તો સમજુ છે જ કે નિયમોનું પાલન કરે. રવિવારે જે રીતે જનતા કર્ફયુનું ચુસ્ત પાલન કરી તંત્રવાહકોનું અભિવાદન કરી ઇતિહાસ રચી દીધો એમ જ હજુ થોડા દિવસો સુધી, સરકાર જાહેર ન કરે ત્યાં સુધી પોતાની જાતને ઘરમાં જ રાખીએ એ સોૈ માટે સુખકારી બની રહેશે.

(3:21 pm IST)