Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

કોરોના હાહાકાર વચ્ચે ઘૂંટણીયે થયેલ ઇટલીની યુવતિની પોસ્ટને લાખો લોકોએ લાઇક કરી !

'કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા તમારાથી જે કાંઇ થઇ શકતું હોય તે અત્યારથી જ કરો'

ઇટાલીના સવા લાખની વસતી ધરાવતા બર્ગામો શહેરની ક્રિસ્ટીના હિગ્ગીન્સ નામની એક મહિલાએ ઈટાલીમાં કોરોના વાયરસે જે હાહાકાર મચાવ્યો છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે (તા. ૧૧મી માર્ચ ૨૦૨૦ના રોજ) એક ફેઈસબૂક પોસ્ટ લખી છે જેને એક જ દિવસમાં ૮૮ હજારથી વધુ 'લાઈક'મળી છે, ૫૮ હજારથી વધુ લોકોએ તેના પર ટિપ્પણી (કોમેન્ટ) કરી છે અને સવા ચાર લાખ જેટલા લોકોએ આ પોસ્ટ 'શેર'કરી છે. (આ ત્રણેય આંકડા કોરોના વાયરસની જેમ સતત વધી રહ્યા છે!) મારા ફેઇસબૂક સ્વજનોની જાણ અર્થે ક્રિસ્ટીનાની પોસ્ટનો ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત કરું છું.

'હું કોરોના વાયરસના ગંભીર સંકટમાં ઘેરાયેલા ઇટાલીના બર્ગામોથી આ લખી રહી છું. ઈટાલીમાં કોરોના વાયરસે જે સ્થિતિ સર્જી છે તેની ગંભીરતા અમેરિકાનું મિડિયા પકડી શકયું નથી. હું આ પોસ્ટ એટલા માટે લખી રહી છું કે, માત્ર તમારા દેશની સરકાર જ નહીં, શાળા-કોલેજોના સંચાલકો જ નહીં, ગામ, નગરો કે મોટા શહેરોના વડાઓ જ નહીં પરંતુ, આપ સહુ પાસે, પ્રત્યેક નાગરિક પાસે આજે મોકો છે – એવા કાર્યો કરવાનો જેનાથી તમારા દેશમાં ઇટાલી જેવી સ્થિતિ સર્જાતી અટકાવી શકાશે. આ વાયરસને ફેલાતો અટકાવવાનો એકમાત્ર રસ્તો તેનો ચેપ સીમિત કરવાનો છે અને આ ચેપને ફેલાતો રોકવાની એકમાત્ર યુકિત લાખો લોકોએ પોતાની રીત-ભાત, વ્યવહાર બદલવાની છે.'

'જો તમે યુરોપ કે અમેરિકામાં રહો છો તો જાણી લો કે, ઇટાલીમાં અમે જે સ્થિતિમાં છીએ તેનાથી તમે માત્ર એકાદ-બે સપ્તાહ જ દૂર છો.'

'તમે કદાચ કહેશો કે, આ તો એક ફલુ છે. જે માત્ર મોટી ઉંમરના અમુક સ્થિતિ ધરાવતા લોકોને જ અસર કરે છે. તમારા મનનો આ પ્રતિભાવ હું સાંભળી શકું છું.'

'કોરોના વાયરસે આજે ઈટાલીને ઘૂંટણભેર કરી મૂકયું છે તેના બે કારણ છે. એક, આ એક એવો વિનાશકારી ફલુ છે જેનાથી ખરેખર બીમાર પડેલા લોકોને અઠવાડિયાઓ સુધી 'આઈસીયુ'માં સારવાર હેઠળ રાખવાની જરૂર પડે છે અને બીજું, આ વાયરસ અત્યંત ઝડપથી અને અસરકારક રીતે ફેલાય છે. આ વાયરસનો 'ઇન્કયુબેશન પિરિયડ'બે સપ્તાહનો છે અને જેમને એનો ચેપ લાગ્યો હોય તેવી વ્યકિતઓમાં તેના કોઈ જ લક્ષણો જોવામાં આવતા નથી.'

'ગઈ રાત્રે જયારે વડાપ્રધાન કોન્ટેએ જાહેર કર્યું કે, સમગ્ર દેશના, ૬ કરોડ લોકો 'લોક-ડાઉન'પર જશે (જયાં હોય ત્યાં જ થંભી જાય, અટકી જાય..) ત્યારે મને સૌથી વધુ અસર તેમના એ વાકયે કરી કે, 'હવે વધુ સમય નથી.' કારણ કે, સ્પષ્ટ રીતે કહીએ તો, આ રાષ્ટ્રીય 'લોક-ડાઉન'એ કોઈ ડૂબતો તરણું ઝાલે એવી સ્થિતિ છે. એમનું (વડાપ્રધાનનું) કહેવાનું એ છે કે, જો ચેપ લાગવાની સંખ્યા ઘટવાનું શરુ નહીં થાય તો સમગ્ર ઈટાલીમાં તંત્ર પડી ભાંગશે.'

'કેમ? કેમકે, આજે લોમબાર્ડી (ઇટાલીના એક શહેર)માં 'આઈસીયુ''પેક'થઇ ગયા છે અથવા તો તેમાંઙ્ગ ક્ષમતાથી વધુ દરદીઓ રાખવા પડ્યા છે. તેઓને હવે 'આઈસીયુ'યુનિટ ખૂલ્લી લોબીઓ કે મોટા મોટા હોલમાં ઊભા કરવાની ફરજ પડી રહી છે. જો ચેપ લાગવાની સંખ્યા ઓછી નહીં થાય તો, જે ઝડપથી ચેપ વધી રહ્યો છે તે જોતાં આવતા એક સપ્તાહ? કે બે સપ્તાહ? માંજ હજ્જારો લોકો આ રોગચાળાની ચપેટમાં આવી જશે? કેટલા લોકોને સારવારની જરૂર પડશે? ત્યારે શું થશે જયારે સેંકડો કે હજ્જારોઙ્ગ લોકોને હોસ્પીટલમાં ભરતી કરવા પડશે અને એ પણ એવી સ્થિતિમાં કે જયારે 'આઈસીયુ'પણ ઓછા પડવા લાગ્યા છે?'

'ગત સોમવારે એક ડોકટરે એક છાપામાં લખ્યું છે કે, ઈમરજન્સી રૂમમાં આવતા દરદીઓને જોતાં તેઓએ હવે કોણ જીવે અને કોણ મરે એ નક્કી કરવું પડે એવી, યુદ્ઘ જેવી સ્થિતિ શરૂ થઇ ચૂકી છે. આ સ્થિતિ વણસી જાય એવા અસાર છે.'

'દેશમાં ડોકટરો, નર્સો અને અન્ય તબીબી સ્ટાફની સંખ્યા સીમિત છે અને તેઓ પણ વાયરસની લપેટમાં આવી રહ્યા છે. તેઓ રાત-દિવસ, વણથંભ્યા કામ કરી રહ્યા છે; પરંતુ, તેઓ પણ દરદીઓને સંભાળી શકવાની સ્થિતિમાં નહીં રહે ત્યારે શું થશે?'

'અને અંતમાં, જેઓ એમ કહી રહ્યા છે કે, આ વાયરસ તો માત્ર મોટી ઉંમરના લોકોને જ અસર કરે છે તેઓને એટલું જ જણાવવાનું કે, ગઈકાલથી ૪૦-૪૫ કે ૧૮ વર્ષની નાની ઉંમરના લોકો પણ સારવાર માટે આવી રહ્યાનું હોસ્પિટલો જણાવી રહી છે.'

'આજે તમારી પાસે સ્થિતિમાં ફરક પાડવાની અને તમારા દેશમાં ચેપ ફેલાતો અટકાવવાની તક છે. ઓફીસના તમામ કર્મચારીઓ ઘરે બેસીને કામ કરે તેવો આગ્રહ રાખો, બર્થડે પાર્ટીઓ અને વધુ લોકોના જમાવડા થાય તેવા કાર્યક્રમો રદ કરો, બની શકે ત્યાં સુધી ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો. જો તમને તાવ આવ્યો હોય, કોઈપણ પ્રકારનો તાવ તો ઘરમાં જ રહો. હમણાં શાળા-કોલેજો બંધ રાખવાનો આગ્રહ કરો. વાયરસ, ચેપ ફેલાતો અટકાવવા માટે તમારાથી જે કાંઈ થઇ શકે તે કરો, કારણ કે, તે તમારા સમુદાયોમાં ફેલાઈ રહ્યો છે – બે સપ્તાહનો 'ઇન્કયુબેશન પિરિયડ'છે આ વાયરસનો હુમલો થવાનો – અને જો તમે તેનો ફેલાવો અત્યારથી જ અટકાવશો તો તમને તબીબી સારવારનો સમય ઉપલબ્ધ થઇ શકશે.'

'અને જેઓ એમ કહે છે કે, શાળા-કોલેજો બંધ રાખવાનું શકય નથી, અને બીજી બધી પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે, તેઓને એટલું જ કહેવાનું કે, એક સપ્તાહ પહેલાં 'લોકીંગ ડાઉન ઇટાલી' (ઈટાલીમાં જન-જીવન સંપૂર્ણપણે થંભાવી દેવા)ની સ્થિતિ સર્જાશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી.'

'ટૂંક સમયમાં જ, તમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નહીં હોય, તેથી કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા તમારાથી જે કાંઈ થઇ શકતું હોય તે અત્યારથી જ કરો...'

'કૃપા કરીને આ પોસ્ટ વધુ ને વધુ 'શેર'કરો.'

https://m.facebook.com/story.php?story_fbid=10157623212885189&id=559600188 

(ટીકા-ટિપ્પણ વિના : કોરોના વાયરસે જગત આખામાં જે હડકંપ મચાવ્યો છે તેને ભારતવાસીઓ ગંભીરતાથી લે એવી શકયતા ઘણી ઓછી છે કેમકે, આ દેશમાં માર્ગ-અકસ્માતોમાં દર વર્ષે પોણા બે લાખ લોકો અમુલ્ય જીંદગી ગુમાવે છે છતાં, કોઈને ટ્રાફિકના સીધા-સરળ નિયમોનું પાલન કરવું ગમતું નથી. દર વર્ષે સાડા ચાર લાખ લોકો કેન્સરથી મૃત્યુને ભેટે છે તેમ છતાં, લોકોને પાન-મસાલા, તમાકુ, ગુટખા અને ધૂમ્રપાન જેવા તદ્દન બિનજરૂરી વ્યસનોમાંથી છૂટવું પસંદ પડતું નથી. કોરોના વાયરસથી તો દુનિયામાં હજુ ચાર-પાંચ હજાર જ મૃત્યુ થયા છે. જે ભારતીયોના સ્વજનો પરદેશમાં વસે છે તેઓ કોરોના વાયરસને ગંભીરતાથી લે અને પોતાને બચાવે એવા શુભ હેતુથી ઇટાલીની મહિલાની ઉપરોકત ફેઇસબૂક પોસ્ટ અનુવાદ કરીને અત્રે સાભાર પ્રસ્તુત કરી છે... અસ્તુ. –મહેશ દોશી)

(તા.ક. : ક્રિસ્ટીના હિગ્ગીન્સની પોસ્ટ મને ફોરવર્ડ કરવા માટે હું અમેરિકાવાસી ડો'. અનિલભાઈ શાહનો આભારી છું.)

(12:51 pm IST)