Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

ન્યાયતંત્રની અલભ્ય ઘટનાઃ તા. ૧૭ થી ૩૧ માર્ચ સુધી સામાન્ય કાર્યવાહી મુલત્વી રખાઇ

માત્ર અરજન્ટ કાર્યવાહી માટે અદાલતોમાં સુનાવણી થઇ રહી છેઃ કોરોનાની ગંભીરતાને લઇને પ૦% સ્ટાફથી જ કાર્યવાહી : કોર્ટ-કેન્ટીનો - નાસ્તા ગૃહોને પણ તાળા મારી લગાવી દેવાયા : કોરોનાથી બચવા વકીલોની ખડેપગે કામગીરીઃ લોકો-પક્ષકારોને પ્રવેશ બંધીઃ સકારત્મક વિચાર ધારાની ઉર્જાથી રક્ષણ કરવા પણ લોકોને આહવાન

રાજકોટ તા. ર૩ :.. સામાન્ય રીતે કોઇ મહામારી કે, કુદરતી આફતોનો સામનો કરવો પડે ત્યારે કલેકટર તંત્ર, મ્યુનિપાલીટી, આરોગ્ય તંત્ર તથા સરકારના સંબધિત ખાતાઓ દ્વારા લોકોના રક્ષણ માટે સરકારી તંત્રો એલર્ટ થઇ જતાં હોય છે. પરંતુ ન્યાય તંત્ર પણ લોકોના રક્ષણ માટે જરૂરી પગલા ભરે તેવી ઘટના કદાચ પ્રથમ વખત બની છે.

કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાને લઇને સરકારી તંત્રો, જેવા કે, આરોગ્ય, પોલીસ ખાતું મ્યુનિ. તંત્ર, કલેટકર તંત્ર સહિતના સરકારી માધ્યમો ખડેપગે લોકોના રક્ષણ માટે કામગીરી બજાવી રહયું છે. ત્યારે અદાલતોમાં જરૂરી કામ સંબંધે અથવા તો કેસની મુદતોએ આવતા પક્ષકારોનાં હિત માટે સુપ્રિમ કોર્ટ, તેમજ હાઇકોર્ટો દ્વારા સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. જેમાં સામાન્ય રોજરોજની કાર્યવાહી તેમજ રાબેતા મુજબ ચાલતાં કેસોની સુનાવણી અટકાવી દેવામાં આવી છે. માત્ર અરજન્ટ કાર્યવાહીની જરૂર જણાય તેવી અરજન્ટ મેટરોની સુનાવણી જ કોર્ટોમાં થઇ રહી છે.

હાઇકોર્ટની સુચનાનુસાર તા. ૧૭ થી ૩૧ માર્ચ દરમ્યાન ગુજરાતભરની હાઇકોર્ટના તાબા હેઠળની જીલ્લા અને તાલુકા કક્ષાની તમામ કોર્ટોમાં ફકત અરજન્ટ કાર્યવાહી જ ચલાવવામાં આવી રહી છે.

રાજયભરની અદાલતોમાં આવેલ કોર્ટ કેન્ટીનો, નાસ્તા ગૃહો પણ તાળા લાગી ગયા છે. કોરોના વાયરસના ચેપથી લોકોને બચાવવા પુરતો પ્રયાસ ન્યાયતંત્ર દ્વારા પણ હાથ  ધરાયો છે.

વકીલો દ્વારા પણ કોર્ટે આવતાં લોકો - પક્ષકારોને કોર્ટ દરવાજે જ પાછા વાળી દઇને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. અને જરૂરી કેસો વાળા પક્ષકારોને અનુમતી આપવામાં આવી રહી છે. કોર્ટ સ્ટાફ તેમજ વકીલો અને જરૂરી પક્ષકારોને મોઢા ઉપર  બાંધવા માટેના માસ્ક તેમજ સેનીટાઇઝરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

વધુમાં લોકોને સકારાત્મક વિચાર ધારાના બ્રહ્માંડના નિયમ ને અનુસરવા પણ વકીલો લોકોને સમજાવી રહ્યા છે. કહેવાય છે કે તમે જેવો વિચાર કરો વૈશ્વિક શકિતઓ એને તમારી પાસે પહોંચાડવા કામે લાગી જાય છે. આપણા વડવાઓ એટલે જ કહેતા કે, શુભ - શુભ બોલો.

આજે સમગ્ર દેશ અને વિશ્વમાં જે વાતાવરણ ઉભુ થયું છે. અને વિશ્વ આખુ કોરોના વાયરસથી બચવા ચિંતા કરી રહ્યુ છે. ત્યારે આવી સકારાત્મક વિચારધારાની ઉર્જાથી પોતની જાતનું રક્ષણ કરવા માટેની પ્રેરણા પણ લોકોને વકીલો પુરી પાડી રહ્યા છે.'આપણે તમામ પ્રકારના વાયરસથી મુકત છીએ કોઇ વાયરસ આપણુ કશુ જ બગાડી શકશે નહિ' અમો સુખી, સ્વચ્છ અને આનંદી આત્મા છીએ તેવા રટણ સાથે સકારાત્મક વિચાર કરતા રહો ખુબ જ ટૂંકાગાળામાં આવા સકારાત્મક વિચારોથી આપણે જાતનું રક્ષણ કરી શકીશું.

અદાલોતમાં ડે ટુ ડે જરૂરી ન હોય તેવા પ૦ ટકા સ્ટાફથી કામો ચલાવવાની અલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવવા પણ સુચવાયું છે. આગામી તા. ૩૧ સુધી લોકો પણ સંયમ પાળશે તો આપણે આ મહામારીથી પણ બહાર આવી જશું.

(11:41 am IST)