Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કેજરીવાલની રેલી રદ થતાં મોદી ઉપર સંજય સિંહના પ્રહારો

હર્ષવર્ધનને રેલીની મંજુરી પરંતુ એએપીને નહીં : તમામ પરવાનગી લેવાઇ હોવા છતાં છેલ્લી ઘડીએ મંજુરી આપવામાં આવી નથી : પોલીસ સામે પગલા લેવા માંગણી

નવી દિલ્હી, તા. ૨૩ : લોકસભા ચૂંટણીમાં પ્રચારમાં સામેલ આમ આદમી પાર્ટીએ આજે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કર્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેમના ઇશારે દિલ્હી પોલીસે આજે એક રેલી કરવાની મંજુરી આપી નથી. આ જગ્યા ઉપર આવનાર દિવસોમાં ભાજપના નેતા હર્ષવર્ધનસિંહની રેલી થનાર છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનો ઉલ્લેખ કરતા દાવો કરાયો હતો કે, તેમની તરફથી દિલ્હીમાં આજ સુધી ભાજપની કોઇ રેલી રદ કરાવવામાં આવી નથી. પત્રકાર પરિષદમાં સંજયસિંહે કહ્યું હતું કે, દિલ્હીના સકુરબસ્તી વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ એક જનસભા કરનાર હતા.

તમામ પરવાનગી માટે દિલ્હી પોલીસ સાથે પહેલાથી જ વાત કરી લેવામાં આવી હતી પરંતુ છેલ્લી ઘડીએ પોલીસ તરફથી મંજુરી મળી ન હતી. આના ઉપર સંજય સિંહે કહ્યું હતું કે, ચૂંટણીના પરિણામ આવતા પહેલા જ ભારતીય જનતા પાર્ટી હાર સ્વીકારી ચુકી છે. સંજય સિંહે એમ પણ કહ્યું હતું કે, દિલ્હી પોલીસની દેખરેખમાં પાટનગરમાં નિષ્પક્ષ ચૂંટણી યોજાઈ શકે તેમ નથી. સંજય સિંહે એમ પણ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના લોકો દિલ્હીમાં ભયભીત દેખાઈ રહ્યા છે. કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, દિલ્હીની સાતેય સીટ ઉપર ભાજપની હાર થનાર છે. મોદી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીને પીછેહઠ કરી ચુક્યા છે. હવે પ્રજા યોગ્ય મતદાન કરીને ભાજપને બોધપાઠ ભણાવશે. સંજય સિંહે ચૂંટણી પંચમાં જવાની પણ વાત કરી છે. ચૂંટણી પંચને એવી અપીલ કરવામાં આવી છે કે, દિલ્હી પોલીસના એવા અધિકારીઓ સામે પગલા લેવામાં આવે જે લોકોએ ભાજપના કહેવાથી રેલી રદ કરી દીધી છે. આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ પણ તેમના તરફથી કરવામાં આવી છે.

 

 

 

 

(7:22 pm IST)