Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

રાહુલ ગાંધી દક્ષિણ ભારતની પણ કોઇ સીટથી મેદાનમાં રહેશે

વાયનાડ, નાંદેડ સીટ પરથી મેદાનમાં ઉતરી શકે : કોંગ્રેસ પાર્ટી દ્વારા રાહુલ ગાંધીને અપીલ કરવામાં આવી

તિરુવંતનપુરમ, તા. ૨૩ : છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના અમેઠીની સાથે સાથે અલગ અલગ સીટો પરથી ચૂંટણી લડવાને લઇને અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ મહાસચિવ અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમાન ચંડીના નિવેદન બાદ અટકળો વધુ તીવ્ર બની ગઈ છે. ઓમાન ચંડીએ કહ્યું છે કે, રાહુલ ગાંધીને વાયનાડ સીટ પરથી ચૂંટણી લડવા અપીલ કરવામાં આવી છે. રાહુલ ગાંધી દક્ષિણ ભારતના ચાર રાજ્યો આંધ્રપ્રદેશ, તમિળનાડુ, કેરળ અને કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાના હેતુસર આ નિર્ણય કરી શકે છે. ઓમાન ચંડીએ કહ્યું હતું કે, કેરળ કોંગ્રેસ સમિતિ રાહુલ ગાંધીને કેરળની કોઇ સીટ પરથી ચૂંટણી લડવાની વાત કરી ચુક્યા છે. વાયનાડથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવી રહ્યું છે. આના ઉપર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા કોઇપણ સમયે આવી શકે છે. થોડાક દિવસ પહેલા જ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ રાવે પણ રાહુલ ગાંધીને પત્ર લખીને કર્ણાટકની કોઇ સીટ પરથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું હતું. એક અગ્રણી અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે છેલ્લા એક મહિનાથી વાતચીત ચાલી રહી છે. જો રાહુલ ગાંધી વધુ એક સીટ પરથી ચૂંટણી લડશે તો આસપાસની સીટો પર પણ માહોલ બનશે અને કોંગ્રેસને લીડ મળી શકે છે. હિન્દુ પટ્ટામાં નબળી દેખાઈ રહેલી કોંગ્રેસ પાર્ટી દક્ષિણ ભારતના રાજ્યોમાં ભરપાઈની સ્થિતિમાં આવી શકે છે. કેરળની ૨૦ લોકસભા સીટ પરથી ૧૬ પર કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડી રહી છે. ઉમેદવારોના નામ જાહેર થઇ ચુક્યા છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ વારાણસી અને વડોદરાની બેઠક પરથી ચૂંટણી લડી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ પણ રાહુલને અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની કોઇ સીટ પરથી ચૂંટણી લડવા માટે અપીલ કરી છે.

 

(7:18 pm IST)