Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મમતાએ પાર્ટીના લોગોમાંથી ૨૧ વર્ષે કોંગ્રેસ નામ હટાવ્યું

ડાબેરી પક્ષો સાથેના વ્યવહાર બાદ મમતા બેનર્જીએ ૧૯૯૮માં કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો

નવી દિલ્હી તા. ૨૩ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના પક્ષના ચિહનમાંથી કોંગ્રેસનું નામ હટાવી દીધું છે. મમતા બેનર્જીએ કોંગ્રેસ પાર્ટી સાથે સત્તાવાર રીતે ૨૧ વર્ષ અગાઉ છેડો ફાડી લીધો હતો.

મમતાના પક્ષના નવા લોગોમાં લીલા રંગમાં તૃણમૂલ લખેલું જણાય છે અને તેમાં બ્લુ કલરના બેકગ્રાઉન્ડમાં બે ફૂલો જોવા મળે છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ એક સપ્તાહથી આ નવો લોગો પ્રચારમાં આવી ગયો છે.

૧૯૯૮માં રાજયના હાલના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડાબેરી પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) સાથે કોંગ્રેસના વ્યવહાર મુદ્દે મતભેદ સર્જાતા પક્ષ સાથે છેડો ફાડી દીધો હતો. પક્ષના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, 'TMC હવે તૃણમૂલ તરીકે ઓળખાશે અને બે દાયકા બાદ હવે પરિવર્તનનો સમય છે.' મમતાના પક્ષે તેમના બેનર, પોસ્ટર અને તમામ પ્રચાર સાહિત્યમાંથી કોંગ્રેસનું નામ પડતું મૂકયું છે.

જોકે પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચમાં પક્ષનું નામ તૃણમૂલ કોંગ્રેસ તરીકે યથાવત્ રહેશે. પાર્ટીના અધિકૃત ફેસબુક અને ટ્વિટર પેજ પર તેમજ મુખ્યમંત્રી મમતા બેનર્જી તેના ભત્રીજા અભિષેક બેનર્જી અને તૃણમૂલના રાજયસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયનના એકાઉન્ટ પર આ નવો લોગો જોવા મળે છે.

(3:27 pm IST)