Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

હવે લોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે જોડાણ કરી સિધ્ધાંતો નેવે મૂકયા : નરેન્દ્રભાઇ

બિન કોંગ્રેસવાદ માટે લોહિયા જીવનભર લડતા રહેલ

નવી દિલ્હી તા. ૨૩ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિગ્ગજ નેતા રહી ચૂકેલા રામ મનોહર લોહિયાની જયંતી પર તેમને યાદ કરતાં કોંગ્રેસ અને સમાજવાદી પક્ષો પર નિશાન તાકયું છે. પીએમ મોદીએ લોહિયાની જયંતી પર બ્લોગ લખીને સમાજવાદી વિચારધારા ધરાવતા પક્ષોના કોંગ્રેસ સાથે ગઠબંધન પર હુમલો કરતાં લખ્યું છે કે જે બિનકોંગ્રેસવાદ માટે લોહિયા જીવનપર્યંત લડતા રહ્યા તેમની સાથે જ તેમણેે મહામિલાવટી ગઠબંધન કરી લીધું છે.

પીએમ મોદીએ આ બ્લોગને ટ્વિટ પણ કર્યો છે. પીએમ મોદીએ લોહિયાનો ઉલ્લેખ કરીને સમાજવાદી પક્ષો પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે કે આજે ૧૩૦ કરોડ ભારતીયો સામે એ સવાલ મોં ફાડીને ઊભો છે કે જે લોકોએ ડો.લોહિયા સુધી વિશ્વાસઘાત કર્યો હતો તેમની પાસેથી આપણે દેશ સેવાની આશા કઇ રીતે રાખી શકશે? સ્પષ્ટ છે કે જે લોકોએ લોહિયાના સિદ્ઘાંતો સાથે છળકપટ કર્યું છે તે લોકો હંમેશની જેમ દેશવાસીઓ સાથે છળકપટ કરતા રહેશે.

પીએમ મોદીએ સમાજવાદી પાર્ટી અને રાજદ જેવા દળો પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે દુર્ભાગ્યની વાત છે કે રાજનીતિમાં આજે એવા ઘટનાક્રમ સામે આવી રહ્યા છે જેને જોઇને ડો.લોહિયા પણ વિચલિત અને વ્યથિત થઇ ગયા હોત. જે પક્ષો ડો.લોહિયાને પોતાનો આદર્શ બતાવતા થાકતા ન હતા એ લોકોએ જ સંપૂર્ણપણે તેમના સિદ્ઘાંતોને તિલાંજલિ આપી દીધી છે. એટલે સુધી કે આ પક્ષો ડો.લોહિયાને અપમાનીત કરવાની કોઇ તક છોડતા નથી.

પીએમ મોદીએ વધુમાં લખ્યું છે કે ડો.લોહિયા વંશવાદી રાજનીતિને હંમેશાં લોકતંત્ર માટે ઘાતક માનતા હતા. આજે તેઓ આ જોઇને જરૂર હેરાન પરેશાન થાત કે તેમના અનુયાયીઓ માટે પોતાના પરિવારોનું હિત દેશહિતની ઉપર છે. ડો.લોહિયાનું માનવું હતું કે જે વ્યકિત સમતા, સમાનતા અને સમત્વ ભાવથી કાર્ય કરે છે તે યોગી છે. દુઃખની વાત એ છે કે સ્વયંને લોહિયાવાદી ગણાવતી પાર્ટીઓએ આ સિદ્ઘાંતને નેવે મૂકી દીધો છે. તેઓ સત્તા, સ્વાર્થ અને શોષણમાં વિશ્વાસ કરે છે.

(3:22 pm IST)