Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

NIAની ઓપન FIR

હવે ત્રાસવાદી સંગઠનોનું આવી બનશે

હવે જૈશ વિરૂધ્ધ દેશવ્યાપી કાર્યવાહીની તૈયારી

નવી દિલ્હી તા. ૧૩ : પુલવામા હુમલાના એક મહિના બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જૈશ-એ-મોહમ્મદ અને તેના ભારત-પાકિસ્તાનમાં રહેતા ડોનર્સ તેમજ સુવિધા પાડતા મદદગારો વિરુદ્ઘ એક ઓપન FIR નોંધાવી છે. FIRમાં મસૂદ અઝહરના ભાઈ મુફતી અબ્દુલ રઊફ અસગર, મુદસ્સિર આખન અને અન્ય ૬ વ્યકિતઓના નામ છે. આ FIR આંતકી સંગઠન દ્વારા ભારતમાં જેટલા પણ હુમલાના પ્લાન ઘડવામાં આવ્યા છે તે તમામની એકસાથે તપાસ કરવા માટે નોંધવામાં આવી છે. જોકે આશ્ચર્યજનક છે કે અઝહરનું નામ આ FIRમાં નથી. અઝહર અંગે કહેવામાં આવી રહ્યું છે કે તે હાલ પાકિસ્તાનની એક હોસ્પિટલમાં બંધ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઓપન FIRનો હેતુ તેના ભૂગર્ભ કેડર્સ, સ્લીપર સેલ્સ, ટેકેદારો અને દેશભરના વિવિધ શહેરોમાં આતંકવાદી સંગઠનના નાણાકીય સહાય કરનાર લોકોને પકડી પાડવાનો છે. જેનાથી ભવિષ્યના હુમલાઓને રોકવામાં પણ મદદ મળશે. તેમજ આતંકવાદી સંગઠન સામે એક મજબૂત કેસ બનાવશે, જેમાં તેના ત્રાસવાદી જૂથોની વિગતો આપવામાં આવશે. પાકિસ્તાની સરકાર અને તેની ગુપ્તચર એજન્સી ISIની મદદથી મસૂદ અઝહરનું આ આતંકી જૂથ આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે, તે સંબંધિત વિગતવાર પુરાવા એકત્રિત કરી શકાશે.

NIAએ શુક્રવારે મુદસ્સિર ખાનના નજીકના સાથી ગણાતા સજ્જાદ ખાનની ધરપકડ કરી હતી. સજ્જાદને જૈશ-એ-મોહમ્મદ દ્વારા દિલ્હીમાં રેકી કરવા અને અહીં આતંકીઓને છુપાઈને રહેવા માટે જગ્યા શોધવા મોકલવામાં આવ્યો હતો. તેના ઈરાદા ઉત્તરપ્રદેશ અને આસપાસના રાજયોના મુસ્લિમ યુવાનોનું બ્રેઇનવોશ કરીને તેમની ભરતી કરવાના હતા. તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે રૂપિયા પણ ભેગા કરતો હતો.

સૂત્રો મુજબ આ ઓપન FIRના પગલે હવે NIA જમ્મુ-કાશ્મીરના અલગાતવાદીઓની પણ આતંકવાદી ભૂમીકા અંગે તપાસ કરી શકશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ૨૦૧૬માં IS ના વિરુદ્ઘ પણ NIA દ્વારા આવી ઓપન FIR નોંધવામાં આવી હતી જે બાદ દેશભરમાં ISના નેટવર્ક વિરૂદ્ઘ મોટાપાયે ક્રેકડાઉન થયું હતું. NIA અને ગુપ્તચર સંસ્થાઓ પાસે રિપોર્ટ છે કે આવા આતંકવાદી સંગઠનોને બિઝનેસ સંસ્થાઓ અને ચેરિટેબલ ટ્રસ્ટના નામથી આર્થિક મદદ કરવામાં આવી છે. તેમજ ખાડી દેશો અને પાકિસ્તાન સરકાર દ્વારા ISIની મદદથી આ મદદ કરવામાં આવે છે.(૨૧.૧૦)

(11:33 am IST)