Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

બોફોર્સનો બાપ

સ્વદેશી 'ધનુષ' તોપ સામેલ થશે સૈન્યમાં

બોફોર્સ કરતા પણ શકિતશાળીઃ ૧૩ ટનનું વજનઃ ૩૮ કિ.મી.ની રેન્જઃ ૧ તોપ ૧૩ કરોડની

નવી દિલ્હી, તા. ૨૩ :. ભારતીય સેનામાં ટૂંક સમયમાં જ સ્વદેશી બનાવટની ધનુષ તોપને સામેલ કરાશે. બધા પરિક્ષણો સફળ થયા પછી હવે ૨૬ માર્ચે ૬ ધનુષ તોપ સેનાને સોંપી દેવાશે. ધનુષ સ્વદેશી તોપ છે જેની મારક ક્ષમતા બોફોર્સથી પણ વધારે છે. આવતા અઠવાડીયે ઓર્ડીનન્સ ફેકટરી બોર્ડ (ઓએફબી)ની જબલપુર ગન ફેકટરી ૬ ધનુષ તોપ સેનાને સોંપશે. ભારતીય સેના માટે આ ગન ફેકટરી કુલ ૧૧૪ ધનુષ તોપ બનાવશે. અત્યારે ૬ ધનુષ તોપ સોંપાયા પછી ડીસેમ્બર સુધીમાં લગભગ ૧૮ બીજી તોપ સેનાને મળે તેવી આશા છે. ૨૦૨૨ સુધીમાં બધી ૧૧૪ તોપ તૈયાર કરવાનો ટાર્ગેટ રખાયો છે. ૪૫ કેલીબરની ૧૫૫ મીલીમીટર અને ઓટોમેટીક ધનુષ તોપની ટેકનોલોજી બોફોર્સની ટેકનોલોજી પર આધારિત છે. ધનુષ દૂર સુધી માર કરી શકે છે અને દુર્ગમ રસ્તાઓ પર પણ સરળતાથી ચાલી શકે છે. ઉપરાંત તે દિવસે જ નહીં પણ રાત્રે પણ સચોટ નિશાન લગાવી શકે છે.

 

ધનુષને બોર્ડર પર અલગ અલગ ઋતુ અને પરિસ્થિતિમાં ફાયરીંગ ટેસ્ટ કરાઈ છે. તે દરેક પરીક્ષણમાં સફળ રહી છે. સિયાચીનના ઠંડા પ્રદેશથી માંડીને રાજસ્થાનના ગરૂમ વિસ્તારોમાં તેનુ પરિક્ષણ સફળ રહ્યુ છે. ૨૦૧૭માં સીબીઆઈએ આ તોપ બનાવવામાં હલકી ગુણવત્તાવાળા ચીની પાર્ટસનો ઉપયોગ કરવાના આરોપોની તપાસ પણ કરી હતી. જો કે સરકારે સંસદમાં જણાવ્યું હતુકે તેનાથી આની ગુણવત્તાને અસર નથી થઈ. ધનુષનું વજન ૧૩ ટન છે અને એક તોપની કિંમત ૧૩ કરોડ રૂપિયા છે.

ધનુષ તોપને દેશી બોફોર્સ પણ કહેવામાં આવે છે. જો કે ધનુષ તોપ મારક ક્ષમતા સહિત ઘણી બાબતોમાં બોફોર્સ કરતા પણ સારી છે. બોફોર્સની મારક રેન્જ ૨૯ કિ.મી.ની છે, જ્યારે ધનુષની રેન્જ ૩૮ કિ.મી. છે. બોફોર્સમાં ઓપરેશન ઓટોમેટીક નથી, જ્યારે ધનુષમાં એક કોમ્પ્યુટર છે જે સ્વચાલિત છે, એટલે કે તે ઓટોમેટીક સીસ્ટમ દ્વારા પોતે જ ગોળો લોડ કરીને ફોડી શકે છે. સતત કેટલાય કલાકો સુધી ફાયરીંગ પછી પણ ધનુષની બેરલ ગરમ નથી થતી. બોફોર્સ ફકત જૂની પેઢીના ગોળાઓ જ ફેંકી શકે છે જ્યારે ધનુષ તોપ જૂની પેઢીના ગોળાઓ સાથે સાથે નવી પેઢીના ગોળાઓ ફોડવા માટે પણ સક્ષમ છે.(૨-૫)

(11:32 am IST)