Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ !

સ્વાતંત્ર્ય સંગ્રામના તેજસ્વી ક્રાંતિવીર

''સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈે દેખના હૈ કી જોર કીતના બાજુએ કાતીલ મે હૈ''

એવી ભાવના સાથે ભારત માતાના ત્રણ લવરમુછીયા સપુતો ઉન્નત મસ્તકે અને દેશને આઝાદ બનાવવાની દિવાનગી સાથે તારીખ ર૩મી માર્ચ ૧૯૩૧ ના રોજ ફાંસીને માંચડે ચડી ગયા.

એમાંના એક હતા ભગતસિંહ હિન્દુસ્તાનના ઇતિહાસમાં એ અમર શહિદ બની ગયા.

એક જમાનો હતો જ્યારે આપણા ભારત દેશ ગુલામીની જંજીરોમાં  જકડાયેલો હતો પરદેશી શાસકોનું  આપણા પર પ્રભુત્વ હતું. ભારતવાસીઓ પર ત્રાસ અને દમનના કોરડા વીંઝાતા હતા.

એવે સમયે ભારતની આઝાદી માટેનો સ્વાતંત્ર્ય યજ્ઞ ઇ.સ.૧૮પ૭ ની સાલથી શરૂ થયો પછી તો જોત જોતામાં આ ચીનગારી દાવાનળ બની ગઇ નાના સાહેબ પેશ્વા, બહાદુરશાહ ઝફર, તાત્યાટોપે અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ અંગ્રેજ સરકાર સામે પડકાર ફેકયો અને તેમનો ભગીરથ પ્રયાસ અમર બન્યો.

૧૮પ૭ થી ૧૯૪૭ સુધીનો નેવુ વરસનો સ્વાતંત્ર્ય સંગ્રામ દેશનો અમર ઇતિહાસ છે શૌર્ય, સ્વાપર્ણ, ત્યાગ અને કુરબાનીનો રોમાંચક ઇતિહાસ છે જાન સટોસટના સાહસો ખેલી હસ્તે મુખે ફાંસીના તખ્તે ચડી જનારા, ગોળીઓથી વિંધાઇ જનારા કે આંદામાનની આ જન્મ કારાવાસ ભોગવનારા ક્રાંતિકારોએ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ અમર બનાવ્યો છે.

આ ક્રાંતિવીરોમાના એક હતા ભગતસિંહ માત્ર ર૪ વર્ષનું તેમનું આયુષ્ય ૧૯૦૭ ની સાલમાં તેમનું આ ધરતી પર આગમન થયું અને ર૪ વર્ષની વયે ૧૯૩૧ના વર્ષમાં રાષ્ટ્રકાજે હસ્તે મુખે ફાંસીને માંચડે ચડી ગયા.

આઝાદીની તમન્ના ભગતસિંહના રકતમાં હતી પરંપરાગત હતી છેક મહારાજા રણજીતસિંહના સમયથી આ પરંપરા સરદારકુળમાં જળવાતી રહી હતી ભગતસિંહના દાદા, ભગતસિંહના બાપુ, વડીલો, કાકાઓ તમામ સ્વાતંત્ર્ય દેવીને સમર્પિત થઇ ચુકયા હતા અને તેમાંયે સરદાર ભગતસિંહે અમર શહાદત વહોરી પોતાના પરિવાર પર કિર્તિકળશ ચડાવી દીધો.

ભગતસિંહ આ જન્મ ક્રાંતિવીર હતા સાંડસ હત્યા અને અને એસેમ્બલી બોમ્બ કાંડ સર્જી તેમણે અંગ્રેજ શાસનના પાયા હચમચાવી નાખ્યા અને રોમાંચક સાહસોનો ઇતિહાસ સજર્યો.

તેમને મિત્રો પણ કેવા મલ્યા માથે કફન બાંધેલા સિંહ જેવી છાતીવાળા બલિદાનની ભાવનાને વરેલા સુખદેવ રાજયગુરૂ, ચંદ્રશેખર આઝાદ અને ભગવતીચરણ.

એક દિવસની વાત એક કાળી મોટરકાર એક વિશાળ ઇમારતથી થોડેદૂર ઉભી રહી તેમાંથી બે યુવાનો બહાર નીકળ્યા ઇમારત તરફ ચાલ્યા બેમાંથી એક યુવાન ભરાવદાર, ચણકતી આંખોવાળો અને બીજો પાતળો અને ઉંચો હતો બંનેનો  પોષાક સરખો હતો બુટ અને હેટ સરખા હતા તેમના ચહેરા ઉપર દ્રઢતાની નિશાની હતી.

એપ્રીલનો તેજસ્વી તડકો હતો વિશાળ ઇમારત તરફ એક પછી એક મોટરો આવી રહી હતી પ્રાંગણ આંગતુકોથી ઉભરાવા લાગ્યુ હતું એ હતુ દિલ્હીનું સંસદ ભવન.

પ્રાંગણ તરફથી એક યુવાન આવ્યો બંને યુવાનો આગળ વધ્યા પેલા યુવાને પોતાની પાછળ આવવા ઇશારો કર્યો થોડીવારમાં તેઓ એક વિશાળ ઓરડાની સામે આવી ઉભા ત્યાંથી તે બંનેને પ્રેક્ષક દીર્ધા તરફ દોરી ગયો અને પછી પલકવારમાં અદ્રશ્ય બની ગયો.

વડી ધારાસભાનું કામકાજ શરૂ થયુ જુદા જુદા બે બીલ ઉપરની ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ પકડયું એજ સમયે એક પ્રચંડ ધડાકાથી સભાગૃહ ગાજી ઉઠયું ભાગમભાગ થઇ પડી એવામાં બીજો ધડાકો થયો સભાગૃહની છત તુટી પડી સભ્યો ભયભીત બની ગયા કાળો ધુમાડો આખાયે હોલમાં ભરાઇ ગયો થોડીવારે ધુમાડો વીખેરાયો હજીય ખુરશી ઉપર બેસી રહેલા મોતીલાલ નહેરૂ, મહમદઅલી ઝીણા, મદનમોહન માલવીયા વગેરેએ પોતાની સામે બે યુવાનોને ઉભેલા જોયા એમાનો એક બોલી ઉઠયો ''ઇન્કલાબ ઝીન્દાબાદ'' બીજો પાતળો ઉંચો યુવાન કુદયો હાથમાની પ્રચાર પત્રિકાઓ આખાય સભાગૃહમાં ઉડાડી પત્રીકામાં પબ્લીક સેફટી બીલ અને ટ્રેડ ડીસ્પ્યુટ બીલનો વિરોધ કરાયો હતો અને જણાવાયું હતું કે, હિન્દુસ્તાનની આઝાદી માટે જ અમારી પાર્ટીની સ્થાપના કરી છે અમારૂ ધ્યેય એકજ છે હિન્દુસ્તાનની સ્વતંત્રતા અમે આ અમારી આઝાદી મેળવવા કૃતનિશ્ચયી છીએ અમારી ફરજ અમારો ધર્મ સમજી ચુકયા છીએ.

હિન્દુસ્તાન ઝીન્દાબાદ ઇન્કલાબ ઝીન્દાબાદ

પોલીસ દળે આવી આખીયે ઇમારતને કોર્ડન કરી લીધી પોલીસ અધિકારીઓએ સભાગૃહમાં પ્રવેશ કર્યો બંને યુવાનોને સશસ્ત્ર જોઇ આગળ વધતા અટકી ગયા યુવાનો હસ્યા આનાથી ડરો છો તમે ? એવુ કહી પોતાના હાથમાની રીવોલ્વર સામે ફેંકી દઇને કહ્યું તો હવ ેગીરફતાર કરી લો પોલીસ આગળ વધી બન્નેને હાથકડી પહેરાવી.

બોમ્બ ફેંકનાર આ બંને યુવાનો હતા સરદાર ભગતસિંહ અને બટુકેશ્વર દત હિન્દુસ્તાન સમાજવાદી પ્રજાતંત્ર સેનાનાએ ક્રાંતિકારીઓ હતા તેમને એકજ લગની લાગી હતી હિન્દુસ્તાનની આઝાદીની.

દેશભકિત માટે પાંચ પાંચ પેઢીથી વિખ્યાત એવા શીખ પરિવારમાં ભગતસિંહનો જન્મ થયો હતો. તા. ર૮સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ સરદાર કિસનસિંહને ત્યાં તેમનું આગમન થયુ તેઓ લાયલપુર જીલ્લાના બંગા ગામના હતા. તેના જન્મના એંધાણ પણ કેવા સારા ? એજ દિવસે તેના કાકા અજીતસિંહને હિન્દુસ્તાન આવવાની પરવાનગી મળી એજ દિવસે બીજા કાકા સુવર્ણસિંહ અને પિતા કિસનસિંહને જેલ મુકિત મળી આવા ભાગ્યશાળી પુત્રનું નામ ભગતસિંહ રખાયું.

બંગાની પ્રાથમિક શાળામાં તેમને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેની તેજસ્વીતાથી શિક્ષકો પ્રસન્ન થયા ૪થા ધોરણમાં તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં તો તેમણે ઘરના પુસ્તકાલયના તમામ પુસ્તકો વાંચી નાખ્યા પ્રાથમીક શિક્ષણની સારી કારકિર્દિ સાથ લાહોરમાં માધ્યમિક શિક્ષણ માટે ગયા એ અરસામાં ૧૯૧પ નું ગદ્દર આંદોલન આવી પડયું સરકારે ધરપકડનો દોર શરૂ કર્યો. ક્રાંતિવીરોને પકડી પકડીને જેલ ભરવા માંડી અદાલતમાં કેસો ચાલ્યા કેટલાકને કાળાપાણીની સજા થઇ તો કોઇને ફાંસી થઇ.

ભગતસિંહના માનસ ઉપર એક ન ભુંસાય એવી છાપ પડી.

દરમિયાન ૧૯૧૯ની અસહકારની લડત આવી એ જ વર્ષમાં જલીયાવાલા હત્યાકાંડ સર્જાયો અમૃતસરમાં અંગ્રેજોએ રાક્ષસી કૃત્ય કર્યુ સેંકડો બાળકો, સ્ત્રી, પુરૂષો સદાયને માટે પોઢી ગયા આવડો મોટો માનવ સંહાર કયારેય થયો નહોતો દેશ ખળભળી ઉઠયો ભગતસિંહનું મનોમંથન વધી ગયું.

૧૯ર૧માં ભગતસિંહ નવમાં ધોરણમાં હતા દેશભરમાં સ્વદેશી વસ્તુના પ્રચાર અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર થઇ રહ્યો હતો ભગતસિંહે સ્કુલ છોડી દીધી અને સ્વંતત્ર્ય આંદોલનમાં ઝુકાવી દીધુ શેરીએ શેરીએ ફરી વિદ્યાર્થીઓના ટોળા ભેગા કરી તેમણે વિદેશી વસ્તુઓની હોળી કરી.

અસહકારના આંદોલનમાં ભાગ લેવા માટે એણે શાળા છોડી હતી. પણ હવે અહિંસા કે અસહકારમાં એને જરાય રસ ન હતો તેણે ફરી અભ્યાસ ચાલુ કર્યો.

પંજાબ કેસરી લાલા લજપતરાયની સંસ્થા નેશનલ કોલેજમાં જોડાયા આ સંસ્થામાં મોટે ભાગે જેમના હૃદયમાં આઝાદીની આગ ભડકતી હોય તેવા દેશ દાઝ ધરાવતા યુવાનોજ દાખલ થતા હતા ભગતસિંહને કોલેજનું વાતાવરણ ગમી ગયું.

પરિવારમાં તેમના લગ્નની વાતચીત શરૂ થઇ પરંતુ તેમને તો આઝાદી જંગમાં ઝુકાવવું હતું એટલે તેમણે પિતાજીને એક પત્ર લખી ગૃહત્યાગ કર્યો પત્રમાં તેમણે લખ્યુ મારો પથ અગ્નિમય છે. રાહ નિશ્ચિત છે ધ્યેય નિશ્ચિત છે દેહ અને આત્મા બેઉ ને આઝાદી કાજે અર્પી દીધા છે આપ ખુદ એક ક્રાંતિવીર છો ક્રાંતિ એટલે શું એ આપ જાણો છો છતાંય જો ભુલ થતી હોય તો ક્ષમા માગુ છું. આવો પત્ર પિતાના ઓશીકા નીચે દબાવી ક્રાંતિના અગ્ની પંથે આગળ વધ્યા.

પછી તો ભગતસિંહે રાષ્ટ્રની આઝાદી કાજે દિનરાત એક કરી દીધા તા.૮મી સપ્ટેમ્બર ૧૯ર૮ ના દિને દિલ્હીમાં દેશભરના ક્રાંતિકારીઓની એક ભુગર્ભ બેઠક યોજાઇ બેઠકમાં કેન્દ્રીય સમિતિની રચના કરવામાં આવી આ ક્રાંતીકારી સંગઠનનું નામ હિન્દુસ્તાન સોસશ્યાલીસ્ટ રીપબ્લીકન એસોસીએશન રખાયું જુદા જુદા પ્રાંતના વડાઓ નિયુકત કરવામાં આવ્યા ભગતસિંહ અને વિજયકુમારસિંહાને જુદા જુદા પ્રાંતો વચ્ચે સંપર્ક સાધવા અને માહિતગારીનું કામ સોંપાયું.

સરદાર ભગતસિંહના લાંબાવાળ કાપી નાખવામાં આવ્યા દાઢી, મુછ સફાચટ કરી નખાઇ તેને નવુ નામ અપાયું એ સમયે ભગતસિંહની ઉંમર માત્ર ર૧ વર્ષની હતી ભગતસિંહ હવે પોતાના માર્ગે ઝડપભેર કદમ ઉઠાવી રહ્યો હતો.

૧૯ર૮માં દેશમાં સાયમન કમિશનનો વિરોધ થયો પંજાબ કેસરી લાલા લજપતરાયના નેતૃત્વ હેઠળ વિશાળ રેલી નીકળી તેના પર અંગ્રેજ પોલીસ દળ તુટી પડયું લાઠીઓ વીંઝાઇ લોકો વેરવિખેર થઇ ગયા લાલાજી ઉપર લાઠીચાર્જ થયો એ સાંજે એમણે એક સભાનું આયોજન કર્યું અંગ્રેજોનો વિરોધ કર્યો. પંજાબ કેસરી પર અમાનુષી લાઠીચાર્જ કરવામાં આવ્યો. તેઓ તે સહન કરી શકયા નહી તા.૧૭ નવેમ્બર ૧૯ર૮ ના રોજ તેમનું અવસાન થયું.

ક્રાંતિકારીઓએ લાલાજીનું તર્પણ લોહીથી કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો ચંદ્રશેખર આઝાદે પ્લાન બનાવ્યો ભગતસિહ અને રાજગુરૂ તેમાં સામેલ થયા દેશના ઇતિહાસમાં પોતાના લોહીથી સુવર્ણ પૃષ્ઠ લખવા ત્રણ સપુતો મેદાને પડયા પોલીસ કચેરી સામેજ અંગ્રેજ પોલીસ અફસર સાંડર્સને ગોળીઓથી ઉડાવી દઇ ક્રાંતિકારીઓએ લાહોર પોલીસનું નાક કાપી લીધું વાઇસરોય ચોંકી ઉઠયા પોલીસને છુટો દોર મળી ગયો આડેધડ ધરપકડનો દોર ચાલ્યો પોલીસે ભગતસિંહને ભરડો લેવાના ચક્રો ગતિમાન કર્યા તો બીજી તરફે ભગતસિંહને લાહોર બહાર લઇ જવાની યોજના ઘડાઇ ચુકી હતી. અને ભગતસિંહ લાહોરથી કલકતા પહોંચી ગયા પોલીસ હાથ ઘસતી રહી ગઇ.

પછી તો અંગ્રેજ સરકારની વડી ધારાસભામાં બોમ્બ ફેંકવાનું આયોજન આ ક્રાંતિકારીઓએ કર્યું ભગતસિંહ અને બટુકેશ્વરદતે ધારાસભામાં બોમ્બ ઝીંકયો, પ્રંચડ અવાજ થયો ભાગમભાગ અને ચીંસાચીસ થઇ પડી બંને દેશભકતોએ પત્રીકાઓ કાઢી ચારેય તરફ ઉડાડી પોલીસ ઇન્સ્પેકટર તેઓ બંનેના હાથમાં રીવોલ્વરો જોઇ થોભી ગયા ભગતસિંહે કહ્યું ડરો નહી અમે આત્મસર્પણના નિર્ધાર સાથે અહીં આવ્યા છીએ અમારે કોઇનો જાન નથી લેવી સરકારની આંખ ઉઘાડવી છે પોલીસે બંને ક્રાંતિવીરોને હાથકડી પહેરાવી દીધી.

વડી ધારાસભા બોમ્બકાંડના ઉંડા પ્રત્યાઘાતો કાશ્મીરથી કન્યાકુમારીઅને કલકતાથી કરાંચી સુધી પડયા અને આ કેસ જેલમાંજ ચલાવવામાં આવ્યો તેનો વિરોધ કરાયો અને છેવટે આખોયે કેસ દિલ્હીની સેસન્સ કોર્ટમાં ચલાવાયો સેશન્સ જજે આજીવન કારાવાસની સજા કરી એ પછી સ્પેશ્યલ ટ્રીબ્યુનલ કોર્ટમાં તેમની સામે મુકદમો ચલાવાયો અને તા.૭મી ઓકટોબરે ૧૯૩૦ના દિને ફાંસીની સજા ફરમાવાઇએ સમયે તેમની ઉંમર માત્ર ર૪ વર્ષની હતી.

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના આ તેજસ્વી ક્રાંતિવીર હસ્તેમુખે તા.ર૩ માર્ચ ૧૯૩૧ ની સાંજે ફાંસીના માંચડે લટકી ગયા ત્યારે છેલ્લે છેલ્લે તેમણે કહેલું.

''દિલ સે નીકલેગી ન મરકર ભી વતનકી ઉલફત

મેરી મીટી સે ભી ખુશ્બુ એ વતન આયેગી'' આવા અમર ક્રાંતીવીરોની અનેરી શહિદીને લીધે આપણો દેશ આજે સ્વતંત્ર છે આપણે સૌ આઝાદ ભારતના નાગરીકો છીએ અને આપણી આઝાદીનું જતન કરવાની આપણી સૌની જવાબદારી છે.

(10:09 am IST)
  • આઈપીએલના સ્ટેન્ડ બાય ખેલાડી પ્રશાંત તિવારી પર ગાજીયાબાદમાં જીવલેણ હુમલો access_time 3:18 pm IST

  • અહેમદભાઈ પટેલના પુત્રની સક્રિય રાજકારણમાં એન્ટ્રી : ફૈઝલ પટેલ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે access_time 5:31 pm IST

  • ઉમા ભારતી ચૂંટણી નહિં લડે : કેન્દ્રીય કેબીનેટ મંત્રી ઉમા ભારતીએ અમિત શાહને પત્ર લખી જણાવ્યંુ દોઢ વર્ષ સુધી ચૂંટણી નહિં લડે : પક્ષ આ પ્રસ્તાવનો સ્વીકાર કરે તેવી માંગ તેઓએ ઉઠાવી : સંગઠન માટે કામ કરવા તત્પરતા બતાવી access_time 5:31 pm IST