Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

BJPએ ત્રીજા લીસ્ટમાં ૩૬ નામોનું કર્યું એલાન

સંબીત પાત્રા અને ગીરીશ બાપતના નામ પણ સામેલ : આંધ્રના ૨૩, આસામના ૧, મહારાષ્ટ્ર ૬, ઓડિશાના ૫, મેઘાલયના ૧ ઉમેદવારોના નામ થયા જાહેર

BJPએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી રજૂ કરી દીધી છે. આ યાદીમાં ૩૬ ઉમેદવારોના નામ સામેલ છે. પાર્ટીએ ઓરિસ્સાના પૂરીથી સંબિત પાત્રા અને ગીરીશ બાપતને મેદાનમાં ઉતાર્યા છે. તેના પરથી સ્પષ્ટ થઇ ગયું કે હવે પીએમ મોદી પૂરી સીટ પરથી ચૂંટણી લડશે નહીં. કારણ કે અત્યાર સુધી ચર્ચા હતી કે પીએમ મોદી વારાણસી સિવાય પૂરીથી પણ ચૂંટણી લડી શકે છે તેના પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું.

પાર્ટીની ત્રીજી યાદીમાં આંધ્રપ્રદેશની ૨૩, મહારાષ્ટ્રની ૦૬, ઓરિસ્સાની ૫, મેઘાલયની ૧ અને અસમની ૧ સીટ પર ઉમેદવાર જાહેર કરાયો છે. ભાજપ આની પહેલાં લોકસભા ચૂંટણી માટે બે બીજી યાદી રજૂ કરી ચૂકયું છે. પાર્ટીએ પોતાની પહેલી યાદીમાં ૧૮૪ સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી. તો બીજીબાજુ યાદીમાં માત્ર એક નામ સામેલ હતું.

ભાજપની ૧૮૪ ઉમેદવારોની પહેલી યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું પણ નામ સામેલ હતું. પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે. જયારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ લાલ કૃષ્ણ અડવાણીની જગ્યા એ ગાંધીનગરથી ચૂંટણી લડશે. સ્મૃતિ ઇરાની અમેઠી, રાજનાથ સિંહ લખનઉ, નિતિન ગડકરી નાગપુર, વીકે સિંહ ગાઝિયાબાદથી ચૂંટણી લડશે.

ભાજપની પહેલી યાદીમાં સામેલ બીજા કદાવર નેતાઓની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ભાજપના અધ્યક્ષ રાવસાહબ દાનવ જાલાનથી ચૂંટણી લડશે. કિરણ રિજિજૂ અરૂણાચલ પ્રદેશ પશ્ચિમ અને જિતેન્દ્ર સિંહ ઉધમપુરથી લોકસભા ચૂંટણી લડશે. હેમા માલિની મથુરાથી, સંજીવ કુમાર બાલિયાન મુઝફફરપુરથી સર્વેશ કુમાર મુરાદાબાદથી, ડો.સત્યપાલ સિંહ બાગાપતથી ચૂંટણી લડશે. સંતોષકુમાર ગંગવર બરેલીથી, સાક્ષી મહારાજ ઉન્નાવથી, પૂનમ મહાજન મુંબઇ નોર્થ સેન્ટ્રલથી ચૂંટણી લડશે.

(10:06 am IST)