Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

પાક.નાં ૨ ઓફિસરો સહિત ૧૨ સૈનિકો ઠારઃ ૬ ચોકીઓ તબાહ

છેલ્લા થોડા દિવસે સરહદે કાંકરીચાળા કરતા પાકિસ્તાનને ભારતે આપ્યો જડબાતોડ જવાબઃ પાકિસ્તાનના ૨૩ જવાનો ઘાયલઃ સરહદ પાર સૈનિકોના મૃતદેહો લઈ જવા બે હેલીકોપ્ટરો આવ્યા

જમ્મુ, તા. ૨૩ :. છેલ્લા ઘણાં દિવસોથી નિયંત્રણ રેખા પર કરાઈ રહેલા તોપમારાનો જવાબ આપતા ભારતે શુક્રવારે પાકિસ્તાનને જોરદાર સબક શિખાવ્યો. જમ્મુના અખનુર તાલુકાના કેરી બટ્ટલ સેકટરમાં ભારતની જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની અધિકારીઓ સહિત ૧૨ સૈનિકોના માર્યા ગયાના સમાચાર છે. પાકિસ્તાનની છ ચોકીઓ નષ્ટ થઈ છે અને લગભગ ૨૩ જવાનો ઘાયલ થયા છે.

જાણકારી અનુસાર પાકિસ્તાની સૈનિકોના શબ ઉપાડવા માટે તેના બે એમ આઈ-૧૭ હેલીકોપ્ટરોએ બે ચક્કર પણ માર્યા હતા. જો કે તેની ઓફીશ્યલ પુષ્ટિ થઈ નથી. આ પહેલા ગુરૂવારે હોળીના દિવસે બપોરે ૨.૪૫ વાગ્યે પાકિસ્તાને અખનુરના કેરી બટ્ટલ સેકટરના કલાલ અને દેંગ વિસ્તારમાં તોપમારો કર્યો હતો.

પાકિસ્તાન કેરી બટ્ટલને છેલ્લા ઘણા સમયથી નિશાન બનાવી રહ્યું છે. આ તોપમારા દરમ્યાન ભારતીય ચોકી પાસે મોર્ટાર ફાટતા રાઈફલમેન શહીદ થયો હતો. શહીદ ભારતીય જવાનની ઓળખ ઉદામપુર જીલ્લાના માનતલાઈ ગામના રહેવાસી ૨૪ વર્ષના યશપાલ તરીકે થઈ હતી. યશપાલ ૬ વર્ષ પહેલા ૧૭ માર્ચ ૨૦૧૩માં સૈન્યમાં રાઈફલમેન તરીકે જોડાયા હતા. ૬ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા.

ગુરૂવારે રાત્રે શાંત રહ્યા પછી શુક્રવારે બપોરે પાકિસ્તાને રાજૌરીના નૌશેરામાં તોપમારો કર્યો હતો. ત્યાર પછી પુંચ જીલ્લાના મેંઢરમાં બપોરે પોણા ચાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ગોળા વરસાવ્યા હતા. જેમાં વધુ ત્રણ જવાન ઘાયલ થયા હતા. તેમની ઓળખ પવનકુમાર, રવિન્દ્ર સિંહ અને અરૂણકુમાર તરીકે થઈ હતી.

જમ્મુના ડીફેન્સ પીઆરઓ લેફટેનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે પાકિસ્તાની સેનાએ સુંદરબની, નૌશેરા અને મેંઢરમાં તોપમારો કર્યો છે. ભારતીય જવાનો તેનો જોરદાર જવાબ આપી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે પાકિસ્તાની સેનાએ ૨૦૧૯માં અત્યાર સુધીમાં નિયંત્રણ રેખા પર ૧૧૦થી વધુ વાર શસ્ત્ર વિરામનું ઉલ્લંઘન કર્યુ છે.

(10:05 am IST)