Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

લાલકૃષ્ણ અડવાણીએ નહીં લડવાનો નિર્ણય કર્યો ન હતો : રિપોર્ટ

લાલકૃષ્ણ અડવાણીને ટિકિટ ન મળતા ચર્ચાઓ રહી : ભાજપ વયોવૃદ્ધોને સ્થાન આપશે નહીં તે બાબત પુરવાર

અમદાવાદ, તા. ૨૨ : ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા એવા લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ટિકિટ કાપીને ભાજપના વર્તમાન નેતાઓએ અડવાણીને બાણશૈય્યા પર સૂવડાવી દીધા હોવાની રાજકીય ચર્ચાએ ભારે જોર પકડયું છે, જેને લઇને ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ચર્ચામાં છે. પીએમ મોદીના રાજકીય ગુરુ અને ભાજપના દિગ્ગજ નેતા અડવાણી છ વાર ગાંધીનગર લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. માત્ર એટલું જ નહીં, ગાંધીનગરના સાંસદ બન્યા બાદ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી રહી ચૂકેલા અડવાણીને સાતમી વાર ટિકિટ ન આપી મોદી-શાહે પુરવાર કર્યું છે કે, હવે ભાજપમાં વૃદ્ધોને સ્થાન નથી. કેમ કે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી ન લડવા અંગે અડવાણીએ કોઈ નિર્ણય કર્યો નહોતો. તે જોતા આ વખતે પણ લોકસભા લડવાની અડવાણીની ઈચ્છા હોવા છતાં ભાજપે તેમને ટિકિટ નહી આપી બહુ સિફતતાપૂર્વક પત્તુ કાપી નાંખ્યું હોવાની રાજકીય ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. અડવાણીને ટિકિટ નહીં મળતા હવે તેમની રાજકીય કેરિયર પૂર્ણાહૂતિના આરે પહોંચી ગઈ હોવાની ચર્ચા છેડાઈ ગઈ છે.

(12:00 am IST)