Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

પાકિસ્તાનમાં હિન્દુઓના બળજબરીપૂર્વક ધર્માંતરણ

રાજસ્થાનથી પાકિસ્તાન મોકલાયેલા પાંચસો હિન્દુઓના સિંધમાં ધર્માન્તરણ કરાવાયા

નવી દિલ્હી :પાકિસ્તાનમાં હિન્દુઓના પરાણે ધર્માંતરણ કરાવાઈ રહ્યાં છે રાજસ્થાનથી પાકિસ્તાન મોકલવામાં આવેલા હિંદુઓ ધર્માંતરણ કરીને ઈસ્લામ અંગિકાર કરવા માટે મજબૂર બન્યા છે. સિંધમાં આવા પાંચસો હિંદુઓનું ધર્માંતરણ થશે.રવિવારે પણ સિંધમાં પાંચસો હિંદુઓના બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યા હતા.

 પાકિસ્તાનમાં રાજસ્થાન સરહદને પેલેપાર સિંધમાં હિંદુઓની વસ્તી ઝડપથી ખતમ કરવાની ગતિવિધિઓ ચાલી રહી છે. સિંધમાં હિંદુઓના બળજબરીથી ધર્માંતરણના મામલા સતત સામે આવી રહ્યા છે. રવિવારે પણ પાંચસો હિંદુઓનું બળજબરીથી સિંધમાં ધર્માંતરણ કરવાની ઘટના બની હતી. પાકિસ્તાન છોડીને પોતાના પરિવાર અને આસ્થાને બચાવવા જે લોકો ભારત આવ્યા હતા. તેમને કોઈ કારણોસર પાકિસ્તાન પાછા જવું પડયું હોય તેઓ વિશેષરૂપથી ટાર્ગેટ છે. ગત ત્રણ વર્ષોમાં ભારતમાં શરણ લેવા આવેલા 1379 હિંદુઓને પાકિસ્તાન પાછા ફરવાની લાચારીનો ભોગ બનવું પડ્યું છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 25 માર્ચે મોટા પ્રમાણમાં હિંદુઓના બળજબરીથી ધર્માંતરણ કરીને ઈસ્લામ અંગિકાર કરાવવામાં આવશે. અહીં પાંચસો હિંદુઓના ધર્માંતરણ માટેના પોસ્ટરો પણ વહેંચવામાં આવ્યા છે. આમા પંચમી ઓગસ્ટ-2017ના રોજ ડિપોર્ટ કરવામાં આવેલા 80 વર્ષીય ચંદૂ, તેમની પત્ની ધામી, પુત્ર ભગવાન, પુત્રવધૂ ધરમી અને બાળકો ધીરો, મૂમલ, જયરામ અને કવિતા પણ સામેલ છે. આ પરિવારની કિસ્મત ખરાબ હતી. રાજસ્થાન હાઈકોર્ટે રજાના દિવસે સ્પેશયલ બેન્ચ દ્વારા તેમના ડિપોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. પરંતુ આદેશનો અમલ થાય તેની થોડીક મિનિટો પહેલા જ ટ્રેન પાકિસ્તાનની સીમામાં પ્રવેશી ચુકી હતી. હવે આ પરિવાર પર ઈસ્લામ અંગિકાર કરવા માટે દબાણ ઉભું કરાયું છે.

   સિંધના આવામી અવાજ અખબારના તંત્રી રહેલા અસદ ચાંડિયોએ ધર્માંતરણને હિંદુની લાચારી ગણાવ્યા છે. અસદ ચાંડિયોએ ક્હયુ છે કે તેમને પુછવામાં આવે તો આમના મુસ્લિમ બન્યા બાદ પાકિસ્તાનમાં તેમની પુત્રીઓના અપહરણ થવા અને ગેંગરેપ થવાની ઘટનાથી તેઓ બચી જશે. પાકિસ્તાનમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો મામલે અસદ ચાંડિયો સતત લખતા રહે છે. પરંતુ કટ્ટરવાદોના ત્રાસને કારણે તેમને પાકિસ્તાન છોડીને અમેરિકામાં શરણ લેવું પડયું છે.

(12:33 am IST)