Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

રાજ્યસભા પરિણામ : બંગાળમાં ટીએમસીના ચાર ઉમેદવાર જીત્યા

ઉત્તરપ્રદેશમાં પરિણામને લઇને મોડી રાત સુધી ભારે સસ્પેન્સઃ છત્તીસગઢમાં ભાજપની સરોજ પાંડેનો વિજય : તેલંગાણામાં ટીઆરએસના ત્રણ સભ્યો વિજયી : ૩૩ ઉમેદવારો બિનહરીફ રહ્યા બાદ ૨૫ માટે મતદાન

નવી દિલ્હી,તા. ૨૩: ભારે સસ્પેન્સ અને ઉત્સુકતા વચ્ચે રાજ્યસભાની ચૂંટણીના પરિણામ આજે મોડી સાંજે જાહેર થવાની શરૂઆત થઇ હતી. ઉત્તરપ્રદેશની ચૂંટણીના પરિણામ સૌથી મોડેથી જાહેર કરાયા હતા પરંતુ અન્ય રાજ્યોમાંથી પરિણામ મળવા લાગી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં પાંચ પૈકી ચાર સીટ પર ટીએમસીના ઉમેદવાર જીતી ગયા હતા. કેરળમાં એલડીએફના ઉમેદવાર વિરેન્દ્રકુમારને જીત મળી હતી. વરિષ્ઠ પત્રકાર અને કોંગ્રેસના ઉમેદવાર કુમાર કેતકર મહારાષ્ટ્રથી જીત્યા હતા. છત્તીસગઢમાંથી સરોજ પાંડેએ જીત મેળવી હતી. તેલંગાણામાં ટીઆરએસના ત્રણ સભ્યોએ જીત મેળવી હતી. ઝારખંડમાં ભાજપના એક અને કોંગ્રેસના એક ઉમેદવારે જીત મેળવી હતી. ઉત્તરપ્રદેશના પરિણામ મોડેથી સુધી મળ્યા ન હતા. અગાઉ ભારે ઉત્તેજના વચ્ચે રાજ્યસભામાં ઉત્તરપ્રદેશની ૧૦ સીટ સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં રાજ્યસભાની બેઠકો માટે આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. આની સાથે જ રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ગઇ હતી. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગની શક્યતા પહેલાથી જ પ્રબળ બની ગઇ હતી. ૫૮ રાજ્યસભાની સીટોમાંથી ૧૦ રાજ્યોના ૩૩ ઉમેદવાર પહેલાથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. છ રાજ્યોની બાકી ૨૫ સીટો માટે આજે મતદાન યોજાયું હતું. બિનહરીફ ચુંટાઈ આવેલા સભ્યોમાં ભાજપના ૧૭ અને કોંગ્રેસના પાંચ સભ્યો છે. આ ઉપરાંત બીજેડીના ત્રણ, આરજેડીના બે, ટીડીપીના બે, જેડીયુના બે અને શિવસેના અને વાયએસઆર કોંગ્રેસના એક-એક સભ્યનો સમાવેશ થાય છે.  જે રાજ્યમાં ચૂંટણી યોજાઇ હતી તેમાં આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, હરિયાણા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તરપ્રદેશનો પણ સમાવેશ થાય છે. મતદાન આજે સવારે સવારે ૯ વાગ્યા શરૂ થયા બાદ હવે સાંજ સુધી ચાલ્યું હતું. સાંજે ચાર વાગ્યા સુધી સંબંધિત રાજ્યસભામાં મતદાન ચાલ્યું હતું. ૨૩મી ફેબ્રુઆરીના દિવસે ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી હતી. રાજ્યસભાને સંસદના ઉપલા ગૃહ તરીકે ગણવામાં આવે છે. હાલમાં રાજ્યસભામાં સખ્યા બળ ૨૪૫નું છે જે પૈકી ૨૩૩ ચૂંટાયેલા અને ૧૨ નોમિનેટેડ સભ્યો છે. બંધારણ મુજબ ચેમ્બરમાં કુલ સભ્યો ૨૫૦થી વધારે હોવા જોઇએ નહીં.  વિપક્ષની મુશ્કેલી પણ વધી ગઇ હોવાના હેવાલ મળ્યા છે. ઉત્તરપ્રદેશની ચૂંટણી પર તમામની નજર કેન્દ્રીત હતી પરંતુ સૌથી મોડે પરિણામ ઉત્તર પ્રદેશમાં જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપને પોતાના નવમાં ઉમેદવારને જીતાડી દેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. બહુજન સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અનિલ સિંહ ભાજપ કેમ્પમાં દેખાઇ રહ્યા હતા. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પૂર્ણ તાકાત લગાવી દીધી હતી. અખિલેશે બસપના ઉમેદવાર બીમરાવને જીતાડી દેવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. ભાજપ અને અન્ય રાજકીય પક્ષોની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ હતી. આ ચૂંટણીને લઇને રાજકીય પારો ફરી ઉપર પહોંચી ગયો હતો. રાજ્યસભાની યોજાઇ રહેલી ચૂંટણીમાં સૌથી રોમાંચક ટક્કર ઉત્તરપ્રદેશમાં જોવા મળી રહી હતી  ઉત્તરપ્રદેશમાંથી આ વખતે કુલ ૧૦ ઉમેદવારો રાજ્યસભામાં પહોંચનાર છે.

આમાંથી આઠ સીટ પર ભાજપની અને એક સીટ પર સમાજવાદી પાર્ટીની જીત નક્કી હતી. જો કે ઉત્તરપ્રદેશમાં ૧૦મી સીટને લઇને સૌથી વધારે સસ્પેન્સની સ્થિતી હતી. હકીકતમાં આ સીટ પર ભાજપના ઉમેદવાર અનિલ અગ્રવાલ અને બહુજન સમાજવાદી પાર્ટીના ભીમરાવ આંબેંડકર વચ્ચે સીધી સ્પર્ધા થઇ રહી હતી. રાજ્યસભાની ચૂંટણીને લઇને પહેલાથી જ જોરદાર તૈયારી કરવામાં આવી હતી. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ માટે જોરદાર સ્પર્ધા હતી. સૌથી વધારે સ્પર્ધા ઉત્તરપ્રદેશમાં જોવા મળી રહી હતી. જો કે, પરિણામ પણ સૌથી મોડે જાહેર કરાયા હતા.

ક્યાં કોણ જીત્યા.........

પશ્ચિમ બંગાળ

¨   નદીમઉલહક (ટીએમસી)

¨   સુભાષીશ ચક્રવર્તી (ટીએમસી)

¨   અબીર વિશ્વાસ (ટીએમસી)

¨   શાંતનુ સેન (ટીએમસી)

છત્તીસગઢ

¨   સરોજ પાંડે (ભાજપ)

કેરળ

¨   વિરેન્દ્રકુમાર (એલડીએફ)

તેલંગાણા

¨   બી પ્રકાશ (ટીઆરએસ)

¨   જે સંતોષકુમાર (ટીઆરએસ)

¨   એબી લિંગયા યાદવ (ટીઆરએસ)

ઝારખંડ

¨   સમીર ઉરાવ (ભાજપ)

¨   ધીરજ સાહૂ (કોંગ્રેસ)

(9:48 pm IST)