Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મોદી સરકારની સામે કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે

૨૭મી માર્ચના દિવસે પ્રસ્તાવ રજૂ થઇ શકે : ટીડીપી તેમજ વાયએસઆર બાદથી હવે કોંગ્રેસ લડાયક

નવીદિલ્હી, તા. ૨૩ : આંધ્રપ્રદેશના ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઇને ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ બાદ હવે કોંગ્રેસે પણ નરેન્દ્ર મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી દીધી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા મહાસચિવને આ સંદર્ભમાં પત્ર લખ્યો છે. ખડગેએ નિયમ ૧૯૮બી હેઠળ ૨૭મી માર્ચના દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટેની નોટિસ આપી હતી. પત્રમાં ૨૭મી માર્ચના દિવસે ગૃહની કામકાજની યાદીમાં આ વિષયને સામેલ કરવા અપીલ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવને કોંગ્રેસ પાર્ટી ટેકો આપીચુકી છે. હવે પોતે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારમાં છે. અવિશ્વાસ પ્રસ્તાવ આવવાની સ્થિતિમાં મોદી સરકાર પર હાલ કોઇ સંકટ નથી. લોકસભામાં ભાજપના ૨૭૩ સભ્યો છે. આવી સ્થિતિમાં તે આ પરીક્ષાને સરળતાથી પાર કરી લેશે. અલબત્ત સરકાર માટે થોડીક સમસ્યા સાથી પક્ષોની નારાજગી હોઈ શકે છે. ગઠબંધનના કેટલાક સાથી પક્ષો નારાજ હોવાની માહિતી સપાટી ઉપર આવી ચુકી છે. કોંગ્રેસના ૪૮ ધારાસભ્યો રહ્યા છે. આ રીતે સરકારની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે જરૂરી ૫૦ સાંસદોનો ટેકો તેને સરળતાથી મળી જશે. આની સાથે જ ડાબેરીઓ, આમ આદમી પાર્ટી અને અન્ય વિરોધ પક્ષો પણ સરકારની સામે આવી શકે છે. આ રીતે સરકારની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં કોઇ તકલીફ આવનાર નથી. લોકસભાની કાર્યવાહી આજે ૨૭મી માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સોમવારના દિવસે રામનવમીની રજા છે. જેથી ૨૭મી માર્ચના દિવસે ગૃહની કાર્યવાહી થઇ શકશે.

(7:53 pm IST)