Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ભ્રષ્ટાચાર કેસ : કાર્તિને અંતે હાઈકોર્ટે જામીન આપી દીધા

કાર્તિ ઉપર શ્રેણીબદ્ધ શરતો લાગૂ કરવામાં આવી : કાર્તિ ચિદમ્બરમ દેશ બહાર જઇ શકશે નહીં અને પુરાવા સાથે કોઇ ચેડા નહીં કરી શકે : ખાતા ચાલુ રાખવા પડશે

નવીદિલ્હી, તા. ૨૩ : આઈએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર કેસમાં કાર્તિ ચિદમ્બમરને આજે દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ હતી. હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, કાર્તિ દેશની બહાર જઇ શકશે નહીં. કાર્તિ ઉપર કેટલીક શરતો પણ લાગૂ કરવામાં આવી હતી. કોર્ટે આદેશ આપ્યો છે કે, કાર્તિ સાક્ષીઓને પ્રભાવિત કરવાના કોઇ પ્રયાસ કરી શકશે નહીં. કાર્તિ પોતાના બેંક ખાતાઓને પણ બંધ કરી શકશે નહીં. ૧૬મી માર્ચના દિવસે દિલ્હી હાઈકોર્ટે કાર્તિ ચિદમ્બરમની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સીબીઆઈએ એમ કહીને કાર્તિને જામીન આપવાનો વિરોધ કર્યો હતો કે તે સાક્ષીઓ સાથે ચેડા કરી શકે છે. પુરાવા સાથે પણ ચેડા કરી શકે છે. સીબીઆઈ તરફથી એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતા તરફથી દલીલ કરવામાં આવી હતી કે, કાર્તિ પહેલાથી જ કેટલાક પુરાવા સાથે ચેડા કરી ચુક્યા છે જેથી તેમને જામીન મળવા જોઇએ નહીં. બીજી તરફ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને ગોપાલ સુબ્રમણ્યમ જેવા વરિષ્ઠ વકીલોએ કાર્તિ તરફથી જોરદાર દલીલો કરી હતી અને કહ્યું હતું કે, તેમના અસીલની સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કોઇ મામલો બનતો નથી. કારણ કે, આ મામલામાં કોઇ લોકસેવકની પુછપરછ કરવામાં આવી નથી. કોઇને આરોપી પણ બનાવવામાં આવ્યા નથી. અત્રે નોંધનીય છે કે, સીબીઆઈએ કાર્તિ ચિદમ્બરમની ૨૮મી ફેબ્રુઆરીના દિવસે ચેન્નાઈ વિમાની મથકથી ધરપકડ કરી હતી. ગયા વર્ષે ૧૫મી મેના દિવસે દાખલ કરવામાં આવેલી એક એફઆઈઆરના સંબંધમાં તેમને બ્રિટનથી પરત ફરવાની સાથે જ વિમાની મથકે પકડી લેવામાં આવ્યા હતા. કાર્તિ ઉપર આક્ષેપ છે કે, ૨૦૦૭માં વિદેશમાંથી ૩૦૫ કરોડ મેળવવા માટે તેઓએ આઈએનએક્સ મિડિયાના માલિકોની મદદ કરી હતી. ૨૦૦૭માં કાર્તિના પિતા અને એ વખતના નાણામંત્રી ચિદમ્બરમ તરફથી પણ પરોક્ષ ભૂમિકા ભજવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી ચુક્યો છે. આઈએનએક્સ મિડિયાની માલિક ઇન્દ્રાણી મુખર્જી ૧૭મી ફેબ્રુઆરીના દિવસે આ મામલામાં નિવેદન આપ્યું હતું. તેના આધાર પર જ કાર્તિની ધરપકડ કરવામાં આવી હતી.

કાર્તિની સામે સીબીઆઇ અને ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કાર્તિ હજુ સુધી સીબીઆઈની કસ્ટડીમાં હતા. સીબીઆઈ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, કાર્તિ તપાસમાં બિલકુલ સહકાર કરી રહ્યા નથી. પ્રશ્નોના જવાબ પણ આપી રહ્યા નથી. અધિકારીઓ સાથે વર્તન પણ યોગ્ય રહ્યું નથી. આવી સ્થિતિમાં તેમની વધારે પુછપરછ અને તપાસની જરૂર દેખાઈ રહી હોવાની વાત સીબીઆઈ તરફથી કરવામાં આવી હતી. જો કે, હજુ પણ કાર્તિ ચિદમ્બરમ શરતો હેઠળ દેશમાં જ રહેશે.

(7:52 pm IST)