Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

પંચની ભલામણ બાદ કોવિન્દ બધાને ગેરલાયક ઠેરવ્યા હતા

જાન્યુઆરીથી જ જોરદાર વિવાદ છેડાયો હતો : ૨૦૧૫માં પ્રચંડ જીત બાદ કેજરીવાલે ૨૧ ધારાસભ્યને સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરી દેતા વિવાદ છેડાયો

નવીદિલ્હી, તા. ૨૩ : આમ આદમી પાર્ટીની સરકારને આજે મોટી રાહત મળી હતી. કારણ કે, અગાઉ લાભના પદના મામલામાં એએપીના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આજે આ તમામ ધારાસભ્યોને ફરી યથાવત રાખવામાં આવ્યા છે. તેમને ગેરલાયક જાહેર કરવાની ચૂંટણી પંચની ભલામણોને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ સમગ્ર મામલો ખુબજ ચર્ચાસ્પદ રહ્યો છે.

૧૯મી જાન્યુઆરીના દિવસે ચૂંટણી પંચે સંસદીય સચિવને લાભપ્રદ ગણાવીને રાષ્ટ્રપતિ સમક્ષ એએપીના ૨૦ ધારાસભ્યોની મેમ્બરશીપને રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી. એજ દિવસે એએપીના કેટલાક ધારાસભ્યોએ ચૂંટણી પંચની ભલામણ સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ૨૧મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચૂંટણી પંચની ભલામણોને મંજુર કરીને એએપીના ૨૦ ધારાસભ્યોની મેમ્બરશીપને રદ કરી દીધી છે. મોડેથી એએપીના ધારાસભ્યોએ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પોતાની પ્રથમ અરજીને પરત ખેંચી લીધી હતી અને નવેસરથી અરજી કરવામાં આવી હતી અને તેમને ગેરલાયક ઠેરવવા સામે પડકાર ફેંકવામાં આવ્યો હતો. ૨૦૧૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૭૦માંથી ૬૭ સીટો જીતીને પ્રચંડ બહુમતિથી સરકાર બનાવનાર અરવિંદ કેજરીવાલે ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવ્યા હતા. આમાથી એક ધારાસભ્ય જર્નેલસિંહ પણ હતા. જર્નેલસિંહે મોડેથી પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું હતું. આ સમગ્ર મામલાએ રાજનીતિમાં ભારે ચર્ચા જગાવી હતી. આખરે એએપીની આ મામલામાં જીત થઇ છે.

(7:48 pm IST)