Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ફેસબુકના ડેટા ચોરી મામલે રાજકારણમાં જબરદસ્‍ત ગરમાવોઃ ભાજપે કહ્યું કે વિપક્ષી પાર્ટીના ચૂંટણી અભિયાનમાં તેની છાપ જોવા મળીઃ કોંગ્રેસ અધ્‍યક્ષને ગબ્‍બરસિંહ ટેક્સ શબ્દનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી

નવી દિલ્‍હીઃ ફેસબુકના ડેટા ચોરી મુદ્દે ભાજપ-કોંગ્રેસમાં નિવેદનયુદ્ધ ચાલી રહ્યું છે અને ભાજપના કેન્‍દ્રીય મંત્રીએ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતાં.

કોંગ્રેસના કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપની સાથે કથિત સંબંધને લઈને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પરના પ્રહારોને વધુ આકરા બનાવતા ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે વિપક્ષી પાર્ટીના ગુજરાત વિધાનસભા ચૂંટણી અભિયાનમાં તેની છાપ જોવા મળી હતી અને તેણે કોંગ્રેસ અધ્યક્ષને ગબ્બરસિંહ ટેક્સ શબ્દનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકારોને કહ્યું કે કેમ્બ્રિજ એનાલિટિકા કંપની તેની આક્રમક અને બનાવટી ખબરો માટે જાણીતી છે. પ્રસાદે સંકેત આપ્યા કે રાહુલના સોશિયલ મીડિયા અભિયાન અને ગુજરાતમાં કોંગ્રેસના ઝેરીલા પ્રચારમાં તેની ભૂમિકા હતી.

ઈરાકમાં 39 ભારતીયોના મોતના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી કરવામાં આવેલી સરકારની તીખી આલોચના પર પલટવાર કરતા ભાજપે રાહુલ ગાંધી પર મૃતદેહો પર રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ઈરાકમાં ભારતીયોના મોત મામલે સદનમાં નિવેદન આપવા માંગતા હતાં ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તે સમયે લોકસભાની કાર્યવાહીને ખોરવી નાખી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે ઈરાકમાં 39 ભારતીયોના મોત મુદ્દે મીડિયાનું ધ્યાન ભટકાવવા માટે વિવાદાસ્પદ કંપની સાથે કથિત સંપર્કની કહાની જોડી નાખી. રવિશંકર પ્રસાદે ભારપૂર્વક કહ્યું કે કોંગ્રેસે કેમ્બ્રિજ એનાલિટિકાની સેવાઓ લીધી હતી. તેની ફર્મ પર વિભિન્ન દેશોમાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ગેરકાયદેસર રીતે ફેસબુક જેવા પ્લેટફોર્મથી લોકોની વ્યક્તિગત માહિતી ચોરી કરવાનો આરોપ છે.

(5:11 pm IST)