Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

અન્નાનો નગારે ઘા : ખેડૂતો માટેનું આંદોલન શરૂ

રાજકીય પક્ષોને દૂર રહેવા તાકિદઃ છતાં પણ જો રાજકીય લોકોને જોડાવું હશે તો મંચ ઉપર નહી, ખેડૂતો સાથે નીચે બેસવું પડશે

નવી દિલ્હીઃ ખેડૂતોની અલગ- અલગ માંગણીઓને લઈને અન્ના હઝારે આજથી ઉપવાસ શરૂ કર્યા છે. તેઓ દિલ્હીના રામલીલા મેદાનમાં ઉપવાસ માટે પહોંચી ચુકયા ના હેવાલો મળે છે.

અન્ના હઝારેએ આજે સવારે રાજઘાટ ખાતે માહત્મા ગાંધીની સમાધીએ શ્રધ્ધાસુમન અર્પણ કરેલ. ત્યારબાદ અન્ના રામલીલા મેદાન પહોંચશે. જયાં તેઓ ખેડૂતોની માંગણીને લઈને સરકાર વિરૂધ્ધ ઉપવાસ આંદોલન ઉપર ઉતરવા સજજ બન્યા હતા.

અન્ના ખેડૂત આંદોલનને લઈને ઘણા સમયથી દેશભરમાં ભ્રમણ કરી રહયા હતા. તેઓ ખેડૂતોની માટે ટેકાના ભાવ તથા ફિકસ આવકની તરફેણ કરી રહયા છે. આને લઈને જ તેઓ કેન્દ્ર સરકાર વિરૂધ્ધ આંદોલન કરી રહયા છે. અન્ના સાથે જોડાયેલ લોકોના કહેવા મુજબ દેશભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આ આંદોલનમાં તબકાવાર સામેલ થવા દિલ્હી આવી રહયા છે. આ આંદોલનમાં અન્ના ફકત ખેડૂતો માટે લડાઈ લડશે.

આ આંદોલનમાં રાજકીય લોકોને દુર રાખવામાં આવશે. તેમ અન્નાએ જણાવેલ. જો કોઈ રાજકીય પક્ષ આંદોલનમાં સામેલ થવા ઈચ્છતુ હશે તો તેને પણ લોકો સાથે જ બેસવું પડશે. તેમને મંચ ઉપર સ્થાન નહીં આપવામાં આવે. અન્નાએ વધુમાં જણાવેલ કે આ આંદોલનમાં જોડાનાર દરેક પાસેથી શપથપત્ર લેવામાં આવ્યા છે. જેમાં આ આંદોલનમાં જોડાયેલ વ્યકિત આંદોલન બાદ કોઈ રાજકીય પક્ષમાં નહીં સામેલ થાય. તસ્વીરમાં આજે સવારે રાજઘાટ ખાતે પૂ.બાપુને યાદ કરી અન્ના હઝારેએ પોતાની આ નવી લડતનો પ્રારંભ કર્યો હતો.

ગત વખતના આંદોલનમાંથી સબક લઈને અન્ના હજારેએ આ વખતે સ્પષ્ટ કહ્યું છે કે, રાજકીય દળ તેમના આંદોલનમાં સામેલ નહીં થાય. પરંતુ માનવામાં આવે છે કે, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, શાંતિ ભૂષણ અને કુમાર વિશ્વાસ જેવા અમુક જૂના સહયોગી આંદોલનને સમર્થન આપવા પહોંચશે.

પોલીસે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી છે. દિલ્હી પોલીસની ૬ વધારાની ટીમ બોલાવવામાં આવી છે. ગ્રાઉન્ડની અંદર અને બહાર ૩૨ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

રામલીલા મેદાનના દરેક એન્ટ્રી ગેટ પર ફ્રેમ્ડ મેટલ ડિટેકટર અને હેંડહેલ્ડ મેટલ ડિટેકટર ચેકિંગ લગાવવામાં આવ્યું છે.ખેડુત આંદોલન પહેલા અન્નાએ કેન્દ્ર ઉપર પ્રહારો કરતા જણાવેલ કે, પ્રદર્શનકારીઓને લઈને આવતી ટ્રેનને તમે કેન્સલ કરી.  તમે તે લોકોને હિંસા તરફ ધકેલવા માંગો છો મારા માટે પણ પોલીસ તૈયાર રખાઈ છેઃ મે કેટલાય પત્ર લખ્યા છે અને કહ્યું કે મારે પ્રોટેકશન નથી જોઈતુ. તમારી સુરક્ષા મને બચાવી નહી શકે. સરકારનો ધૂર્ત રવૈયા સાચો નથી.

અન્નાએ કુલ ૭ માંગણીઓને લઈને ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે. જેમાં ખેડૂતોની કૃષિ ઉપજના આધારે દોઢ ગણો વધુ ભાવ મળે. ખેતી પર આધાર રાખતા ૬૦ વર્ષથી વધારેની ઉંમરવાળા ખેડૂતોને પ્રતિમાસ ૫ હજારનું પેન્શન મળે. કૃષિ મૂલ્ય આયોગને સંવેધાનિક દરજ્જો મળે તેમજ સંપૂર્ણ સ્વાયત્તા મળે.  લોકપાલ વિધેયક તરત પસાર કરવામાં આવે અને લોકપાલ કાનૂન તરત લાગુ કરાવામાં આવે. લોકપાલ કાનૂને કમજોર કરવાવાળી ધારા ૪૪ અને ૬૩નું સંશોધન તરત રદ્દ કરવામાં આવે.૬. દરેક રાજયમાં સક્ષમ લોકાયુકતની નિયુકિત કરાઇ. ચૂંટણીમાં સુધાર માટે સાચો નિર્ણય લેવામાં આવે.

(4:27 pm IST)