Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ભાજપ હવે જનતા માટે બોજઃ યશવંત સિન્હા

પાર્ટીના જ વરીષ્ઠ નેતાએ પેટાચૂંટણીની હારના કારણો સાથે કર્યા આકરા પ્રહારોઃ અગાઉ વડાપ્રધાન મોદીની પણ કડક આલોચના કર્યા બાદ હવે કહ્યું એન.ડી.એ.ના સાથી પક્ષો બીજેપીથી પીછો છોડાવાનાં મૂડમાં !!

નવી દિલ્હી, તા. ૨૩ :. ભાજપના જ વરીષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંતસિન્હા એ પેટાચૂંટણીની હાર અને એન.ડી.એ.ના સાથી મિત્રો ભાજપ સાથે સબંધો તોડી રહ્યા છે. તેને લઈને ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યુ છે કે ભાજપ હવે દેશની જનતા માટે બોજ બની ગઈ છે.

 

એનડીટીવી ઉપર ઓનલાઈનમાં લખેલ એક લેખમાં યશવંતસિન્હાએ જણાવ્યુ છે કે, એનડીએ સાથે સાથીપક્ષો શા માટે પીછો છોડાવી રહ્યા છે તેના કારણો શોધવા દૂર જવુ પડે તેમ નથી કેમ કે સાથીપક્ષોએ જનતાનો મૂડ માપી લીધો છે. લોકો હવે ભાજપને બોજ માનવા લાગી છે.

ભાજપ પોતાને યોગ્ય સાબિત કરવાના બદલે લોકોમાં પોતાની છાપ વધીને વધુ બગાડી રહી છે. નિતીશકુમાર એન.ડી.એ.માં જોડાયેલાઓમાં સૌથી નવા છે પરંતુ જહાનાબાદ વિધાનસભા ચૂંટણીમાં લાલુપ્રસાદના આરજેડીના હાથે ભૂંડી હાર મળી છે જે લોકોના મનમાં એન.ડી.એ. માટેની છાપનો સૌથી મોટો દાખલો છે.

શ્રી સિન્હાએ ઉમેર્યુ છે કે ૨૦૧૯માં એન.ડી.એ.ના અમુક સહયોગીઓ ચોક્કસ હશે પરંતુ એન.ડી.એ.ના ગઠબંધનનું સ્વરૂપ અને આહાર અત્યારે છે તેવો નહીં હોય ઉત્તર પ્રદેશ અને બિહારની પેટાચૂંટણીઓ પછી ત્રિપુરાની જીત જીતવા માટેના ભાજપની ધારણાઓમાં પણ મોટો બદલાવ આપ્યો છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ છે કે, ભાજપની નિતીરીતિથી એન.ડી.એ.ના સહયોગી પક્ષો નારાજ છે. જેમાં એવુ લાગે છે કે, ભાજપના વ્યવહારથી માત્ર શિવસેના જ નહીં અન્ય સહયોગી પક્ષો પણ નારાજ છે.

ટીડીપીએ પોતાના ૧૬ સાંસદો સાથે પહેલા કેબીનેટમાંથી પ્રધાનોને હટાવી લીધા અને હવે એનડીએમાંથી અલગ થઈ તેટલું જ નહીં પરંતુ સરકારની વિરૂદ્ધમાં અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવ્યાં.

સિન્હાએ સાથીપક્ષો નારાજ છે તેમા એવુ પણ ઉમેર્યુ છે કે પંજાબમાં અકાલીદલ પણ વારંવાર પોતાની નારાજગી વ્યકત કરી ચુકી છે. એન.ડી.એ.માં રહેલ જીતેન માંઝી પણ હવે યુપીએમાં જોડાઈ ગયા છે. બિહારમાં ત્રણ સાંસદો સાથે ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી પણ હવે આરજેડી સાથે મિત્રતા વધારી રહી છે.

આ ઉપરાંત હવે રામવિલાસ પાશવાન પણ ભાજપને સલાહ સૂચનો અને ઉપદેશ આપવા લાગ્યા છે જેમણે લાલુપ્રસાદને સૌથી રાજકીય વાતાવરણ જાણકાર વૈજ્ઞાનિક તરીકે ઘોષિત કર્યા હતા તો ઓમપ્રકાશ રાજભટને પણ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન ન કરવાની ધમકી આપી છે.

શ્રી યશવંત સિન્હાએ કહ્યું છે કે અન્ય પાર્ટીઓ પણ ભાજપના વ્યવહારથી આકુળવ્યાકુળ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભાજપ ઉપર આકરા પ્રહાર કરનાર પાર્ટીના જ વરીષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સિન્હાએ આ પહેલીવાર ભાજપ આકરા પ્રહાર કર્યા નથી અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પણ કડક આલોચના તેઓ કરી ચૂકયા છે.

અગાઉ નોટબંધીને લઈને પ્રહાર કરનાર સિન્હાએ મોદીજીનું નામ લીધા વિના કહ્યું હતુ કે હાલની સરકારમાં માત્ર એક જ વ્યકિત નિતી બનાવે છે.

નોટબંધી સહિતની બાબતો એ કોઈને વિશ્વાસમાં લેવાયાના હોવાનું કહી તેમણે પ્રધાનમંત્રીની તુલના મોહમ્મદબીન તઘલખ સાથે પણ કરી નાખી હતી.(૨-૪)

(11:44 am IST)