Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

તમામ બિમારીનો અને આઇસીયુ સહિતની શ્રેષ્ઠ સારવારનો સમાવેશ

'આયુષ્યમાન ભારત' માટે પ્રથમ વર્ષે ર૦ હજાર કરોડ વપરાશેઃ પ૦ હજાર કરોડે આંકડો પહોંચશે : ભારત નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશન-આયુષ્યમાન ભારત યોજનાના અમલ સાથે વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના બનશે

નવી દિલ્હી તા. ર૩ :.. વડાપ્રધાન મોદીની ગરીબો માટેની સૌથી મહત્ત્વાકાંક્ષી સામાજિક કલ્યાણ યોજના 'આયુષ્યમાન ભારત' માટે પહેલા વર્ષે રૂ. ર૦,૦૦૦ કરોડની જરૂર પડશે. નિષ્ણાતોના મતે યોજનાના વ્યાપને આધારે આગામી વર્ષોમાં 'આયુષ્યમાન ભારત' માટે જરૂરી રકમનો આંકડો રૂ. પ૦,૦૦૦ કરોડે પહોંચવાનો અંદાજ છે.

એક મોટી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના એકચ્યુઅરીએ જણાવ્યું હતું કે, 'અનુભવના આધારે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમની પરિપકવતાના સ્તર પ્રમાણે પ્રાઇસિંગ નકકી કરાશે. પ્રારંભિક તબકકે પરિવાર દીઠ પ્રીમીયમ લગભગ રૂ. ર,૦૦૦ રહેશે અને લાંબા ગાળે તે વધીને રૂ. પ,૦૦૦ સુધી પહોંચવાનો અંદાજ છે.' આયુષ્યમાન ભારત હેઠળ આઇસીયુ સહિતની ઉચ્ચસ્તરીય સારવારને આવરી લેવાશે. તેમ ઇકોનોમીક ટાઇમ્સ નોંધે છે.

સરકાર આ યોજના હેઠળ તમામ વર્તમાન બીમારીઓને આવરી લેવા માંગે છે અને કોઇ બીમારીને બાકાત રાખવાનો ઇરાદો નથી. એટલે તેનું પ્રીમીયમ ઊંચું રહેવાનો અંદાજ છે. સામાન્ય રીતે વિમા કંપનીઓ કોઇ બીમારી નહીં ધરાવતી વ્યકિત પાસેથી ઓછું પ્રીમીયમ ચાર્જ કરે છે, જયારે ડાયાબીટીસ, બ્લડ પ્રેસર કે હૃદયરોગનું જોખમ ધરાવતા લોકો પાસેથી રોગના આધારે પ્રીમીયમ નકકી કરે છે.

કેબિનેટે બુધવારે આયુષમાન ભારત - નેશનલ  હેલ્થ પ્રોટેકશન મિશનને મંજૂરી આપી હતી. યોજનાનો હેતુ ૧૦ કરોડ પરિવારને આવરી લેવાનો છે. તેનો અમલ થશે તો વિશ્વમાં અમલી બનનારી આ સૌથી મોટી યોજના હશે. સરકારના જણાવ્યા અનુસાર કેન્દ્ર અને રાજય સરકાર પ્રીમીયમનો ખર્ચ ૬૦.૪૦ ના પ્રમાણમાં ભોગવશે. ભાવ નિર્ધારણ ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે તો વપરાશ ઊંચો હોય એવાં રાજયોમાં પ્રીમીયમ વધારે રહેશે. દાયકા જૂની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આરએસબીવાય) નો અનુભવ દરેક રાજય પ્રમાણે અલગ રહ્યો છે. આરએસબીવાય હેઠળ ૩ કરોડ પરિવારની નોંધણી કરવામાં આવી હતી.

(11:21 am IST)