Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

સુષ્મા સ્વરાજ સામે વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવશે કોંગ્રેસ

ઇરાકમાં ભારતીયોના મોત અંગે સંસદને ગેરમાર્ગે દોરવા અંગે

નવી દિલ્હી તા. ૨૩ : ઇરાકના મોસુલ શહેરમાંથી ૨૦૧૪માં ૩૯ ભારતીયોના અપહરણ બાદ થયેલાં તેમનાં મૃત્યુના મુદ્દે ગૃહને ગેરમાર્ગે દોરવા બદલ વિદેશી બાબતોનાં પ્રધાન સુષમા સ્વરાજ સામે રાજયસભામાં વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવવાનો કોંગ્રેસે નિર્ણય કર્યો હતો.

આ મુદ્દે માહિતી અને દસ્તાવેજોનું સંકલન કર્યા પછી સંસદના ઉપલા ગૃહમાં સ્વરાજ સામે આ પગલું ભરવાનો અમે નિર્ણય કર્યો છે, એમ કોંગ્રેસના સંસદસભ્યો અંબિકા સોની, પ્રતાપ બાજવા અને શમશેરસિંહ ડુલ્લોએ જણાવ્યું હતું. આઈએસઆઈએસએ જે ૩૯ ભારતીયોનું અપહરણ કર્યું છે તેઓ જીવિત છે એવો દાવો સુષમાએ જે સ્રોતના આધારે કર્યો હતો એ સ્રેતને જાહેર કરવાનો પડકાર ફેંકયો હતો અને ગૃહને ચાર વર્ષ સુધી ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ સુષમા પર કર્યો હતો. 'હું ગૃહને ગેરમાર્ગે દોરવાનો સુષમા સ્વરાજ પર આક્ષેપ કરું છું. તેમણે એવી બાંયધરી આપી હતી કે આ લોકો જીવિત છે, પણ અમારા સ્રેત સાચા સાબિત થયા છે અને તેમના વિશ્વાસુસ્રોત ખોટા સાબિત થયા છે,' એમ અંબિકા સોનીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 'ભારતના વિદેશી બાબતોના પ્રધાને સંસદને ગેરમાર્ગે દોરી અને ૩૯ ભારતીય નાગરિકોના જીવન સાથે સંવેદનહીન બનીને તેઓ રમ્યા તે બદલ પણ તેમની સામે વિશેષાધિકાર ભંગનું પગલું ચોક્કસ ભરવામાં આવશે.'

(11:18 am IST)