Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

જેમની પાસે હજુ આધાર નથી તેમને આરોગ્ય વીમાનો લાભ આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા દ્વારા જાહેરાત કરાઇ

કેન્દ્રિય પ્રધાનની જાહેરાતથી લોકોને મોટી રાહત રહેશે

નવી દિલ્હી,તા. ૨૨: કેન્દ્રિય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ આજે જાહેરાત કરી હતી કે જેમની પાસે હજુ સુધી આધાર નથી તે લોકોને પણ સરકારની આરોગ્ય વીમા યોજનાનો લાભ મળશે. મોદી સરકારના છેલ્લા બજેટમાં જન આરોગ્યને લઇને ખુબ મોટી જાહેરાત કરવામાં આવી હતી. આયુષ્માન ભારત હેઠળ નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ લાવવામાં આવી છે. આ યોજનાને મોદી સરકારની મોટી અને મહત્વકાંક્ષી યોજના તરીકે ગણવામાં આવે છે. આધારને ફરજિયાત કરવાના લઇને મામલો સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે નડ્ડાની જાહેરાતને ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. બુધવારના દિવસે જ સુપ્રીમ કોર્ટે વિદેશોમાં રહેતા વરિષ્ઠ લોકોની પેન્શન સ્કીમને આધાર સાથે જોડવાને લઇને કેન્દ્ર સરકારની હિલચાલ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સરકારી યોજનાઓના લાભ માટે આધારને ફરજિયાત કરવાના મુદ્દે વિપક્ષી દળો ભારે લાલધુમ દેખાયા હતા. આવા સમયમાં કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનામાં આધારને ફરજિયાતને લઇને વારંવાર પ્રશ્નો થઇ રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે કેન્દ્ર સરકાર વારંવાર આધારને ફરજિયાત કરવાને લઇને વાત કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યુ હતુ કે આધાર માટે લેવામાં આવતા ડેટા બિલકુલ સુરક્ષિત છે. કેન્દ્ર સરકારની એવી પણ દલીલો છે કે યોગ્ય લોકોની પાસે સરકારી યોજનાના લાભ પહોંચે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આધાર માટે બોગસ રેશનિંગ કાર્ડ, પેન્શન કાર્ડ ધરાવતા લોકો પર સંકજો મજબુત કરવામાં આવી રહ્યો છે. નડ્ડાની આજની જાહેરાતને પણ ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. આના કારણે કેટલીક ગુંચવણ દુર પણ થઇ ગઇ છે.

(12:00 am IST)