Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

વિશ્વના 200 શહેરોમાં પાણીની કારમી અછત ;ડે ઝીરો તરફ આગળ વધતા મહાનગરોમાં બેંગ્લુરુનો સમાવેશ

શહેરીકરણને કારણે બેંગ્લુરૃમાં કૂવા વધ્યા પણ કૂવાનું રિચાર્જ લઘુતમ !

બેંગ્લુરુ : સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટ દ્વારા પ્રકાશિત મેગેઝિન ડાઉન ટુ અર્થમાં પ્રકાશિત એક હેવાલમાં કહેવાયું છે કે વિશ્વના ૨૦૦ શહેરો પાણીની અછત સામે ઝઝૂમી રહ્યા છે. આ શહેરોમાં ભારતના બેંગ્લુરૃ શહેરનો પણ સમાવેશ થાય છે બેંગ્લુરૃ એવા દિવસ ભણી ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યારે બેંગ્લુરૃની ભૂમિ સૂકીભઠ્ઠ થઈ જશે.

 ગુરુવારે વિશ્વ આખાએ વિશ્વ જળ દિવસની ઉજવણી કરી, તેની પાછળનો ઉદ્દેશ જળ સંરક્ષણના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. બ્રાઝિલે વર્ષ ૧૯૯૨માં પર્યાવરણ અને વિકાસના સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં વિશ્વ જળ દિવસ ઊજવવાની પહેલ કરી હતી. જો કે તેનો મૂળ હેતુ તો પાણીની જાળવણીનો જ રહ્યો છે. છતાં માનવ એ અંગે બેદરકાર રહ્યો છે અને તેથી જ પાણીની અછત વિશ્વ આખામાં મોં ફાડીને ઊભી છે. એમ પણ ત્રીજું વિશ્વ યુદ્ધ પાણીના મામલે જ થશે, એવી આગાહી તો વર્ષો પહેલાં જ થઈ ચૂકી છે.

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટે તેના હેવાલમાં જણાવ્યું છે કે બેંગ્લુરૃની સ્થિતિ કેપટાઉન શહેર જેવી જ થઈ રહી છે. કેપ ટાઉન આફ્રિકાનું સૌૈથી ધનિક શહેર છે, જે પાણીની કારમી કટોકટી ભોગવી રહ્યું છે. એમ મનાય છે કે આ વર્ષે આગામી બે ત્રણ મહિનામાં જ કેપ ટાઉન શહેર પાણી વિના સૂકંુ થઈ જશે. જ્યારે મોટા ભાગના શહેરોમાં પાણી આપવાનું લગભગ બંધ જ કરી દેવાયું છે, ત્યારે કેપ ટાઉન શહેરે જ ડે ઝીરોનો આઇડિયા આપ્યો છે.

  વિશ્લેષકો માને છે કે શહેરમાં કૂવા છેલ્લા ૩૦ વર્ષમાં ૫,૦૦૦થી વધીને ૪૫ હજાર જેટલા થયા છે. જો કે અનિયોજિત શહેરીકરણને કારણે ભૂમિગત જળનું રિચાર્જ લઘુતમ છે. શહેરમાં ગંદા પાણીની ટ્રીટમેન્ટની ક્ષમતામાંથી જ અડધી જ ક્ષમતાનો ઉપયોગ થાય છે.

ડે ઝીરો તરફ આગળ વધતા ૧૦ મહાનગરો

કાબુલ ( અફઘાનિસ્તાન ) : કરાચી ( પાકિસ્તાન ) : ઇસ્તંબૂલ ( તુર્કી ) : મેક્સિકો સિટી ( મેક્સિકો ) : બ્યૂનસ એર્સ ( આર્જેન્ટિના ) : કેપ ટાઉન ( દક્ષિણ આફ્રિકા ) : સાના ( યમન ) : નૌરોબી ( કેન્યા ) : બેંગ્લુરૂ ( ભારત) : બેઇજિંગ ( ચીન )

(1:13 am IST)