Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

એસ્સાર સ્ટીલની ઓક્શન પ્રક્રિયા વધુ જટિલ બનવાના સંકેતઃ ન્‍યૂમેટલ દ્વારા NCLTની અમદાવાદ બેન્ચમાં કેસ દાખલ કરાયો

કોલકાતાઃ એસ્સાર સ્ટીલની ઓક્શન પ્રક્રિયા વધુ જટિલ બનવાનો સંકેત છે. બિડિંગમાં સામેલ રશિયાની ન્યૂમેટલે એસ્સાર સ્ટીલના બિડિંગની પાત્રતા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની અમદાવાદ બેન્ચમાં કેસ દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, એસ્સાર સ્ટીલ માટે માત્ર બે કંપની ન્યૂમેટલ અને આર્સેલરમિત્તલે બિડ કરી હતી, પણ બંને કંપનીના પ્રમોટર્સ ડિફોલ્ટર કંપનીઓ સાથે જોડાયેલા હોવાથી ઈનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોફેશનલને બંને બિડ ફગાવી દેવાની સલાહ આપવામાં આવી હતી.

કંપનીએ જણાવ્યું હતું કે, ન્યૂમેટલ દ્વારા 20 માર્ચે NCLT, અમદાવાદ સમક્ષ અરજી કરવામાં આવી હતી. જેમાં ન્યૂમેટલ એસ્સાર સ્ટીલ ઇન્ડિયા માટે રિઝોલ્યુશન પ્લાન સુપરત કરવા લાયક હોવાનું જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી.NCLT જણાવ્યું હતું કે, “કમિટી ઓફ ક્રેડિટર્સની મિટિંગનો ચુકાદો NCLTના આખરી ચુકાદાને આધીન રહેશે.

અન્ય એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં એસ્સાર સ્ટીલ માટે પુન: બિડિંગ થશે તો JSW સ્ટીલે પ્રક્રિયામાં ભાગ લેવા ઉત્સુકતા દર્શાવી છે. જોકે, કંપનીના પગલાનો આધાર મહત્ત્વના નિર્ણય પર રહેશે અને નિર્ણય કંપનીના રિઝોલ્યુશન પ્રોફેશનલ અને કમિટી ઓફ ક્રેડિટર્સ દ્વારા ચાલુ સપ્તાહે લેવાશે. સમિતિ એસ્સાર માટે નવા બિડર્સને મંજૂરી આપવી કે રિબિડિંગ પ્રક્રિયા માત્ર વર્તમાન દાવેદારો પૂરતી મર્યાદિત રાખવી તેનો નિર્ણય લેશે.

સ્ટ્રેસ્ડ સ્ટીલ એસેટ્સના વર્તમાન રાઉન્ડની હરાજીમાં એસ્સાર માટેની બિડ સૌથી ઊંચી હશે, જે ₹45,000-50,000 કરોડની રેન્જમાં રહેવાનો અંદાજ છે. JSW સ્ટીલે થોડા દિવસ પહેલાં એસ્સાર સ્ટીલ માટે રિઝોલ્યુશન પ્રોફેશનલ સતીશ ગુપ્તાને પત્ર લખ્યો હોવાનું મનાય છે. જેમાં કંપનીએ એસ્સાર સ્ટીલ માટે બિડ કરવામાં રસ દર્શાવ્યો છે.

એસ્સાર સ્ટીલ માટેની બે બિડ ગેરલાયક જાહેર થવાના અહેવાલો પછી JSW એસ્સાર સ્ટીલના બિડિંગમાં રસ દર્શાવ્યો છે. JSW ગ્રૂપના ટોચના સૂત્રએ એસ્સારના બિડિંગમાં રસ હોવાની વાતને કબૂલી હતી, પણ વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, સૂત્રના જણાવ્યા અનુસાર કંપની એસ્સાર સ્ટીલના બિડિંગમાં જોડાવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. સૂત્રએ કહ્યું હતું કે, અમે બિડિંગ માટે કોન્સોર્ટિયમમાં જોડાવા સહિતની વિવિધ શક્યતા ચકાસી રહ્યા છીએ.

(5:23 pm IST)