Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ભારતીય કોર્પોરેટ જગતે ચાલુ નાણાકીય વર્ષમાં રેકોર્ડ બ્રેક રૂ.પ૨,૩પ૦ રોડના શેર બાય બેક કર્યા

મુંબઇઃ ભારતીય કોર્પોરેટ જગતે ચાલુ નાણાકીય વર્ષમાં રેકોર્ડ રૂ. 52,350 કરોડના શેર બાય બેક કર્યા છે. રોકાણના વિકલ્પોનો અભાવ અને ઊંચા ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સને કારણે પ્રમોટર્સે આશ્ચર્યજનક રીતે ટોચના ભાવ નજીક શેર બાયબેક કર્યા છે. ચાલુ વર્ષે કુલ 56 કંપનીએ બાયબેક પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. જેની રકમ અગાઉના નાણાકીય વર્ષની તુલનામાં 54 ટકા વધુ છે અને બાયબેકમાં 49 કંપનીએ રૂ. 34,000 કરોડના શેર ખરીદ્યા છે.

IIFLના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ સંજીવ ભસિને જણાવ્યું હતું કે, ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ, વધારાનો ડિવિડન્ડ ટેક્સ અને વિસ્તરણ યોજનાના અભાવે મેનેજમેન્ટને સરપ્લસ રોકડનો ઉપયોગ કરવા શેર બાયબેક કરવાની ફરજ પડી હતી. જેથી કંપનીની બુક વેલ્યૂમાં સુધારો કરી શકાય. ઉલ્લેખનીય છે કે, સરકારે 1 એપ્રિલ 2016થી વધારાનો ડિવિડન્ડ ટેક્સ દાખલ કર્યો છે. જેમાં રૂ.10 લાખથી વધુની ડિવિડન્ડ આવક પર રોકાણકારે 10 ટકા ટેક્સ ચૂકવવો પડે છે. ટેક્સ કંપની દ્વારા ચૂકવાતા ડિવિડન્ડ ડિસ્ટ્રબ્યુશન ટેક્સ (DDT) ઉપરાંતનો છે.

કંપનીઓ બાયબેકનો ઉપયોગ શેરના ભાવને ટેકો આપવા અથવા ફાઇનાન્શિયલ રેશિયોને સધ્ધર બનાવવા કરે છે. જોકે, 58 કંપનીએ એવા સમયે બાયબેક ઓફર લોન્ચ કરી હતી જ્યારે સેન્સેક્સ ચાલુ નાણાકીય વર્ષમાં 15 ટકાથી વધુ વધ્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષથી કંપનીઓએ ધીમી માંગના કારણે વિસ્તરણ, મૂડીખર્ચમાં ઘટાડો કર્યો છે.

CMIEના ડેટા પ્રમાણે કેલેન્ડર વર્ષ 2017માં નવા રોકાણ પ્રસ્તાવ ₹7.9 ટ્રિલિયન હતા, જે 2016ના રૂ.14.5 ટ્રિલિયન અને 2015ના રૂ.15.3 ટ્રિલિયનની તુલનામાં ઘણા ઓછા છે. 2014માં આંકડો રૂ.16.2 ટ્રિલિયને પહોંચ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ 12 સરકારી કંપનીએ વિસ્તરણને બદલે ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ પૂરો કરવા બાયબેક ઓફર લોન્ચ કરી હતી.

CMIEના મહેશ વ્યાસે જણાવ્યું હતું કે, 2012 પછી મૂડીખર્ચમાં સરકારનો હિસ્સો વધ્યો છે, પણ તેના લીધે ખાનગી રોકાણનો ઘટાડો સરભર થયો નથી. એટલે આજે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર રોકાણ દાયકાની નીચી સપાટીએ પહોંચ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના જણાવ્યા અનુસાર સરકારે ઓઇલ ઇન્ડિયા, એન્જિનિયર્સ ઇન્ડિયા, HAL અને SJVN સહિતની કંપનીઓની બાયબેક ઓફર્સ દ્વારા લગભગ રૂ.5,000 કરોડ એકત્ર કર્યા છે.

(5:22 pm IST)