Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

પામેલા ગોસ્વામી ડ્રગ્સ કેસમાં ભાજપના નેતા રાકેશ સિંહની ધરપકડ : બે પુત્રોની અટકાયત

બંગાળ પોલીસે ભાજપની કાર્યકર્તા પામેલાના દાવા પછી ધરપકડ કરી

 

કોલકતા : પામેલા ગોસ્વામી ડ્રગ્સ કેસમાં ભાજપના નેતા રાકેશ સિંહની બંગાળ પોલીસે બર્ડવાનના ગલસીથી ધરપકડ કરી લીધી છે. રાકેશ સિંહની સાથે પોલીસે તેના બે પુત્રોની અટકાયત પણ કરી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, રાકેશ સિંહના પુત્ર સાહેબે દક્ષિણ-પશ્ચિમ કોલકાતાના વાટગૂંગે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત પોતાના ઘરે પ્રવેશ કરવા માટે પોલીસકર્મીઓ પાસેથી કાનૂની દસ્તાવેજોની માંગણી કરી હતી

મંગળવારે દિવસભર પોલીસ રાકેશ સિંહની પાછળ પડી હતી. તે પહેલા તેના નિવાસ સ્થાને ગઈ હતી, પરંતુ રાકેશ સિંહના પુત્રે પોલીસને ઘરમાં પ્રવેશતા અટકાવી હતી, જે અંગે પોલીસ અધિકારીઓ અને ભાજપ નેતાના પરિવાર વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. મહત્વનું છે કે ભાજપ નેતા રાકેશ સિંહનું નામ પશ્ચિમ બંગાળ ભાજપના યુવા એકમની કાર્યકર પામેલા ગોસ્વામીએ તપાસ દરમિયાન લીધું હતું.

ફરિયાદના આધારે એક પોલીસ ટીમ ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય રાકેશ સિંહના ઘરે પહોંચી હતી. રાકેશ સિંહ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયનો નજીકનો સાથી માનવામાં આવે છે. આ મામલે રાકેશ સિંહને મંગળવારે કોલકાતા પોલીસ હેડક્વાર્ટર લાલબાજારમાં હાજર રહેવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે કહ્યું હતું કે તે કોઈ કામ માટે દિલ્હી જઈ રહ્યો છે અને 26 ફેબ્રુઆરીએ શહેર પરત ફર્યા બાદ પોલીસ સમક્ષ હાજર થશે

ભારતીય જનતા યુવા મોરચાની પ્રદેશ સચિવ પામેલા ગોસ્વામી અને તેના મિત્ર પ્રબીરકુમાર ડેને પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. ગોસ્વામીની થેલી અને કારમાં કથિત રૂપે 90 ગ્રામ કોકેઇનની રિકવરી બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સંબંધમાં પોલીસે ગોસ્વામીના સુરક્ષા જવાનોની ધરપકડ પણ કરી હતી.

ભાજપ કાર્યકર પામેલા ગોસ્વામીએ માદક દ્રવ્યોના કેસમાં રાકેશ સિંહનું નામ લીધું હતું અને તેના પર કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. જો કે તેણે આ આરોપોને નકારી કાઢ્યા હતા. પામેલાને કોર્ટમાં લઈ જતી વખતે તેણે કહ્યું હતું કે "હું સીઆઈડી તપાસની માંગણી કરું છું. આ મારી વિરુદ્ધ કાવતરું છે.

(12:50 am IST)