Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરની અંતિમ યાત્રા: પાર્થિવ દેહના દર્શનાર્થે હજારો લોકો ઉમટ્યા

અંતિમ દર્શન માટે ભાજપ સહિત પ્રદેશની તમામ રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉમટ્યા

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના નિધન બાદ પ્રદેશમાં શોકનો માહોલ છે. રાત્રે તેમના મૃતદેહને સેલવાસ લાવવામાં આવ્યો હતો. અને આજે સવારથી સેલવાસના આદિવાસી ભવન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લાવવામાં હતો. ત્યારે મોહન ડેલકરના અંતિમ દર્શન માટે ભાજપ સહિત પ્રદેશની તમામ રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉમટયા હતા

સંઘ પ્રદેશ દમણ અને દીવના સાંસદ લાલુ પટેલ, અને દાદરાનગર હવેલીના ભાજપના આગેવાનો પૂર્વ સાંસદ નટુભાઇ પટેલે પણ પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

તેમના પરિવારજનોને સાંત્વના પણ આપી હતી. મહત્વપૂર્ણ છે કે, સતત 7 ટર્મ સુધી મોહન ડેલકર પ્રદેશના રાજકારણમાં સૌથી મોટું નામ હતું. અને અત્યાર સુધી મોહન ડેલકર અપક્ષ, નવ પાર્ટી, કોંગ્રેસ અને ભાજપમાંથી પણ ચૂંટણી લડી અને જીત્યા હતા.

સાત ટર્મ સુધી દાદરા નગરહવેલીનું પ્રતિનિધિત્વ લોકસભામાં કર્યું હતું. ત્યારે જો કે, આજે અંતિમ દર્શન વખતે રાજકીય અગ્રણીઓએ પણ મોહન ડેલકરને પ્રદેશના કદાવર નેતા ગણાવ્યા હતા. તેમના નિધનથી પ્રદેશના રાજકારણમાં એક પ્રકારનો શૂન્યાવકાશ સર્જાયો હોવાનું પણ ભાજપ અગ્રણીઓએ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના ભાજપના પ્રદેશ અગ્રણી ફતેસિંહ ચૌહાણે મોહન ડેલકરના રાજકીય સફર વિશે પણ વાત કરી હતી. અને મોહન ડેલકર પ્રદેશના રાજકારણમાં સૌથી મોટું નામ હોવાનું માન્યું હતું.

   દમણ-દીવનાં સાંસદ લાલુભાઇ પટેલે પમ મોહન ડેલકર ના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. અને પોતાના એક સારા મિત્ર ગુમાવ્યો હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. જોકે વધુમાં મીડિયા સામે પ્રતિક્રિયા આપતા લાલુભાઇ પટેલે મોહન ડેલકરના નિધનથી પ્રદેશના આદિવાસી સમાજ એ છત ગુમાવી દીધી હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમના મોતને લઈને અનેક રહસ્યો ઘેરાયા છે. ત્યારે લાલુભાઇ પટેલે પણ મોહન ડેલકરના શંકાસ્પદ મોતને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું છે કે, સરકાર તપાસ કરશે. અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

(12:31 am IST)