Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

અમેરિકી દૂતાવાસની સ્પષ્ટતા: સ્કૂલમાં મેલાનિયાની સાથે કેજરીવાલ-સિસોદીયાના જવાથી અમને કોઈ વાંધો નહોતો

અમે એ વાતે ખુશ છીએ કે તેમણે આને રાજકીય મુલાકાતથી અલગ માન્યું

મેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પ દિલ્હી સરકારી સ્કૂલોનો પ્રવાસ કરશે. જો કે આ પ્રવાસ દરમિયાન દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા તેમની સાથે નહીં હોય. દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસ પ્રવક્તાએ અરવિંદ કેજરીવાલની પ્રશંસા કરતા કહ્યું છે કે, 'જો કે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સાથે હોવાથી અમને કોઈ વાંધો નહોતો, પરંતુ અમે એ વાતે ખુશ છીએ કે તેમણે આને રાજકીય મુલાકાતથી અલગ માન્યું. તેમના આ નિર્ણયથી અમને શિક્ષણ, સ્કૂલ અને વિદ્યાર્થીઓ પર વધારે ફોકસ કરવામાં મદદ મળશે.'

 દિલ્હીનાં શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ અમેરિકી ફર્સ્ટ લેડીનાં પ્રવાસનું સ્વાગત કરતા કહ્યું કે, 'આ આપણા તમામ માટે એક ગર્વનો વિષય છે કે અમારા કામને આટલી પ્રશંસા મળી રહી છે. દિલ્હી સરકાર, સ્કૂલનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આ ગૌરવની વાત છે કે તેઓ સરકારી સ્કૂલનો પ્રવાસ કરશે. આ અમારા માટે ગર્વનો વિષય છે કે શિક્ષણનાં ક્ષેત્રમાં આમ આદમી પાર્ટીની સરકારે જે કામ કર્યું, ખાસ કરીને હેપ્પીનેસ ક્લાસેજની ખ્યાતિ દુનિયાભરમાં ફેલાઈ રહી છે.'

 તેમણે વધુમાં કહ્યું કે, 'મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મને ઘણી ખુશી થાત જો સરકારી સ્કૂલમાં અમે ખુદ તેમને રીસીવ કરતા અને હેપ્પીનેસ ક્લાસનો કોન્સેપ્ટ તેમજ સકારાત્મક પરિણામ વિશે જણાવતા. અમેરિકી દૂતાવાસે અમારી સમક્ષ પોતાની કેટલીક ચિંતાઓ રાખી છે જેના કારણે અમે હાજર નહીં રહી શકીએ. અમે તેમની ચિંતાનું સન્માન કરીએ છીએ. દિલ્હી સરકાર અમેરિકી ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પનું દિલથી સ્વાગત કરે છે. અમે તેમના સ્કૂલ પ્રવાસને સુવિધાજનક બનાવવાનો પ્રયત્ન કરીશું.'

(11:36 pm IST)