Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

એફએન્ડઓ પૂર્ણાહૂતિ વચ્ચે હાલ શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેશે

ટ્રમ્પની ભારત યાત્રા, જીડીપીના ડેટા પર તમામની નજર કેન્દ્રિત : ગુરુવારના દિવસે ફેબ્રુઆરી ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટસ માટેની પૂર્ણાહૂતિ થવાથી બજારમાં ઉથલપાથલ રહેશે : જીડીપીના આંકડા શુક્રવારે જારી કરાશે

મુંબઈ, તા.૨૩  : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જીડીપીના આંકડા, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈપ્રોફાઇલ ભારત યાત્રા, એફએન્ડઓ એક્સપાયરી સહિત છથી વધુ પરિબળો શેરબજારની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરી શકે છે. ભારતના ડિસેમ્બરના ત્રિમાસિક જીડીપીના આંકડા શુક્રવારે જારી કરવામાં આવી શકે છે. ટ્રમ્પની ભારત યાત્રા દરમિયાન પણ કેટલીક મહત્વની સમજૂતી થવાની સંભાવના દેખાઈ રહી છે. આ ઉપરાંત કોરોના વાયરસ કટોકટીને લઇને પણ જુદા જુદા ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં ટુંકાયેલા સપ્તાહ દરમિયાન સેંસેક્સ ૮૫૭ પોઇન્ટ ઘટીને ૪૧૧૭૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૩૩ પોઇન્ટ ઘટીને ૧૨૦૮૦ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો થયો હતો. બજાર શુક્રવારના દિવસે મહાશિવરાત્રિના પ્રસંગે બંધ રહેતા કોઇ કારોબાર રહ્યો ન હતો. સૌથી મોટા પરિબળ તરીકે આ સપ્તાહમાં એફએન્ડઓ એક્સપાયરી રહેનાર છે. ફેબ્રુઆરી સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ ગુરુવારના દિવસે થશે. ઓપ્શન ડેટા જારી કરવામાં આવનાર છે જે દર્શાવે છે કે, કેટલાક ફેરફારની સ્થિતિ રહેશે. બીજી બાજુ શેરબજારમાં હાલ ઉથલપાથલ રહી શકે છે. ટ્રમ્પની યાત્રાને લઇને તમામ તૈયારીઓ ચાલી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ટ્રમ્પની બે દિવસની ભારત યાત્રા આવતીકાલથી શરૂ થઇ રહી છે. જાણકાર લોકો એમ પણ માની રહ્યા છે કે, નવા આંકડા જારી કરવામાં આવ્યા બાદ જ સ્થિતિમાં સુધારો થશે.

                સ્થાનિક સંસ્થાઓ દ્વારા લેવાલીની બાબત પણ મહત્વપૂર્ણ રહેશે. ચીનમાં સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જેના લીધે વધુને વધુ ફેક્ટરીઓ તેમની કામગીરી શરૂ કરી ચુકી છે. ભારતીય મૂડી માર્કેટમાં વિદેશી કારોબારીઓનો આત્મવિશ્વાસ અકબંધ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારોએ ૨૩૧૦૨ કરોડ રૂપિયાની જંગી રકમ ઠાલવી દીધી છે. બજેટ અને આરબીઆઈના નિર્ણયને લઇને મૂડીરોકાણકારો આશાસ્પદ દેખાયા છે. આરબીઆઈએ હાલમાં જ તેના નવા પોલિસી નિર્ણયમાં વ્યાજદરોમાં કોઇ ફેરફાર કર્યા નથી. ડિપોઝિટરી ડેટા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ ત્રીજીથી ૨૦મી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૧૦૭૫૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૧૨૩૫૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૨૩૧૦૨ કરોડ રૂપિયા રહ્યો છે. શેરબજારની દિશા નક્કી કરવામાં વિવિધ પરિબળોની ભૂમિકા રહેનાર છે. જીડીપીના આંકડા શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટા અને જીડીપીના આંકડા ઉપર બજાર સાથે જોડાયેલા તમામ લોકોની નજર રહેશે. ટ્રમ્પની યાત્રા દરમિયાન કેવી સમજૂતિ થાય છે તેના ઉપર પણ કોર્પોરેટ જગતની નજર રહેશે.

(8:07 pm IST)