Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ડોનાલ્ડ ટ્રમ્પ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લેવા તૈયાર

છેલ્લા કેટલાક દિવસથી ચાલતા સસ્પેન્સનો અંત : ગાંધી આશ્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતા ગાંધીજી અને આશ્રમની ઐતિહાસિક વાતો ટ્રમ્પને જણાવશે : ઉત્સુકતાનું વાતાવરણ

અમદાવાદ,તા.૨૩ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શહેરના સાબરમતી ગાંધીઆશ્રમની મુલાકાતને લઇ છેલ્લા કેટલાક દિવસોથી અસમંજસતાભરી અને દ્વિધાભરી પરિસ્થિતિ ખુદ તંત્ર, પોલીસ અને શહેરીજનોમાં પ્રવર્તી રહી હતી ત્યારે આજે આશ્રમ સત્તાધીશો દ્વારા આ સમગ્ર મામલે સત્તાવાર પુષ્ટિ કરાઇ હતી અને સ્પષ્ટ કરાયું હતું કે, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આવતીકાલે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લેશે. આશ્રમની મુલાકાત દરમ્યાન ટ્રમ્પ ગાંધીજીનો ચરખો પણ કાંતે તેવી શકયતા છે. તો, વડાપ્રધાન મોદી પણ ડોનાલ્ડ ટ્રમ્પને સાબરમતી ગાંધી આશ્રમની અને રાષ્ટ્રપિતા ગાંધીજીની ઐતિહાસિક વાતો અને તેના મહાત્મ્યતાની વાતોથી સારીપેઠે વાકેફ કરશે. તો, આવતીકાલે ગાંધી આશ્રમની મુલાકાત દરમ્યાન આશ્રમ સત્તાવાળાઓ તરફથી બંને મહાનુભાવોનું સ્વાગત થશે. તેઓ આશ્રમમાં ગાંધીજીના સ્મારક હૃદયકુંજની મુલાકાત લેશે. આ પ્રસંગે આશ્રમ તરફથી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને ચરખો અને પુસ્તક પણ એનાયત કરવામાં આવશે. આજે ગાંધીઆશ્રમના ટ્રસ્ટી અમૃત મોદીએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની આવતીકાલે ગાંધીઆશ્રમમાં મુલાકાતને લઇ પુષ્ટિ કરી હતી. તેમના મતે, આ બંને મહાનુભાવો આવતીકાલે બપોરે ૧૨-૩૦ વાગ્યાની આસપાસ આશ્રમની મુલાકાત લેશે અને આશ્રમમાં પંદરથી વીસ મિનિટ સુધી રોકાણ કરી તેને યાદગાર બનાવશે. બંને મહાનુભાવોની આવતીકાલે ગાંધીઆશ્રમની મુલાકાતને લઇ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પણ જણાવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી આવતીકાલે ગાંધીઆશ્રમમાં મુલાકાત લેવાના હોઇ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાને લઇ લોખંડી અને ફુલપ્રુફ વ્યવસ્થા કરવામાં આવી છે. સાત જેટલા આઇપીએસ અધિકારીઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આશ્રમની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપાઇ છે અને તેને લઇને જ આશ્રમમાં લોખંડી સુરક્ષા કવચ ખડકી દેવાયું છે.  દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પણ આજે ટવીટ્ કરીને સ્પષ્ટ કર્યું હતું કે, મોદી અને ટ્રમ્પનો રોડ શો ૨૨ કિ.મીનો જ રહેશે. અગાઉ ગાંધીઆશ્રમની મુલાકાત

           આ બંને મહાનુભાવો લેવાના નથી તેવી અટકળોને લઇને રોડ શોનું અંતર અને રૂટ ટૂંકાવાયો હોવાની વાતો વહેતી થઇ હતી પરંતુ મ્યુનિસિપલ કમિશનર નહેરાએ ટવીટ કરી સ્પષ્ટતા કરી દીધી હતી. ગાંધી આશ્રમમાં રિવરફ્રન્ટના કિનારે નદીનો મનોરમ્ય નજારો માણવામાટે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને મોદીના બેસવા માટે આરામદાયક ખુરશીઓ સાથેની વિશેષ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

(8:02 pm IST)