Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાતી ઢોકળા-ખમણ પીરસાશે

ગાંધી આશ્રમમાં ટ્રમ્પ દંપત્તિ માટે ખાસ મેનુ : ડોનાલ્ડ ટ્રમ્પને પંજાબી સમોસા અને ઓરેન્જ જયુસ પણ પીરસાશે

અમદાવાદ,તા. ૨૩ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પ, તેમના પત્ની મલેનિયા સાથે આવતીકાલે બપોરે જયારે ગાંધીઆશ્રમની મુલાકાત લેવાના છે ત્યારે તે દરમ્યાન તેમને ગુજરાતી ખાદ્યસંસ્કૃતિની ઓળખ સમા સ્વાદિષ્ટ ઢોકળા-ખમણનો નાસ્તો પીરસવામાં આવશે. ટ્રમ્પ અને તેમના પત્ની મલેનિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીઆશ્રમના ઐતિહાસિક વારસા અને સંસ્કૃતિનો પરિચય કરાવશે તે દરમ્યાન તેઓને હળવો નાસ્તો પીરસવાની પણ તૈયારી કરી રખાઇ છે. આ મહાનુભાવો માટે હાઇ ટી, ગ્રીન ટી, ફ્રાય એપલ સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે. આવતીકાલની ગાંધી આશ્રમની મુલાકાત દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મલેનિયાને ગુજરાતી શુધ્ધ અને સ્વાદિષ્ટ ઢોકળા, ખમણ, ચટણીની સાથે સાથે પંજાબી સમોસા અને ઓરેન્જ જયુસ પણ પીરસવામાં આવશે. તો ગરમીના વાતાવરણને ધ્યાનમાં રાખીને તેઓને ઠંડક માટે નાળિયેર પાણી ઓફર કરવામાં આવશે. તંત્ર દ્વારા ટ્રમ્પ અને તેમના પત્ની માટે આ સ્વાદિષ્ટ મેનુની જવાબદારી શહેરની એક જાણીતી હોટલના  શેફને સોંપવામાં આવી છે. આ સિવાય પણ જો છેલ્લી ઘડીયે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને તેમના પત્નીની બીજા નાસ્તા કે ભોજનની ઇચ્છા હોય તો તે માટેની પણ તૈયારી રાખવામાં આવી છે.

            બપોરના સમયને ધ્યાનમાં રાખીને આ ખાસ લાઇવ સ્નકેસ પીરસવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્ર્મ્પ અને તેમના પત્નીના નાસ્તા, ભોજનને લઇ સરકારના આરોગ્ય વિભાગ અને ફુડ સેફટી ડિપાર્ટમેન્ટ દ્વારા નિષ્ણાતોની ખાસ ટીમ બનાવવામાં આવી છે. ફુડ સેફ્ટી કમિશનર ડો. હેમંત કોશીયાએ જણાવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્ર્પ્રમુખ ટ્રમ્પ, તેમના પત્ની મલેનિયા અને વડાપ્રધાન મોદી માટે તૈયાર થનારા નાસ્તો, ભોજન અને રસથાળમાં ઉપયોગમાં લેવાનારી કાચી સામગ્રી કે સામાનને ચેકીંગથી લઇ બની ગયા બાદ પણ તેની કવોલિટી, શુધ્ધતા સહિતના પાસાઓની ચકાસણી કરવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

(8:02 pm IST)