Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ટ્રમ્પની યાત્રા : અમદાવાદ છાવણીમાં ફેરવાઈ ગયું છે

એનએસજી, એસપીજી, અમેરિકી સંસ્થાઓ તૈનાત : અનેક સ્તરીય સુરક્ષા : શકમંદ ડ્રોનને તોડી પાડવા માટે પણ ભેદી ટેકનોલોજીનો ઉપયોગ : હજારો સુરક્ષા જવાનો

અમદાવાદ, તા. ૧૮ :  અમેરિકી પ્રમુખની અમદાવાદ યાત્રાને લઇને સમગ્ર અમદાવાદ લોખંડી છાવણીમાં ફેરવાઈ ગયું છે. અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કાર્યક્રમમાં અમેરિકી ગુપ્તચર સંસ્થાના અધિકારીઓની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એનએસજી અને ખાસ સુરક્ષા ગ્રુપ એસપીજીના જવાનો રહેશે. માર્ગ પર કોઇપણ પ્રકારના ડ્રોનને તોડી પાડવા માટે પોલીસ ડ્રોન ભેદી ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ ઉપરાંત માર્ગમાં એસપીજીની એન્ટી સ્નાઈપર ટીમો તૈયાર રહેશે. હજારો જવાનો પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે.  ઐતિહાસિક ગાંધી આશ્રમ ખાતે તથા મોટેરા સ્ટેડિયમ તેમજ મોદી અને ટ્રમ્પના કાફલા તરફ દોરી જતાં માર્ગો ઉપર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પોલીસ જવાનો અને સુરક્ષા જવાનો પહેલાથી જ મોરચા સંભાળી ચુક્યા છે. ગાંધી આશ્રમ ખાતે પણ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાંઆવી છે. માત્ર ભારતની સુરક્ષા સંસ્થાઓ,પોલીસ જવાનો અને અન્ય સુરક્ષા સાથે સંબંધિત લોકો જ તમામ પાસાની  પાસાની ચકાસણી કરી રહ્યા નથી. તેમની સાથે સાથે હવે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની યાત્રાને લઇને એનએસજીના કમાન્ડો ઉપરાંત અમેરિકી સિક્રેટ સર્વિસ એજન્સીના જવાનો પણ ગાંધી આશ્રમમાં ધામા નાંખી ચુક્યા છે અને તમામ ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યા છે. 

              કાર્યક્રમને લઈ ડીસીપી વિજય પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇને તૈયારીઓ ચાલી રહી છે. ૨૫ આઇપીએસ, ૨૦૦ પીઆઇ, ૮૦૦ પીએસઆઇ અને ૧૦૦૦૦થી વધુ પોલીસ કર્મીઓ સહિતનો બંદોબસ્ત અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોને લઇ સુરક્ષા વ્યવસ્થામાં ખડકાશે. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાને લઇ તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. તમામ મહાનુભાવોની ફુલપ્રુફ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી નોંધનીય વાત એ છે કે, મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં આમંત્રણ વિના કોઇપણને એન્ટ્રી મળશે નહીં. કાર્યક્રમના ત્રણ કલાક પહેલા જ આમંત્રિત લોકોએ પ્રવેશ લઈ લેવો પડશે. સાથે સ્ટેડિયમમાં પાણીની બોટલ તેમજ ખાણીપીણી સહિતની વસ્તુઓ લઈને કોઇને પણ જવા દેવામાં આવશે નહી.

(7:59 pm IST)