Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

અમદાવાદમાં કાલે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ : દુનિયાના દેશોની નજર

મોટેરા ખાતે મોદી તેમજ ટ્રમ્પ લાખો લોકોની ઉપસ્થિતિમાં સંબોધન કરશે : ડોનાલ્ડ ટ્રમ્પની હાઈપ્રોફાઇલ યાત્રા કાલથી શરૂ : દિલ્હીમાં મોદી-ટ્રમ્પની બેઠકો : આજે અમદાવાદ વિમાની મથકે પહોંચ્યા બાદ દુનિયાની મહાસત્તાના લીડરનું લાલ ઝાઝમ બિછાવીને સ્વાગત : અમદાવાદ નવારૂપની સાથે સ્વાગત કરશે

અમદાવાદ, તા. ૨૩ :  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ભારત યાત્રા અને ખાસ કરીને અમદાવાદ યાત્રા ઉપર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. આ યાત્રા આવતીકાલથી શરૂ થઇ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની આવતીકાલે અમદાવાદ યાત્રાને ધ્યાનમાં લઇને તેમના સ્વાગત માટે અમદાવાદ શહેર સંપૂર્ણપણે નવા રંગરુપ સાથે સજ્જ છે. આ ગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડોનાલ્ડ ટ્રમ્પ રોડ શો કરશે. સાથે સાથે અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સંયુક્તરીતે જનસભાને સંબોધશે. ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા મોટેરા સ્ટેડિયમ પર આયોજિત ભવ્ય નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. આ કાર્યક્રમમાં તમામ જુદા જુદા ક્ષેત્રની ટોચની હસ્તીઓ  ભાગ લેનાર છે જેમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ, ટોપની સેલિબ્રિટીઓ, ટોપના કલાકારો, રમત-ગમત સાથે જોડાયેલી ટોપની હસ્તીઓનો સમાવેશ થાય છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે તમામ તૈયારીઓ થઇ ચુકી છે. કોઇપણ પ્રકારની ચુક ન રહે તે માટે અધિકારીઓ, સુરક્ષા સંસ્થાઓ અને અમેરિકાની સંસ્થાઓના લોકો પણ છેલ્લા કેટલાક દિવસથી લાગેલા છે. સાબરમતી આશ્રમના અધિકારીઓના કહેવા મુજબ ટ્રમ્પના આગમન બાદ તેઓ રોડ શોમાં ભાગ લેશે. મોદી અને ટ્રમ્પ મહાકાય રોડ શો કરનાર છે જે દરમિયાન લાખો લોકો બંનેનું સ્વાગત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટે રવાના થાય તે પહેલા વડાપ્રધાન મોદીએ વિડિયો શેયર કરીને કહ્યું છે કે, ગુજરાત અને ત્યાં રહેતા દેશના અન્ય હિસ્સાઓના લોકો ટ્રમ્પના પ્રવાસને લઇને અભૂતપૂર્વ ઉત્સાહિત છે. બીજી બાજુ ટ્રમ્પ પણ આ યાત્રાને લઇને ઉત્સાહિત છે. છેલ્લા કેટલાક દિવસમાં ટ્રમ્પે તેમની ભારત યાત્રાને લઇને વાત કરી છે. મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ભારત ટ્રમ્પનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આ સન્માનની બાબત છે કે, તેઓ આવતીકાલે અમારી સાથે રહેશે. શરૂઆત અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ સાથે થનાર છે.

                 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને માહિતી આપી છે અને લોકો ટ્રમ્પના પ્રવાસને લઇને ઉત્સુક છે. આ ઐતિહાસિક યાત્રા બની રહેનાર છે. ટ્રમ્પ સમગ્ર પરિવાર સાથે પહોંચી રહ્યા છે જેમાં તેમના પત્નિ મેલેનિયા, પુત્રી ઇવાન્કા અને જમાઈ જરેડ કુશનર સામેલ છે. અમદાવાદ વિમાની મથકે પહોંચ્યા બાદ લાલઝાઝમ બિછાવીને તેમનું સ્વાગત કરાશે. ત્યારબાદ રોડ શોમાં મોદી ભાગ લેશે. બંને મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પહોંચશે. એરપોર્ટ ઉપર વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સ્વાગત માટે પહોંચે તેવી શક્યતા છે. એક લાખથી પણ વધુ લોકો પહોંચનાર છે. જો કે, આ આંકડો વધી જવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી ચુકી છે. અમદાવાદ કાર્યક્રમ યોજ્યા બાદ મોદી અને ટ્રમ્પ વચ્ચે યોજાનારી ઐતિહાસિક બેઠક પર પણ તમામની નજર છે. આ બેઠકમાં જુદા જુદા ક્ષેત્રીય, દ્ધિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા કરવામાં આવનાર છે. મોદી અને ટ્રમ્પ વચ્ચે મહાકાય વેપાર સમજૂતિની સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રોમાં પણ બંને દેશો આગળ વધે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે ન્યુક્લિયર ડીલ પણ થઇ શકે છે. ભારતને છ રિએક્ટર સપ્લાય માટે નવી સમજૂતિ થઇ શકે છે. સુત્રો મુજબ અમેરિકાના ઉર્જામંત્રીને પણ બોલાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે, પ્રચારનો ઉપયોગ કરવાની ટ્રમ્પને તક મળવી જોઇએ નહીં. કોંગ્રેસ પાર્ટીએ યાત્રાનું સ્વાગત કર્યું છે પરંતુ સાવચેતીપૂર્વક કામ કરવા કહ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન એરફોર્સ વન આવતીકાલે ઉતરાણ કરશે. ભવ્ય રોડ શો, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અને ગાંધી આશ્રમની યાત્રા ઐતિહાસિક બનનાર છે. આને લઇને અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી હતી. ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થા પણ અભૂતપૂર્વ રાખવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી- ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠકો

અમદાવાદ, તા. ૨૩ : ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે અમદાવાદ પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હજુ સુધી સાત બેઠકો થઇ ચુકી છે જે નીચે મુજબ છે.

*    જૂન ૨૦૧૭માં દ્વિપક્ષીય બેઠકના ભાગરુપે વોશિંગ્ટન ડીસીમાં મળ્યા હતા

*    નવેમ્બર ૨૦૧૭માં મનિલામાં એશિયન એન્ડ ઇસ્ટ એશિયા સમિટમાં મળ્યા હતા

*    નવેમ્બર ૨૦૧૮માં બ્યુનોસએરમાં જી-૨૦ સમિટના ભાગરુપે મળ્યા હતા

*    જૂન ૨૦૧૯માં ઓસાકામાં જી-૨૦ શિખરના ભાગરુપે મળ્યા

*    ઓગસ્ટ ૨૦૧૯માં ફ્રાંસમાં જી-૭ બેઠકના ભાગરુપે મળ્યા

*        સપ્ટેમ્બર ૨૦૧૯માં ન્યુયોર્કમાં હ્યુસ્ટન ખાતે હાવડી મોદી કાર્યક્રમમાં મળ્યા

(7:58 pm IST)