Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમ પર ખર્ચને લઇ પ્રિયંકા ગાંધી વાઢેરાએ ગંભીર પ્રશ્નો કર્યા

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ થશે : સમિતિની આડમાં સરકાર કઇ બાબતો છુપાવે છે : પ્રિયંકા ગાંધી વાઢેરા

નવીદિલ્હી, તા. ૨૨ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પહોંચી રહ્યા છે ત્યારે આને લઇને રાજનીતિ પણ તીવ્ર બની ગઈ છે. કોંગ્રેસે ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં અમદાવાદમાં એક સમિતિ દ્વારા ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. બીજી બાજુ ભાજપે આક્ષેપ કરતા કહ્યું છે કે, ભારતનું કદ વધી રહ્યું છે ત્યારે કોંગ્રેસને બિલકુલ ખુશી થઇ રહી નથી. આજના સમયમાં જે પ્રકારની સોદાબાજી ભારત અમેરિકા સાથે કરી રહ્યું છે તે પ્રકારની સોદાબાજી અંગે કોંગ્રેસ સરકાર તો ક્યારે વિચારી શકતી પણ હતી. બીજી બાજુ કોંગ્રેસના નેતા શશી થરુરે ઝુપડપટ્ટીની સામે દિવાલ બનાવવાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ટ્રમ્પના આગમન પર ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે પરંતુ પૈસા એક સમિતિ મારફતે ખર્ચ થઇ રહ્યા છે. સમિતિના સભ્યોને માહિતી નથી કે તેઓ તેમના સભ્ય છે.

      કયા મંત્રાલય દ્વારા સમિતિને આટલા પૈસા આપવામાં આવ્યા છે તે અંગે દેશના લોકોને જાણવાનો અધિકાર છે. સમિતિની આડમાં સરકાર ઘણી બધી બાબતો છુપાવી રહી છે. ટ્રમ્પના ત્રણ કલાકના કાર્યક્રમમાં ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરનાર કોણ છે તે અંગે જાણવા માટે લોકો ઇચ્છુક છે. બીજી બાજુ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે, ટ્રમ્પની યાત્રા વિશ્વની સૌથી મોટી જુની લોકશાહીની યાત્રા છે. કોંગ્રેસ પાર્ટી આને લઇને ખુશ નથી. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાનું કહેવું છે કે, વૈશ્વિક સ્તર પર ભારતનું કદ વધી રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ઐતિહાસિક ક્ષણ આવી રહ્યા છે. ચિંતિત થવાના બદલે કોંગ્રેસના લોકોએ દેશની સિદ્ધિ પર ગર્વ કરવાની રૂ છે. પાત્રાએ એમ પણ કહ્યું હતું કે, આજે ભારત વ્હાઇટ હાઉસના કોઇપણ નિર્ણયમાં ફ્રન્ટ અથવા તો સેન્ટરમાં છે જે અમારા માટે ગર્વની વાત છે. ૧૦ જનપથ દ્વારા મનમોહનસિંહને પ્રકારની તક ક્યારે આપી હોત. મોદી આજે આંતરરાષ્ટ્રીય નેતાઓની વચ્ચે જે કદ ધરાવે છે તે તમામ માટે ગર્વની વાત છે.

(12:00 am IST)