Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

સરહદ પર હલચલ : દળોની તૈનાતી આખરે વધારી દેવાઇ

અલગતાવાદીઓ પર સકંજો મજબૂત કરાયોઃ સમગ્ર જમ્મુ-કાશ્મીર હાઇએલર્ટ પર છે : રાજ્યમાં અર્ધ લશ્કરી દળોની ૧૦૦ વધારાની કંપની તૈનાત કરી દેવાઇ

નવી દિલ્હી,તા. ૨૩ : આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર હલચલ હવે તીવ્ર જોવા મળી રહી છે. સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બા ભારત સરકાર દ્વારા જુદા જુદા કઠોર પગલા હેઠળ હાઇ એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. બીજી બાજુ ફોર્સની તૈનાતી વધારી દેવામાં આવી છે. સરકારની ગતિવિધી દર્શાવે છે કે આગામી દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં કેટલીક ખાસ ઘટનાઓ જોવા મળી શકે છે. ખીણમાં સક્રિય અલગતાવાદી લીડર યાસીન મલિકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સાથે સાથે ડઝન જેટલા કટ્ટરપંથીઓને કસ્ટડીમાં લેવામા ંઆવ્યા છે.

કેન્દ્ર સરકારે તરત જ અર્ધલશ્કરી દળોની ૧૦૦ વધારાની કંપનીઓ તૈનાત કરી દીધી છે. જેમાં ૪૫ સીઆરપીએફની કંપનીઓ સામેલ છે. બીએસએફની ૩૫ કંપનીઓ સામેલ છે.  અત્રે નોંધનીય છે કે હાલમાં પુલવામાં  ખાતે સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યોહતો. જેમાં ૪૦ જવાન શહીદ થયાહતા. જેશે મોહમ્મદ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.

તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ  દેશભરમાં લોકોમાં પહેલાથી  આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે  ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે.

શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી.  વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા.  જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા.(૨૧.૨૧)

(3:25 pm IST)