Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

૧લી એપ્રિલથી જીવન વીમો ખરીદવાનું થશે સસ્તુ

જે લોકો ભવિષ્યને લઇને ચિંતિત છે અને જેઓ જીવન વીમો લેવા માંગે છે તેમના માટે ખુશખબર : વીમા કંપનીઓ - ઇરડાએ તૈયારી શરૂ કરી : ૨૨થી ૫૦ વર્ષના લોકોને થશે ફાયદો : હવે ૨૦૦૬-૦૮નો ડેટા નહિ પણ ૨૦૧૨-૧૪નો મૃત્યુદરનો ડેટા ધ્યાને લેવાશે

મુંબઇ તા. ૨૩ : કામકાજી ઉંમરવાળા ભારતીયોને આવતા નાણાકીય વર્ષથી ઇન્શ્યોરન્સ ખરીદવા પર ઓછો ખર્ચ કરવો પડશે. કારણ કે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી લાઇફ કવરની ખર્ચની સમીક્ષા માટે મૃત્યુદરના અત્યાધુનિક આંકડા તરફ જવા જઇ રહી છે. તેના કારણે ૨૨થી ૫૦ વર્ષની ઉંમરના લોકોને ૧લી એપ્રિલથી સસ્તામાં ટર્મ પ્લાન મળી શકે છે. જ્યારે નવા આંકડાને આધાર બનાવાનું શરૂ થશે.

એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ એકચુઅરી સંજીવ પુજારીએ કહ્યું, પ્રીમીયમ કંપની વિશેષના અનુભવ પર આધારિત હોય છે અને તેમાં પણ કાપ થશે. મૃત્યુદર યાદીમાં ઇન્ડસ્ટ્રીનો અનુભવ દેખાય છે. તેઓએ કહ્યું કે, કેટલાક દેશોમાં તેમાં દર વર્ષે બદલાવ થાય છે, પરંતુ ભારતમાં તે દર પાંચમાં કે છઠ્ઠા વર્ષમાં થાય છે.

ઇન્સ્ટીટયૂટ ઓફ એકચુઅરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત સંશોધિત ઇન્ડિયન અસ્યોર્ડ લાઇવ્સ મોર્ટેલિટી ટેબલ ૨૦૧૨-૧૪માં માલુમ પડે છે કે, ૨૨ થી ૫૦ વર્ષની અંદર ઇન્શ્યોરન્સ લેનારના મૃત્યુદર ૪ થી ૧૬ ટકા ઓછી છે. ઇન્ડસ્ટ્રી પહેલા લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડકટસની પ્રાઇસિંગ નક્કી કરવા માટે ૨૦૦૬-૦૮નો રેફરન્સ ફ્રેમ ઉપયોગ કરાતો હતો.

જો કે નવા આંકડા પર આધારિત કિંમત નિર્ધારણની પ્રક્રિયામાં વૃધ્ધોના ઇન્શ્યોરન્સ કવર પ્રીમિયમ વધી શકે છે. ટેબલ પરથી માલુમ પડે છે કે ૮૨ થી ૧૦૫ વર્ષની ઉંમરના લોકોનો મૃત્યુદર ૩ થી ૨૧ ટકા વધી ગયો છે. ટેબલમાં એ પણ સામે આવ્યું છે કે, ઇન્શ્યોરન્સ લેનાર મહિલાઓનો મૃત્યુદર ઘટયો છે. તેના મુજબ ૧૪ થી ૪૪ વર્ષની ઉંમરવાળી ઇન્શ્યોર્ડ મહિલાઓનો મૃત્યુદર ૪.૫ થી ૧૭ ટકા સુધી સુધરીને આવ્યો છે.(૨૧.૨૫)

 

(3:14 pm IST)