Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

BSNL-MTNL માટે સરકારનો 8,500 કરોડનો VRS પ્લાન તૈયાર

બીએસએનએલ માટે ૬૩૬૫ કરોડનો જયારે દિલ્હી અને મુંબઇ સર્કલમાં સંચાલિત એમટીએનએલ માટે ૨૧૨૦ કરોડનો પ્લાન તૈયાર કરાયો

નવી દિલ્હી: આ દેશની સૌથી મોટી વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ (વીઆરએસ) અથવા સમય પૂર્વે પેન્શન સ્કીમ બની શકે છે. દેવાં અને નુકસાનના બોજ તળે દબાયેલ બીએસએનએલ અને એમટીએનએલ માટે સરકારે રૂ. ૮૫૦૦ કરોડનો વીઆરએસ પ્લાન તૈયાર કર્યો છે.

આ વીઆરએસ પ્લાન હેઠળ સરકાર બીએસએનએલ અને એમટીએનએલના મોટી ઉંમરના કર્મચારીઓને નિવૃત્ત કરી દેશે અને આ રીતે આ બંનેમાં નવા પ્રાણ ફૂંકવાની કોશિશ કરવામાં આવશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંને પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ભલે સરકારી તિજોરી પર બોજરૂપ દેખાતા હોય, પરંતુ આવાં સેક્ટર કે જેમાં સરકારી હાજરી ઇચ્છનીય છે તે એક પ્રકારે વ્યૂહાત્મક સંપત્તિ છે.

બીએસએનએલ માટે રૂ. ૬૩૬૫ કરોડનો વીઆરએસ પ્લાન છે, જ્યારે દિલ્હી અને મુંબઇ સર્કલમાં સંચાલિત એમટીએનએલ માટે રૂ. ૨૧૨૦ કરોડનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્લાન માટે ૧૦ વર્ષના બોન્ડ ઇશ્યૂ કરાશે, જેના માટે આ બંને પીએસયુની માલિકીના જમીનના પ્લોટ ગીરવે રાખવામાં આવી શકે છે.

આ સપોર્ટ સ્કીમથી આ બંને પીએસયુને ફોર જી સ્પેક્ટ્રમ હાંસલ કરવામાં પણ મદદ મળશે. આ અંગેનો નિર્ણય ડિજિટલ કોમ્યુનિકેશન કમિશન (ડીસીસી)ની બેઠકમાં લેવામાં આવ્યો હતો. બીએસએનએલ પર રૂ. ૧૪ હજાર કરોડનું દેવું છે અને ૨૦૧૭-૧૮માં બીએસએનએલને રૂ. ૩૧,૨૮૭ કરોડની ખોટ થઇ હતી.

સૂચિત વીઆરએસ દ્વારા તેના કર્મચારીઓની સંખ્યા ૭૫ હજાર સુધી ઘટી શકે છે, જ્યારે એમટીએનએલમાં અંદાજે ૨૨ હજાર કર્મચારી છે અને તેના પર રૂ. ૧૯ હજાર કરોડનું દેવું છે. પાંચ-છ વર્ષમાં આ વીઆરએસ યોજનાના પગલે ૧૬ હજાર કર્મચારી રિટાયર થઇ જશે. આ કંપનીઓમાં ગુજરાત મોડલ પર વીઆરએસ લાગુ કરાશે, જે હેઠળ પ્રત્યેક વર્ષ માટે ૩૫ દિવસનો પગાર અને નોકરીનાં બાકી રહેલાં વર્ષ માટે ૨૫ દિવસનો પગાર અપાશે

 

(2:18 pm IST)