Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પ્રજાના પૈસાની સુરક્ષા માટે સરકારનું મોટું પગલુઃ ગેરકાયદેસર લેવડદેવડ ઉપર સર્જીકલ સ્ટ્રાઈકઃ મંજુરી વગર ડીપોઝીટ સ્કીમો ચલાવી નહિં શકાય

દેશના ગરીબ અને સામાન્ય લોકો સાથે થતી નાણાકીય છેતરપીંડીને રોકવા માટે મોદી સરકારનો ઐતિહાસિક ફેંસલોઃ કાળા નાણા ઉપર પ્રહારઃ ગેરકાયદેસર ડીપોઝીટ સ્કીમો ઉપર સિકંજોઃ ગેરકાનૂની નાણાકીય લેવડદેવડ ઉપર પ્રતિબંધઃ ઠગબાજોને ૭ વર્ષની સજાની જોગવાઈઃ હવે લોકો બેન્ક અને સગાવ્હાલા સિવાય કોઈપણ પાસેથી પૈસા ઉધાર લઈ નહિ શકેઃ કંપનીની સ્થિતિમાં પાર્ટનર ઉપરાંત બીજા પાસેથી પૈસા લઈ નહિ શકાયઃ ગેરકાયદેસર ચાલતી ડીપોઝીટ સ્કીમો અને ચીટફંડો ઉપર પ્રતિબંધ મુકતા વટહુકમને રાષ્ટ્રપતિની મંજુરીઃ મહિને-મહિને ડિપોઝીટ જમા કરાવી સોનુ ખરીદવાની સ્કીમ પણ બંધ થશે

નવી દિલ્હી, તા. ૨૩ :. દેશના ગરીબ લોકો અને આમ આદમી સાથે થનારી નાણાકીય છેતરપીંડીને રોકવા માટે મોદી સરકારે એક ઐતિહાસિક ફેંસલો લીધો છે. ભારતમાં કોઈ પણ રજીસ્ટ્રેશન વગર ગેરકાયદેસર રીતે લોકોને સાણસામાં ફસાવી પૈસા લૂંટવાના હેતુથી જમા યોજના કે પછી ચીટફંડ જેવી અનેક પ્રકારની ઠગાઈઓ અત્યાર સુધી થતી હતી. હવે આ પ્રકારે નાણા મેળવવા ઉપર પ્રતિબંધ લગાવવા માટે મોદી સરકારે એક વટહુકમ જારી કર્યો છે. આ નવો વટહુકમ ગેરકાયદેસર જમા યોજનાની તપાસ કરશે અને જે ગરીબ અને અભણ લોકોના પૈસા ઠગવાનંુ કામ કરે છે તેઓ હવે ૧૦૦ વાર વિચાર કરશે. ખુશીની વાત એ છે કે આને રાષ્ટ્રપતિ કોવિંદે પોતાની મંજુરી પણ આપી દીધી છે અને હવે તે તત્કાલ રીતે દેશમાં એક કાનૂનની રીતે લાગુ થઈ ગયો છે. મોદી સરકારે મંગળવારે બેકીંગ અનરેગ્યુલેટેડ ડીપોઝીટ સ્કીમ બીલને મંજુરી આપી હતી જે ગુરૂવારે લાગુ થઈ ગયેલ છે. આ પગલુ લોકોના ધનની સુરક્ષા માટેનો છે અને ગેરકાયદેસર લેવડદેવડ પર સર્જીકલ સ્ટ્રાઈક સમાન છે.

મોદી સરકારના આ પગલાને કાળા નાણા પર એક મોટો પ્રહાર માનવામાં આવે છે હવે કોઈપણ વ્યકિત કાળા નાણાને એક નંબરમાં બદલી બજારમાં જઈ નહિ શકે. આ ઉપરાંત અનેક રાજ્યોમાં રીઝર્વ બેન્ક અને સેબીની પરવાનગી વગર અનેક યોજનાઓ ચાલી રહી છે તેના ઉપર સિકંજો કસવા માટેનો હેતુ છે. આમા ઓછા વ્યાજે પૈસા લઈ વધુ વ્યાજ પર આપવામાં આવતા હતા. હવે રોકાણકારો ઠગાઈનો શિકાર બની નહી શકે. કાયદા કાનૂનનું પાલન કર્યા વગર સંચાલિત ડીપોઝીટ સ્કીમ થકી ભોળા રોકાણકારોને ઠગવાનું હવે બંધ થશે. સાથોસાથ ઠગાઈનો શિકાર રોકાણકારોને વળતર આપવાની પણ આમા જોગવાઈ છે. આ ઉપરાંત આ વટહુકમમાં નકલી લેવડદેવડ ઉપર પણ સિકંજો કસવાની વાત છે. હવે નકલી લેવડદેવડ સરળ નહી બને. હવે તમે બેન્ક અને સગાવ્હાલા સિવાય કોઈપણ પાસેથી પૈસા નહિ લઈ શકો. કંપનીની સ્થિતિમાં પાર્ટનરો ઉપરાંત કોઈપણ પાસેથી પૈસા ઉધાર લઈ નહી શકાય. જો આવુ કરનાર પકડાશે તો સાત વર્ષની સજાની જોગવાઈ છે એટલું જ નહિ ડીપોઝીટરોના પૈસા લેનારની સંપત્તિ પણ જપ્ત થશે.

આ વટહુકમથી એવા દરેક એકમો માટે રજીસ્ટ્રેશન ફરજીયાત થઈ ગયુ છે. જેઓ જમા લેવાની સુવિધા આપતા હોય એટલે કે ડીપોઝીટ ઉઘરાવતા હોય. હવેથી કોઈપણ વ્યકિત મંજુરી વગર ડીપોઝીટ ઉઘરાવી નહિ શકે. હવે કોઈપણ વ્યકિત એવી યોજનાની જાહેરાત પણ આપી નહી શકે કે જે રજીસ્ટર્ડ ન હોય. ગેરકાયદેસર યોજનાઓ ઉપર આ વટહુકમથી પ્રતિબંધ આવી ગયો છે. એટલુ જ નહી લોકોને પોન્ઝી સ્કીમોથી બચાવી પણ શકાશે. ઘણા ઉંચા રીટર્નની ઓફર કરતી ડીપોઝીટ યોજનાઓના પ્રચાર-પ્રસાર ઉપર પણ પ્રતિબંધની જોગવાઈ છે.

અત્રે એ નોંધનીય છે કે સરકારે આ ખરડો લોકસભામાં ૧૮ જુલાઈ ૨૦૧૮ના રોજ રજુ કર્યો હતો બાદમાં તેને નાણા અંગેની સ્થાયી સમીતીને મોકલી દેવામાં આવ્યો હતો. રાજ્યસભામાં પસાર થઈ શકયો ન હતો. હવે સરકારે વટહુકમ બહાર પાડયો છે અને તે તુરંત લાગુ થઈ ગયો છે. જેમાં આરોપીઓને એક વર્ષથી ૧૦ વર્ષની સજા અને બે લાખથી પચાસ કરોડ સુધીના દંડની પણ જોગવાઈ છે. કાયદામાં ગુન્હેગારોની પ્રોપર્ટી જપ્ત કરવાની અને તે વેંચી થાપણદારોને વળતર આપવાની પણ જોગવાઈ છે.(૨.૨૩)

(3:19 pm IST)