Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

હિરાના વેપાર થકી ૨૦,૦૦૦ કરોડનું કાળુનાણુ સફેદ કરાયું

આયકર વિભાગનો ધડાકોઃ ૩૦૦ જેટલી કંપનીઓ થકી આચરવામાં આવ્યું મહાકૌભાંડ

નવી દિલ્હી, તા. ૨૩ :. પીએનબીમાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર નિરવ મોદી અને મેહુલ ચોકસીએ હિરાના વેપાર થકી ૨૦,૦૦૦ કરોડ રૂ.ના કાળાના નાણાને સફેદ કર્યા હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે આયકર વિભાગે પણ તપાસ શરૂ કરી હોવાનું પણ જણાય છે. આયકર વિભાગના કહેવા મુજબ ધનશોધનનું આ કામ ૩૦૦ બેનામી કંપનીઓ થકી કરવામાં આવ્યુ હતું. હવે આ કંપનીઓની ઓળખ કરી ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આમાથી તમામ એવી કંપનીઓ છે જેમના માલિકના નામ અને સરનામા ખોટા છે. અનેક કંપનીઓ નિરવના સગાઓ અને મિત્રોઓના નામે છે. ઈડીએ પણ તપાસ શરૂ કરી છે.

એવી અનેક કંપનીઓ છે જેમણે હિરાના વેપારની આડમાં વિદેશમાં કાળુનાણુ જમા કરાવ્યું છે. જેની તપાસ આયકર વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે.

હૈદરાબાદમાં મેહુલ ચોકસીની ૧૨૦૦ કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઈ

હૈદરાબાદઃ ઈડીએ ૧૧૪૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં મોટી કાર્યવાહી કરી છેઃ આયકર વિભાગે મેહુલ ચોકસીના ગીતાંજલી સમુહની હૈદરાબાદમાં આવેલી તેની ૧૨૦૦ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છેઃ ઈડીએ મુખ્ય આરોપી નિરવ મોદી અને તેના મામા મેહુલના ૯૪.૫૨ કરોડના શેર અને મ્યુ. ફંડ જપ્ત કર્યા છેઃ અત્યાર સુધીની કાર્યવાહીમાં સીબીઆઈ, ઈડી, આયકરએ દેશભરમાં મામા-ભાણેજના ૩ ડઝનથી વધુ ઠેકાણા પર દરોડા પાડી ૫૮૨૬ કરોડના મૂલ્યનું સોનુ, હીરા, કિંમતી રત્નો અને ઝવેરાત સહિત અન્ય સંપત્તિઓ જપ્ત કરી છેઃ ૧૦૫ ખાતાઓ પણ ફ્રીઝ કર્યા છે

(10:04 am IST)